સમયસાર ગાથા ૩૧૯] [૮પ થયો તે જ્ઞાની પુરુષ છે. આ જ્ઞાની પુરુષ એમ જાણે છે કે હું તો ચેતનામાત્ર સ્વભાવથી ભરેલો ભગવાન છું. કર્મચેતનાથી રહિત છું. પુણ્ય-પાપ આદિ ભાવ મારું સ્વરૂપ નથી. રાગમાં એકત્વ નથી ને? તેથી જ્ઞાની રાગના કરવાપણાથી રહિત હોવાને લીધે અકર્તા છે.
તો શું ધર્મીને રાગ હોતો નથી? ધર્મીને રાગ હોય છે, પણ એનું સ્વામીપણું એને નથી. જેને સચ્ચિદાનંદમય નિજ આત્મવસ્તુનું સ્વામીપણું થયું છે તેને (-ધર્મીને) રાગનું સ્વામીપણું નથી. જેમ બે ઘોડે સવારી થાય નહિ તેમ આત્માનું અને રાગનું-બન્નેનું સ્વામીપણું બનતું નથી. તેથી આનંદના નાથ ભગવાન આત્માનું જેને સ્વામીપણું થયું તેને રાગનું સ્વામીપણું નથી અને તેથી તે રાગનો અકર્તા છે. જ્ઞાની જાણનાર બન્નેનો છે, પણ સ્વામી બંનેનો નથી.
વળી જ્ઞાની કર્મફળચેતના રહિત હોવાને લીધે પોતે અવેદક છે. વિકાર અર્થાત્ હરખશોકનું સુખદુઃખનું જે ચેતવું થાય તે કર્મફળચેતના છે. વિકારી પરિણામના ફળનું વેદવું તે કર્મફળચેતના છે. ધર્મી જીવ કર્મફળચેતનાથી રહિત છે અને તેથી અવેદક છે. અહા! નિજઘરમાં એકલો જ્ઞાન ને આનંદ ભરેલો છે; જ્ઞાની તેનો વેદનારો છે. નિરાકુળ આનંદના વેદનમાં પડેલો જ્ઞાની હવે વિકારનો -ઝેરનો સ્વાદ કેમ લે? ન લે. આ પ્રમાણે કર્મફળચેતના રહિત હોવાને લીધે જ્ઞાની અભોક્તા જ છે. દયા, દાન, ભક્તિ ઇત્યાદિ ભાવ એને થાય છે પણ એનો એ ભોક્તા નથી.
આ પ્રમાણે જ્ઞાની કર્મને (-રાગાદિને) કરતોય નથી, ભોગવતોય નથી. અહાહા...! ચિદ્બ્રહ્મસ્વરૂપ ભગવાન આત્માનો એક જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ છે. સ્વ અને પરને જાણે એવો એનો સહજ સ્વભાવ છે. અહા! આવો નિજસ્વભાવ અનુભવમાં આવ્યો હોવાથી જ્ઞાનીને એક જ્ઞાનચેતના જ છે. અહાહા...! કહે છે- જ્ઞાનચેતનામય હોવાને લીધે કેવળ જ્ઞાતા જ હોવાથી જ્ઞાની શુભાશુભ કર્મબંધને તથા કર્મફળને કેવળ જાણે જ છે.
અહીં ત્રણ વાત કરીઃ ૧. જ્ઞાની કર્મચેતના રહિત હોવાથી અકર્તા છે, કર્મનો-રાગનો કર્તા નથી. ર. જ્ઞાની કર્મફળચેતના રહિત હોવાથી અવેદક છે, કર્મફળનો-સુખદુઃખાદિનો ભોક્તા નથી.
૩. જ્ઞાની જ્ઞાનચેતનામય હોવાથી કેવળ જ્ઞાતા જ છે; શુભાશુભ કર્મને અને કર્મફળને કેવળ જાણે જ છે.
અહા! આવો સાક્ષીપણે માત્ર જાણનાર જ રહે એવો ધર્મી પુરુષ હોય છે. આવી વાત!