સમયસાર ગાથા ૩૧૮] [૮૧ સ્વભાવ-ચૈતન્યસ્વભાવ છે; તેમાં રાગનું કરવાપણું ક્યાં છે? આત્મામાં અનંત શક્તિઓ છે, પણ વિકારને કરે એવી એનામાં કોઈ શક્તિ નથી. તેથી ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ થઈ છે એવો જ્ઞાની રાગમાં રક્ત નથી; તે રાગથી વિરક્ત છે, તેને રાગમાં એકત્વબુદ્ધિ નથી. રાગમાં એકત્વ હોય તો તે જ્ઞાની શાનો?
જુઓ, ભરત ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય અને છન્નું હજાર રાણીઓ હતી; છતાં અંતરમાં રાગથી-વિષયથી વિરક્ત હતા. અહા! જેણે આનંદનો સાગર અંદર જોયો, જાણ્યો ને અનુભવ્યો તે વિરસ વિકારથી કેમ રંગાય? તેને દયા, દાન, ભક્તિ ઇત્યાદિના ભાવ આવે પણ તેને તે સ્વભાવમાં ભેળવતો નથી. આ રીતે જ્ઞાની વિકારથી-રાગાદિથી વિરક્ત છે.
તેથી, કહે છે, જ્ઞાની સ્વયમેવ તો પ્રકૃતિસ્વભાવને ભોગવતો નથી અને ઉદયની બળજોરીથી પરવશ થયો થકો પોતાની નિર્બળતાથી ભોગવે તો તેને પરમાર્થે ભોક્તા કહેવાય નહિ. હવે આવી વાત બીજે ક્યાં છે પ્રભુ? અહાહા...! જેને આત્માના નિરાકુળ આનંદસ્વભાવનું અંતરમાં ભાન થયું, વેદન થયું તે ઝેર જેવા વિકારના સ્વાદને કેમ લે? ન લે. તથાપિ અસ્થિરતાને લીધે કિંચિત્ રાગમાં જોડાય તોપણ ત્યાં વિરક્તિ હોવાથી પરમાર્થે જ્ઞાની તેનો ભોક્તા નથી. વ્યવહારથી તેને ભોક્તા કહીએ, પણ અહીં શુદ્ધનયના કથનમાં વ્યવહારનો અધિકાર નથી. માટે જ્ઞાની અભોક્તા જ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘ज्ञानी कर्म न करोति च न वेदयते’ જ્ઞાની કર્મને કરતો નથી તેમ જ વેદતો નથી. ‘तत्स्वभावम् अयं किल केवलम् जानाति’ કર્મના સ્વભાવને તે કેવળ જાણે જ છે.
અનાદિથી કર્મને કર્તા થઈને જીવ દુઃખના પંથે પડયો હતો, તે હવે સ્વભાવનું જ્ઞાન કરીને સુખના પંથે દોરાણો છે. જ્ઞાની થયો થકો તે હવે કર્મને કરતો નથી, વેદતોય નથી. આનંદસ્વરૂપ નિજ આત્મદ્રવ્યનું ભાન થયું છે તે હવે દુઃખના ભાવને કેમ વેદે? કિંચિત્ રાગનો ભાવ છે તેને કેવળ તે જાણે જ છે, પણ વેદતો નથી. કર્મના સ્વભાવને-પુણ્ય-પાપ આદિ ભાવને ધર્મી પુરુષ કેવળ જાણે જ છે પણ તેને કરતો કે ભોગવતો નથી. દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિના ભાવ જ્ઞાનીને આવે ખરા, પણ એનો એ કર્તા-ભોક્તા થતો નથી. ધર્મી જીવ અતીન્દ્રિય આનંદમાં રક્ત છે ને રાગથી વિરક્ત છે. તેથી રાગમાં ભળ્યા વિના, જે રાગ થાય છે તેને કેવળ તે જાણે જ છે.
બાપુ! આ તો મોટા ઘરનાં (-કેવળીના ઘરનાં) કહેણ આવ્યાં છે કે -ભગવાન!