૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ જ્ઞાન હોય છે. તેમનું શરીર નગ્ન હોય છે અને તેમને આહાર-પાણી હોતાં નથી. અહાહા...! તેઓ અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદના કર્તા-ભોક્તા છે. એ તો આવી ગયું કે ક્ષાયિકજ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમ જ અવેદક છે. અહા! આવું ક્ષાયિકજ્ઞાન જેમને પ્રગટ થયું છે તેમને પરમાત્મા કહીએ. અહા! તે સર્વજ્ઞ પરમાત્મા પૂર્ણ આનંદની-અનંત આનંદની દશાના વેદનમાં રહેલા છે. તેઓ કોઈનું કાંઈ કરે કે કોઈને કાંઈ આપે એ વાત જ ક્યાં રહે છે?
હા, પણ ભગવાન કરુણા કરે કે નહિ? ભગવાન કરુણાસાગર તો કહેવાય છે? સમાધાનઃ– ના, ભગવાન કોઈની કરુણા ના કરે, ભાઈ! કરુણાનો ભાવ એ તો વિકલ્પ-રાગ છે, અને ભગવાન તો પૂરણ વીતરાગ છે. ભગવાનને કરુણાનો વિકલ્પ હોતો નથી.
તો કેવી રીતે છે! ભગવાનની ઓમ્ધ્વનિ સાંભળીને વા ભગવાનના વીતરાગસ્વરૂપને જાણીને કોઈ ભવી જીવ પોતે પોતાની કરુણા-દયા કરે અને પોતાના હિતરૂપ પ્રવર્તે તો તે ભગવાનની કરુણા-દયા છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. ભગવાન કરુણાસાગર છે એ પણ વ્યવહારનું જ કથન સમજવું. ભગવાન તો શું નિશ્ચયે કોઈ જીવ કોઈ અન્ય જીવની દયા કરી શકે એવી વસ્તુસ્થિતિ જ નથી. તેથી તો પ્રવચનસાર ગાથા ૮પ માં કહ્યું કે-
પદાર્થોનું અયથાગ્રહણ (અર્થાત્ પદાર્થોને જેમ છે તેમ સત્યસ્વરૂપે ન માનતા તેમના વિષે અન્યથા સમજણ), અને તિર્યંચ-મનુષ્યો પ્રત્યે કરુણાભાવ, તથા વિષયોનો સંગ (અર્થાત્ ઈષ્ટ વિષયો પ્રત્યે પ્રીતિ અને અનિષ્ટ વિષયો પ્રત્યે અપ્રીતિ) -આ મોહનાં લિંગો છે. બાપુ! આ તો મારગડા જુદા છે નાથ! પોતાને રાગનો કર્તા માને એ તો મિથ્યાદ્રષ્ટિ છે. અને ભગવાન પરને અને રાગને કરે અને ભોગવે એમ માને એય મિથ્યાદ્રષ્ટિ છે. સમજાણું કાંઈ...?
અહીં તો અવસ્થામાં કિંચિત્ રાગ વિદ્યમાન છે એવો શુદ્ધજ્ઞાન પરિણત ધર્મી જીવ પણ રાગનો અને પરનો અકર્તા અને અવેદક છે એમ કહે છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ! શક્તિરૂપે તે આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ ત્રિકાળ છે. અહા! આવા આત્માનો આશ્રય થતાં જેને જ્ઞાન અને આનંદની રચના કરે એવું વીર્ય પર્યાયમાં જાગ્યું અને જેને અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વાદ આવ્યો એવો ધર્મી સાધક જીવ જે છે તે, કહે છે, જાણે છે; કોને? કે બંધ અને મોક્ષને.