૧૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
અહાહા...! પારિણામિકરૂપ પરમસ્વભાવભાવ પ્રત્યેક જીવને સદાય વિદ્યમાન છે. હવે આ પાંચ ભાવોમાં સર્વવિશુદ્ધ પરમ પારિણામિકભાવ જે શાશ્વત ધ્રુવ અચલ છે તે દ્રવ્યરૂપ-વસ્તુરૂપ છે અને અન્ય ચાર ભાવો પ્રગટ પર્યાયરૂપ છે. તેમાં ત્રણ નિર્મળરૂપ છે ને ઔદયિક મલિનરૂપ છે. એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્ય-પર્યાયદ્વય તે આત્મા-પદાર્થ છે. અર્થાત્ દ્રવ્ય-પર્યાય બન્ને થઈને આખો આત્મા-પદાર્થ છે. દ્રવ્ય તે નિશ્ચય, પર્યાય તે વ્યવહાર; બન્ને થઈને પ્રમાણવસ્તુ સત્.
દ્રવ્ય-પર્યાયરૂપ આખો પદાર્થ આત્મા તે પ્રમાણનો વિષય છે. તેમાં પરમ પારિણામિકસ્વભાવે જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે તે નિશ્ચયનો વિષય છે, અને વર્તમાન વર્તતી પર્યાય તે વ્યવહારનો વિષય છે. નિશ્ચય છે તે ત્રિકાળી દ્રવ્યને સ્વીકારે છે, અને વ્યવહારનય વર્તમાન વર્તતી પર્યાયને સ્વીકારે છે. ત્યાં નિશ્ચયનું જે જ્ઞાન કર્યું. તેની સાથે પર્યાયનું જ્ઞાન ભેળવે તેને પ્રમાણજ્ઞાન કહેવામાં આવે છે. નિશ્ચયને રાખીને વ્યવહારને જાણે તે પ્રમાણજ્ઞાન છે; પણ નિશ્ચયને ઉડાડીને વ્યવહારને ભેળવે તો પ્રમાણજ્ઞાન રહે જ નહિ.
ભાઈ! તારી વસ્તુને-આત્માને જોવાના ત્રણ પ્રકારઃ- -ત્રિકાળી ધ્રુવ દ્રવ્યરૂપ પરમભાવને દેખનારી દ્રષ્ટિ તે દ્રવ્યાર્થિકનય, -વસ્તુને પર્યાયરૂપે દેખનારી દ્રષ્ટિ તે પર્યાયાર્થિકનય, અને -દ્રવ્ય-પર્યાયરૂપ વસ્તુને સમગ્રપણે દેખનારું તે પ્રમાણજ્ઞાન. અધ્યાત્મદ્રષ્ટિમાં શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય છે, ને તેની શુદ્ધપર્યાય વડે મોક્ષમાર્ગને સાધવો તે વ્યવહાર છે. રાગાદિક તો પરમાર્થે અનાત્મા છે, કેમકે તે શુદ્ધ આત્મા નથી; અશુદ્ધ ભાવ છે તેથી શુદ્ધદ્રષ્ટિમાં તે અનાત્મા છે. અભેદ આત્માની અનુભૂતિમાં તેનો અભાવ છે. અર્થાત્ શુદ્ધાત્માનુભૂતિથી તેઓ (રાગાદિ) બાહ્ય છે.
જુઓ, શુદ્ધ જીવ તે અંતઃતત્ત્વ છે, ને રાગાદિ બાહ્ય તત્ત્વ છે. અભેદ તત્ત્વની અનુભૂતિમાં નિર્મળપર્યાયના ભેદો પણ નથી તે અપેક્ષાએ તેમને પણ બાહ્ય તત્ત્વ કહ્યા છે. નિયમસાર ગાથા ૩૮ માં એક શુદ્ધ આત્માને જ અંતઃતત્ત્વ કહ્યું છે ને જીવાદિ તત્ત્વોને બાહ્ય તત્ત્વ કહ્યા છે. મતલબ કે જીવાદિતત્ત્વો સંબંધી જે ભેદવિકલ્પ છે તેના વડે શુદ્ધ આત્મા અનુભવમાં નથી આવતો માટે તેઓ બાહ્ય તત્ત્વ છે, હેય છે. ભાઈ! પર્યાયના ભેદો છે તે આદરણીય નથી, આશ્રય કરવાયોગ્ય નથી. એક માત્ર શુદ્ધ ત્રિકાળી એક જ્ઞાયકતત્ત્વમાં અભેદ થઈને અનુભવ કરવાયોગ્ય છે. અલબત અનુભવ છે તે પર્યાય છે, પણ તે દ્રવ્યસ્વભાવની સન્મુખ થઈને તેનો આશ્રય કરે છે. આમ શાશ્વત શુદ્ધ જ્ઞાયક વસ્તુ ને તેની વર્તમાન અવસ્થા તે બન્ને પરસ્પર સાપેક્ષપણે આખો આત્મા-પદાર્થ છે. સમજાણું કાંઈ...?