સમયસાર ગાથા ૩૧૮] [૮૩
‘જ્ઞાની કર્મનો સ્વાધીનપણે કર્તા-ભોક્તા નથી, કેવળ જ્ઞાતા જ છે; માટે તે કેવળ શુદ્ધ સ્વભાવરૂપ થયો થકો મુક્ત જ છે. કર્મ ઉદયમાં આવે પણ છે, તોપણ જ્ઞાનીને તે શું કરી શકે? જ્યાં સુધી નિર્બળતા રહે ત્યાં સુધી કર્મ જોર ચલાવી લે; ક્રમે સબળતા વધારીને છેવટે તે જ્ઞાની કર્મનો નિર્મૂળ નાશ કરશે જ.’
જુઓ, જ્ઞાનીને કર્મ ઉદયમાં આવે છે અને નિર્બળતાવશ તેને કિંચિત્ રાગ પણ થાય છે, પણ તેનો તે જ્ઞાતા જ રહે છે. જ્યાં સુધી નિર્બળતા છે ત્યાં સુધી કર્મનું જોર છે, પણ સ્વરૂપનો ઉગ્ર આશ્રય કરીને સબળતા વધારતો થકો જ્ઞાની છેવટે કર્મનો નિર્મૂળ નાશ કરશે જ. અહાહા...! અંદર આનંદનો નાથ પૂર્ણ બળિયો પૂરણ સ્વભાવથી ભરિયો છે. અનંત બળનો સ્વામી તે નિજસ્વભાવનો ઉગ્ર આશ્રય કરીને કર્મનો નિર્મૂળ નાશ કરશે જ. આ પ્રમાણે જ્ઞાની કેવળ શુદ્ધસ્વભાવરૂપ થયો થકો મુક્ત જ છે.