૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
અહા! જ્યાં સુધી પૂરણ વીતરાગ સર્વજ્ઞ થયો નથી ત્યાં સુધી સાધક જીવને અંશે બાધકપણું પણ છે. કર્મના ઉદયના નિમિત્તે તેને શુભ ને અશુભ ભાવ થતા હોય છે. પણ એ બન્નેને સાધક ધર્મી જીવ માત્ર જાણે છે, કરે છે એમ નહિ. કોઈને થાય કે આ તો નવો માર્ગ કાઢયો; પણ અરે ભાઈ! આ તો અનાદિથી પરંપરામાં ચાલ્યો આવતો અનંતા તીર્થંકર ભગવંતોએ પ્રરૂપેલો સનાતન માર્ગ છે. એકવાર ધીરજ અને શાંતિથી સાંભળ તો ખરો પ્રભુ! અનાદિનો જે સત્ય માર્ગ છે તે આ છે. ભગવાન આત્મા પોતે સહજ જ જ્ઞાન-સ્વરૂપ છે તે શું કરે? બસ જાણે. અરે! અનંતકાળમાં ધર્મ શું ચીજ છે તે સમજવાની એણે દરકાર કરી નથી. કદાચિત્ સાંભળવા ગયો તો સંભળાવનારા પણ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભભાવથી ધર્મ થાય એવું માનનારા ને કહેનારા મળ્યા. ત્યાં એ નવું શું કરે? અરે! આમ ને આમ બિચારો સ્વરૂપને વિસારીને ચાર ગતિમાં રઝળી મર્યો છે!
જુઓને! કોઈ પાંચ-પચીસ લાખનું દાન આપે એટલે એને ધર્મધુરંધરનો ઈલ્કાબ આપી દે. શું કહેવું? આવા જીવોને ધર્મ શું ચીજ છે એની ખબર જ નથી. એક કરોડપતિ શેઠે એક વાર પચાસ હજારનું દાન દીધું તો તેને શ્રાવક-શિરોમણિનો ઈલ્કાબ આપ્યો. અરે ભાઈ! શ્રાવક-શિરોમણિ કોને કહેવાય? બિચારાઓને શ્રાવક કોને કહેવાય એનીય ખબર ન મળે! શ્રાવકની વ્યાખ્યા તો આવી છે. શું? કે-‘શ્ર’ એટલે કે વાસ્તવિક તત્ત્વસ્વરૂપ જેમ છે તેમ શ્રવણ કરીને તેની શ્રદ્ધા કરી હોય, ‘વ’ એટલે રાગથી આત્મા-પોતે ભિન્ન છે એમ વિવેક કર્યો હોય અને ‘ક’ એટલે સ્વાનુભવની ક્રિયાનો કરનારો હોય-લ્યો, આનું નામ શ્રાવક છે. ભાઈ! આ વસ્તુસ્થિતિ છે.
આ જાણીને એ કરોડપતિ શેઠ અહીં બોલ્યા, -મહારાજ! મને તો એકેય વ્રત ને પડિમા નથી, આત્માનું ભાનેય નથી. લોકોએ સમજ્યા વિના જ મને આવું ‘શ્રાવક- શિરોમણિ’ નું બિરૂદ આપ્યું.
ત્યારે કહ્યું કે ભાઈ! લોકો તો પૈસા ખર્ચે એને ધર્મ-ધુરંધર આદિ નામ આપી દે; પણ બાપુ! ધર્મનું સ્વરૂપ બહુ જુદું છે. (પૈસાથી નહિ પણ ધર્મ અંતરના આશ્રયે પ્રાપ્ત થાય છે.)
પ્રભાવનાના હેતુથી લાખો રૂપિયા દાનમાં આપે, મોટાં મંદિરો બનાવે, જિનપ્રતિમા પધરાવે ઇત્યાદિ ભાવ ગૃહસ્થને અવશ્ય આવે અને આવવા જોઈએ, પણ ત્યાં રાગની મંદતા કરી હોય તો શુભભાવને કારણે પુણ્યબંધ થાય છે પણ ધર્મ નહિ. ધર્મી જીવ તો પુણ્યના જે પરિણામ થાય તેનો અકારક અને અવેદક છે.
ભગવાન આત્મા જ્ઞાનમૂર્તિ પ્રભુ ચૈતન્યચક્ષુ છે. જેમ આંખ દ્રશ્ય પદાર્થને દેખતાં દ્રશ્યમાં જતી નથી તેમ ચૈતન્યચક્ષુ પ્રભુ આત્મા પરને જાણતાં પરમાં જતો