૮૨] [પ્રવચન રત્નાકર ભાગ-૯ તું અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો મહાન સમુદ્ર છો; તેમાં રાગેય નથી ને અલ્પજ્ઞતાય નથી. અહા! આવા તારા અંતર-નિધાનમાં દ્રષ્ટિ કર. જો તો ખરો! આ દ્રષ્ટિવંતોએ (આચાર્ય આદિ પુરુષોએ) અંતર્દ્રષ્ટિ વડે સમકિત સાથે સગાઈ કરી છે, અને રાગનું સગપણ (-બંધન) તેમણે છોડી દીધું છે. હવે તે કર્મના ઉદયને કેવળ જાણે જ છે. હવે તે રાગને કરે ને ભોગવે કેમ? અહા! સમકિતી ધર્મી પુરુષ ભલે છ ખંડના રાજ્યમાં પડયો હોય તોપણ તે પોતાનું હોવાપણું જ્ઞાન ને આનંદમાં જ દેખે છે; રાગને તો તે પોતાથી ભિન્ન કેવળ જાણે જ છે; કર્મના સ્વભાવને-પુણ્ય-પાપ આદિ ભાવોને-તે પોતાની નિર્મળ પરિણતિમાં ભેળવતો જ નથી. આનું નામ ધર્મ છે બાપુ!
ધર્મ કોઈ અપૂર્વ ચીજ છે ભાઈ! પૂર્વે કદીય એણે ધર્મ કર્યો નથી. અંદર વસ્તુ તો અંદર ‘पूर्णं’ પૂરણ જ્ઞાનઘનસ્વરૂપ પૂર્ણતાથી ભરેલી છે. અહાહા....! પૂરણ અનંતસ્વભાવોથી ભરેલી વસ્તુ તો અંદર પૂરણ જ્ઞાનઘનસ્વરૂપ છે. તેનાં જ્ઞાન-શ્રદ્ધાન ને રમણતા થયાં તે હવે સ્વભાવમાં રક્ત છે ને વિભાવથી વિરક્ત છે. ભક્તિ, પૂજા આદિનો રાગ આવે પણ તેનાથી જ્ઞાનીને એકત્વ નથી. વિરક્તિ છે. તે એને કેવળ કર્મનો સ્વભાવ જાણે છે. ભાઈ! આ કોઈ કલ્પિત વાત નથી, આ તો સર્વજ્ઞથી સિદ્ધ થયેલો માર્ગ છે. હવે કહે છે-
‘परं जानन्’ એમ કેવળ જાણતો થકો ‘करणवेदनयोः अभावात्’ કરણના અને વેદનના (-કરવાના અને ભોગવવાના-) અભાવને લીધે ‘शुद्धस्वभावनियतः स हि मुक्त एव’ શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ એવો તે ખરેખર મુક્ત જ છે.
અહાહા...! ધર્મી પુરુષ શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ એવો ખરેખર મુક્ત જ છે. સ્વભાવમાં એકત્વ થયું છે તે રાગથી મુક્ત જ છે. ભગવાન સિદ્ધ રાગથી સર્વથા મુક્ત છે તેમ દ્રષ્ટિની પ્રધાનતાએ જ્ઞાની રાગથી મુક્ત જ છે, કેમકે જ્ઞાનીને રાગનું કરવાપણું અને ભોગવવાપણું નથી. રાગનો ધર્મી પુરુષ કર્તાય નથી, ભોક્તાય નથી; માટે તે મુક્ત જ છે. લ્યો, આવી વાત!
અહાહા...! વસ્તુ આત્મા અંદર નિર્મળ નિર્વિકાર પૂર્ણ આનંદકંદ પ્રભુ છે. એના આશ્રયે જેને એનાં જ્ઞાન-શ્રદ્ધાન અને નિર્મળ આચરણ પ્રગટ થયાં તે જીવ વિભાવથી- કર્મના સ્વભાવથી વિરક્ત છે. જેમ સાકરની કટકી મોઢામાં મૂકતાં ભેગી ચીરોડીની કટકી આવી જાય તો ફડાક તેને ફેંકી દે છે; તેમ આનંદઘન પ્રભુ આત્માનો અનુભવ થતાં ચીરોડીની કણી સમાન ભેગો રાગ આવી જાય તો ફડાક તેને ફેંકી દે છે. વાસ્તવમાં રાગનો નિર્મળ અનુભવની પરિણતિમાં પ્રવેશ જ નથી. આ પ્રમાણે જ્ઞાની રાગથી મુક્ત જ છે.