૧૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
જ્ઞાની કર્મોદયને જાણે છે તેમ સવિપાક-અવિપાક નિર્જરાને પણ જાણે છે; કરે છે એમ નહિ. સૂક્ષ્મ વાત ભાઈ! આત્મા એકલા જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. અહા! આવું જેને અંતરમાં ભાન થયું તે જ્ઞાતા-દ્રષ્ટા થયો, જાણનાર-દેખનાર થયો. વસ્તુ સહજ જ્ઞાતા- દ્રષ્ટા સ્વભાવી છે. તેનું ભાન થતાં વર્તમાન, દશામાં જ્ઞાતા-દ્રષ્ટાપણું આવ્યું-પ્રગટયું. અહા! આવો જ્ઞાની અહીં કહે છે, સવિપાક-અવિપાકરૂપ ને સકામ-અકામરૂપ-એમ બે પ્રકારની નિર્જરાને બસ જાણે છે.
જુઓ, વર્તમાનમાં આ મનુષ્યગતિ છે છતાં ત્યાં અંદર નરકગતિ, દેવગતિ આદિ ચાર ગતિનો ઉદય હોય છે. પૂર્વનાં બાંધેલાં કર્મ પડયાં છે તેથી દેવગતિનો ઉદય તો આવે છે પણ તે ખરી જાય છે. તેને સવિપાક નિર્જરા કહે છે. એની મેળે પાક આવીને કર્મ ખરી ગયાં તેને જ્ઞાની જાણે છે. આત્માનું ભાન થતાં શાંતિ અને આનંદનું પરિણમન થયું છે તે જીવને પૂર્વે બાંધેલાં ગતિ આદિ કર્મો હોય તે ઉદયમાં આવીને ખરી જાય તેને સવિપાક નિર્જરા કહે છે અને જ્ઞાની તેને જાણે છે. વિપાક એટલે કર્મનું ફળ દઈને ખરી જવું. સ્થિતિ પૂરી થયે ઉદયમાં આવીને કર્મનું ખરી જવું તેનું નામ સવિપાક નિર્જરા છે. વિપાક એટલે વિશેષે પાક, સત્તામાં કર્મ પડયાં છે તે પાક આવીને ખરી જાય તે સવિપાક નિર્જરાને જ્ઞાની જાણે છે.
હવે બીજી વાતઃ અવિપાક નિર્જરાઃ ભગવાન જ્ઞાનાનંદસ્વરૂપી આત્માના અનુભવમાં પુરુષાર્થ કરતાં આત્મા-પોતે જ્ઞાતા-દ્રષ્ટા થયો. આવા સ્વરૂપના ભાનમાં ઉગ્ર પુરુષાર્થ હોતાં કર્મ ઉદયમાં ન આવે, આવવાની યોગ્યતા છે પણ તત્કાલ ઉદયમાં આવ્યું નહિ અને ખરી જાય તેને અવિપાક નિર્જરા કહે છે. વર્તમાન અહીં મનુષ્ય ગતિનો ઉદય છે. વર્તમાન એક ગતિ વિપાકપણે છે, બીજી ત્રણ વિપાકપણે નથી; પણ અંદર ઉદયમાં આવ્યા વિના ખરી જાય તે અવિપાક નિર્જરાને જ્ઞાની જાણે છે. આનંદનો નાથ પ્રભુ ત્રિકાળી આત્મા છે તેમાં અંતઃપુરુષાર્થ કરવામાં આવતાં કર્મ પુરુષાર્થથી ખરી જાય તેને અવિપાક નિર્જરા કહે છે; તેને પણ જ્ઞાની પુરુષ બસ જાણે છે, કરે છે એમ નહિ, સમજાણું કાંઈ....?
સકામ-અકામરૂપ બે પ્રકારની નિર્જરાને પણ જ્ઞાની જાણે છે. અહો! ધર્મી જીવ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવે પરિણમે છે. તેને રોજ દસ વાગે ભોજન લેવાનો ટાઈમ હોય પણ પ્રસંગવશ કોઈ વાર મોડું થાય ને બપોરે બે ત્રણ વાગે ભોજન લેવાનું બને તો ત્યાં તે આકુળ-વ્યાકુળ થતો નથી પણ સમભાવથી સહન કરે છે. ત્યારે જે નિર્જરા થાય છે તે અકામ નિર્જરા છે. અજ્ઞાનીને પણ અકામ નિર્જરા થતી હોય છે પણ તે સમભાવપૂર્વક હોતી નથી. અહીં કહે છે-જ્ઞાની તેને જે અકામ નિર્જરા થાય છે તેને જાણે છે, કરે છે એમ નહિ.