૮૦] [પ્રવચન રત્નાકર ભાગ-૯ તે ઝેર છે, દુઃખ છે. અજ્ઞાની જીવો શુભાશુભભાવમાં રોકાઈ રહીને નિરંતર ઝેરનો સ્વાદ લે છે કેમકે શુભાશુભભાવનો સ્વાદ ઝેરનો સ્વાદ છે.
જ્યારે ધર્મી જીવ તો ઉદયમાં આવેલા અમધુર કે મધુર કર્મફળને જ્ઞાતાપણાને લીધે કેવળ જાણે જ છે. શુભભાવ આવે, હરખ થાય તે મધુર સ્વાદ છે (વાસ્તવમાં તો ઝેરનો જ સ્વાદ છે). અને અશુભભાવ થાય, હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના, કામ, ક્રોધ આદિ ભાવ થાય તેનો અમધુર-કડવો સ્વાદ છે. પરંતુ ધર્મી જીવ તો એ બેયનો જ્ઞાતાદ્રષ્ટા જ છે, વેદક નથી; કેમકે શુદ્ધ આત્માનું જ્ઞાન થતાં પરદ્રવ્યને ‘હું’ પણે અનુભવવાની અયોગ્યતા છે. શું કીધું? જ્ઞાનીને પરદ્રવ્યને-શુભાશુભ વિકારના ભાવને- ‘હું’ પણે, સ્વપણે અનુભવવાની અયોગ્યતા છે. ‘માટે, જ્ઞાની પ્રકૃતિસ્વભાવથી વિરક્ત હોવાથી અવેદક જ છે.’ ધર્મી જીવ હરખશોકના, સુખ-દુઃખના જે ભાવ થાય તેનો જ્ઞાતા જ છે, વેદક નથી કેમકે તે પરદ્રવ્યના ભાવો તેને ‘હું’ પણે અનુભવાતા નથી. આવી વાત છે.
‘જે જેનાથી વિરક્ત હોય તે તેને સ્વવશે તો ભોગવે નહિ, અને પરવશે ભોગવે તો તેને પરમાર્થે ભોક્તા કહેવાય નહિ.’
જુઓ, આ સિદ્ધાંત કહ્યો. હવે કહે છે- ‘આ ન્યાયે જ્ઞાની-કે જે પ્રકૃતિસ્વભાવને (-કર્મના ઉદયને) પોતાનો નહિ જાણતો હોવાથી તેનાથી વિરક્ત છે તે -સ્વયમેવ તો પ્રકૃતિસ્વભાવને ભોગવતો નથી, અને ઉદયની બળજોરીથી પરવશ થયો થકો પોતાની નિર્બળતાથી ભોગવે તો તેને પરમાર્થથી ભોક્તા કહેવાય નહિ, વ્યવહારથી ભોક્તા કહેવાય. પરંતુ વ્યવહારનો તો અહીં શુદ્ધનયના કથનમાં અધિકાર નથી; માટે જ્ઞાની અભોક્તા જ છે.’
આત્મા પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પરમાત્મદ્રવ્ય છે. અહા! આવી નિજવસ્તુની જેને દ્રષ્ટિ થઈ તે જ્ઞાની છે. અહીં કહે છે-જ્ઞાની પ્રકૃતિસ્વભાવને પોતાનો નહિ જાણતો હોવાથી તેનાથી વિરક્ત છે. શું કીધું? આ પુણ્ય-પાપના જે ભાવ થાય તેને જ્ઞાની જાણતો નથી. ધર્મી જીવ વ્યવહારરત્નત્રયના ભાવ મારા છે ને મારા કર્તવ્યરૂપ છે એમ જાણતો નથી. શુભાશુભ ભાવ થાય તે તો કર્મનો ઉદય છે; તેને જ્ઞાની પોતાનો કેમ જાણે? અહાહા...! પોતાનો તો એક જ્ઞાનાનંદસ્વભાવ છે, અને જ્ઞાન ને આનંદનું (પર્યાયમાં) પ્રગટવું થાય તે પોતાનો ઉદય છે. અહા! આવા નિર્મળ જ્ઞાન ને આનંદને અનુભવતો જ્ઞાની કર્મના ઉદયને પોતાનો કેમ જાણે? ન જાણે. તેથી જ્ઞાની પ્રકૃતિના સ્વભાવથી વિરક્ત છે. વર્તમાનમાં કિંચિત્ અસ્થિરતા છે, પણ એનાથી વિરક્ત છે.
રાગ થાય એ તો પ્રકૃતિનો સ્વભાવ છે, જીવનો નહિ. જીવનો તો એક જ્ઞાયક-