સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૦૧
વળી સમકિતીને પુરુષાર્થપૂર્વક તપ વગેરે દ્વારા જે નિર્જરા થાય છે તે સકામ નિર્જરા છે. તેના પણ જ્ઞાની જ્ઞાતા છે, કર્તા નથી. અહા! રાગ થાય તેનેય જ્ઞાની જાણે, કરે નહિ; અને રાગ ટળે તેનેય જ્ઞાની જાણે પણ કરે નહિ. અહા! જ્ઞાતાસ્વભાવે પરિણમેલા જ્ઞાની-ધર્મી જીવની અંતર દશા અદ્ભુત અલૌકિક હોય છે.
લોકો તો બહાર દાનાદિમાં પૈસા ખરચે અને વ્રતાદિમાં રાગની મંદતાએ પરિણમે એટલે ધર્મ થવાનું માને છે. પણ ભાઈ! ધર્મનું એવું સ્વરૂપ નથી. ધર્મ તો અંતરની ચીજ છે અને તે શુદ્ધ જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવના આશ્રયે પ્રગટ થાય છે. હવે આવું કઠણ પડે તોય બાપુ! સત્ય તો આ જ છે.
જેમ ભગવાન કેવળીનો આત્મા એક જ્ઞાનમાત્ર ભાવમાં તન્મય છે તેમ ધર્મી સમકિતી પણ એક જ્ઞાનમાત્રભાવમાં તન્મય વર્તે છે. અહાહા...! જુઓ તો ખરા! ભગવાનનું એ સમોસરણ, એ બારસભા, એ દિવ્યધ્વનિ! ઓહોહોહો...! એકલા પુણ્યના ઢગલા!! પણ બાપુ! ભગવાન એના કાંઈ કર્તા નથી. ભગવાન એમાં ક્યાંય પ્રવેશ્યા- સ્પર્શ્યા નથી. ‘ભગવાનની વાણી’ -એ તો એમ ઉપચારથી કહેવાય છે, વાણીના કાળમાં ભગવાન કેવળીનું જ્ઞાન નિમિત્ત છે બસ એટલું જ્ઞાન કરાવવા ઉપચારથી ‘ભગવાનની વાણી’ -એમ કહેવાય છે. બાકી વાણી આદિના કર્તા-ભોક્તા ભગવાન નથી. અહા! આવા જ્ઞાનસ્વરૂપે ભગવાનને જે ઓળખે તે જ ભગવાનને યથાર્થ ઓળખે છે.
તીર્થંકરોને વાણીનો અદ્ભુત દિવ્ય યોગ હોય છે-એ ખરું, બીજાને તેવી વાણી હોય નહિ; છતાં તે વાણી જડ વર્ગણાઓનું પરિણમન છે, ભગવાનનું તે કાર્ય નથી. વાણી કાર્ય અને ક્ષાયિકજ્ઞાન તેનું કર્તા-એમ છે નહિ. વળી ગણધરદેવને, તે વાણીના કાળમાં જે બાર અંગરૂપ ભાવશ્રુતજ્ઞાન ખીલ્યું ત્યાં વાણી કર્તા ને ગણધરનું જ્ઞાન તેનું કાર્ય-એમ પણ છે નહિ. અહાહા...! શું જ્ઞાનનો નિરાલંબી સ્વભાવ! જ્ઞાન વાણીને ઉપજાવે નહિ અને વાણીથી જ્ઞાન ઉપજે નહિ. ભલે દિવ્યધ્વનિ થવામાં ભગવાન કેવળીનું કેવળજ્ઞાન જ નિમિત્તરૂપ હોય, અજ્ઞાનીનું જ્ઞાન નિમિત્ત ન હોય, તોપણ તેથી કાંઈ જ્ઞાનને અને વાણીને કર્તાકર્મપણું છે એમ છે નહિ. બન્નેય તત્ત્વો જુદાં જુદાં જ છે. લ્યો, આવી વાત છે.
જો એમ છે કે આત્મા બોલતો નથી તો લ્યો, હવે અમે નહિ બોલીએ; મૌન જ રહીશું.
અરે ભાઈ! પહેલાં પણ તું ક્યાં બોલતો હતો તે હવે બોલવાની ના પાડે છે? હું વાણી નહિ બોલું અર્થાત્ ભાષાને નહિ પરિણમાવું-એમ માને એને પણ જડની કર્તાબુદ્ધિ ઊભી જ છે. બાપુ! જેમ ભાષા બોલાય એ જડની ક્રિયા છે તેમ ભાષા