Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3118 of 4199

 

સમયસાર ગાથા ૩૨૦ ] [ ૯૯ નથી, પરથી ભિન્ન રહીને પરને જાણે છે, આ સર્વ તત્ત્વજ્ઞાનનો નિચોડ છે. અજ્ઞાની એને જાણે નહિ. સમકિતી જ તેને યથાર્થ જાણે છે.

સમકિતી એકલા બંધ અને મોક્ષને જાણે એમ નહિ, તે કર્મના ઉદયે જે શુભાશુભ ભાવ થાય તેને પણ જાણે છે. ધર્મીને શુભ હોય તેમ અશુભ પણ હોય છે. ચારિત્રમોહના ઉદયમાં એને આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાનના પરિણામ પણ પોતાની કમજોરીથી થાય છે. સ્ત્રી સંબંધી વિષયનો રાગ પણ આવે છે. પરંતુ જ્ઞાની તે શુભાશુભ કર્મોદયથી પૃથક્ રહીને તેને જાણે છે. અહાહા...! જ્ઞાન શું કરે? બસ જાણે. આંખ છે તે બીજી ચીજને શું કરે? બસ દેખે; પણ આંખ બીજી ચીજને રચે કે તોડે એવું આંખનું કાર્ય નથી, તેમ જ્ઞાન શુભાશુભને કરે કે તોડે એવું જ્ઞાનનું કાર્ય નથી. સમજાણું કાંઈ....? અહાહા....! ધર્મી જીવ કર્મના ઉદયને જાણે, કર્મના ઉદયે જે શુભાશુભ ભાવ થાય તેનેય જાણે અને દેહની જે ક્રિયા થાય તેને પણ જાણે છે; કેમકે જ્ઞાની પોતાની જ્ઞાનભૂમિકામાં રહ્યો છે પણ તે રાગની ભૂમિકામાં પ્રવેશતો જ નથી. લ્યો, આવી વાત!

નાની ઉંમરમાં મૂળજી નામે એક બ્રાહ્મણ અમારી પડોશમાં રહેતા. અમારી બા ભૂંભલીના હતાં. તેઓ પણ ભૂંભલીના વતની હતા. અમે તેમને મૂળજી મામા કહીને બોલાવતા. તેઓ સવારમાં વહેલા ઉઠીને નાહ્યા બાદ બોલતા કે-

‘અનુભવીને એટલું કે આનંદમાં રહેવું રે;
ભજવા પરિબ્રહ્મને, બીજું કાંઈ ન કહેવું રે.’

આમ બોલતા. ૭૭ વર્ષ પહેલાંની આ વાત છે. તે વખતે અમે તો નાના બાળક હતા; પણ અમને લાગેલું કે મામા બોલે છે કાંઈક જાણવા જેવું. મામાને તો ક્યાં ખબર હતી કે એમાં શું ભાવ છે? પણ અમને ખ્યાલ રહી ગયો કે મામા બોલે છે કાંઈક રહસ્ય ભર્યું. લ્યો, એ રહસ્ય આ કે- અનુભવી એટલે સમ્યગ્દ્રષ્ટિ-ધર્મી-જ્ઞાની- તેને તો બસ એટલું કે આનંદમાં સદા રહેવું. ભલે શરીર હો, સગાં હો, પરિવાર હો-એ બધું ભલે રહ્યું એના ઘરે, -અનુભવીને તો બસ એટલું કે સદાય અતીન્દ્રિય આનંદના અનુભવમાં મસ્ત રહેવું. ભગવાન આત્મા પરિબ્રહ્મ નામ સમસ્ત પ્રકારે આનંદનો નાથ છે. અહાહા..! આવો જે પોતાનો આત્મા છે તેને ભજવો-અનુભવવો બસ એ એક જ ધર્મીનું કાર્ય છે. આવી વાત!

અહીં પણ એમ કહે છે કે ચોથા ગુણસ્થાને સમકિતી ધર્માત્મા, તેને કર્મના ઉદયના નિમિત્તે જે જે શુભ-અશુભ ભાવ આવે છે તેનો તે અકારક અને અવેદક છે, માત્ર તેને તે ભિન્ન રહીને જાણે છે. અહાહા...! મિથ્યાદ્રષ્ટિ કર્મોદયમાં અને શુભાશુભભાવમાં એકરૂપ-તદ્રૂપ થઈને તેનો કર્તા ને ભોક્તા થાય છે જ્યારે સમ્યગ્જ્ઞાની ધર્મી પુરુષ તેને દૂરથી માત્ર જાણે છે, તેમાં એકરૂપ થતો નથી.