Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3130 of 4199

 

સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૧૧ કાદવ બેસી ગયો હોય તેમ સત્તામાં મોહકર્મ પડયું છે. જીવની આવી નિર્મળ પર્યાયને ઔપશમિક ભાવ કહે છે.

ક્ષાયોપશમિક ભાવઃ– આ ભાવમાં કાંઈક વિકાસ ને કાંઈક આવરણ છે; જ્ઞાનાદિનો સામાન્ય ક્ષયોપશમ ભાવ તો બધા છદ્મસ્થ જીવોને અનાદિથી હોય છે, પણ અહીં મોક્ષના કારણરૂપ ક્ષયોપશમભાવ બતાવવો છે-એટલે સમ્યગ્દર્શનપૂર્વકનો ક્ષયોપશમભાવ અહીં સમજવો.

કર્મનો ઉદય છે તેનો ઉદયાભાવી ક્ષય અને અનુદય છે તે ઉપશમરૂપે અંદર સત્તામાં રહે તેના નિમિત્તે જે જીવનો ભાવ હોય તેને ક્ષયોપશમભાવ કહેલ છે.

ક્ષાયિક ભાવઃ– આત્માના ગુણની સંપૂર્ણ શુદ્ધ દશા પ્રગટે અને કર્મોનો સર્વથા ક્ષય થઈ જાય-એવી દશા તે ક્ષાયિક ભાવ છે. દર્શનમોહનીયનો ક્ષય થતાં ક્ષાયિક સમ્યગ્દર્શન, જ્ઞાનાવરણીયનો ક્ષય થતાં ક્ષાયિક જ્ઞાન, દર્શનાવરણીયનો ક્ષય થતાં ક્ષાયિકદર્શન-એમ જે ભાવ પ્રગટ થાય તે ક્ષાયિક કહેવાય છે.

આ ત્રણે ભાવ નિર્મળ પર્યાયરૂપ છે; તે અનાદિના નથી હોતા, પણ આત્માના આશ્રયપૂર્વક નવા પ્રગટે છે, સાદિ છે અને તે ભાવો મોક્ષનું કારણ થાય છે એમ આગળ કહેશે.

ઔદયિક ભાવઃ– જેમાં કર્મનો ઉદય નિમિત્ત હોય છે એવો જીવનો રાગાદિ વિકારી ભાવ તે ઔદયિક ભાવ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ તથા હિંસા, જૂઠ, ચોરી, કુશીલ આદિના જે ભાવ થાય તે ઔદયિક ભાવ છે, એક અપેક્ષાએ તેને પારિણામિક કહ્યો છે. જીવ સ્વયં તે ભાવ કરે છે તે અપેક્ષાએ તેને પારિણામિક કહ્યો છે અને કર્મોદયના નિમિત્તના વશે થાય છે માટે તેને ઔદયિક ભાવ કહેવાય છે. હવે આવી વાત ઓઘે ઓઘે સાંભળે એને શું સમજાય? ભાઈ! દયા પાળો, દાન કરો, વ્રત પાળો એમ પ્રરૂપણા કરે પણ બાપુ! એ બધા રાગના ભાવ ઔદયિક ભાવ છે. તે બંધના કારણરૂપ છે, તે કોઈ ભાવો મોક્ષનું કારણ થતા નથી.

અનાદિથી બધા સંસારી જીવોને ઔદયિક ભાવ હોય છે. મોક્ષદશા થતાં તેનો સર્વથા અભાવ થાય છે.

પારિણામિક ભાવઃ– આત્માનો ત્રિકાળી સહજ એકરૂપ શાશ્વત સ્વભાવ તે પારિણામિક ભાવ છે; તે ધ્રુવ દ્રવ્યરૂપ છે. તેને ‘પરમભાવ’ કહ્યો છે. અન્ય ચાર ભાવો ક્ષણિક છે તેથી તેમને ‘પરમભાવ’ ન કહ્યા.