સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૧૩
ભાઈ! તારે દુઃખ મટાડીને સુખી થવું છે ને? તો દુઃખ કયા ભાવથી છે, ને સુખ કયા ભાવથી થાય-તેને તું જાણ. સુખ-દુઃખ તારા પોતાના ભાવોથી જ છે, બીજાને લીધે નથી. બાપુ! આવા વસ્તુના સ્વરૂપને જાણ્યા વિના અનંતકાળથી તું ૮૪ લાખ યોનિમાં અવતાર કરી કરીને રઝળે છે. ત્યાં એકલો તું તારા ભાવથી દુઃખી છે, કોઈ બીજાથી નહિ. પાપના ઉદયે એકેન્દ્રિયાદિમાં જાય ત્યાં તું એટલો દુઃખી છે, ને પુણ્યોદયે સ્વર્ગાદિમાં જાય તો ત્યાં તું એકલો કલ્પનાથી (વાસ્તવિક નહિ) સુખી છે; એમાં કોઈની સહાય-અપેક્ષા છે નહિ. તથા શુદ્ધ અંતઃતત્ત્વના આશ્રયે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ પરિણત થતાં મોક્ષમાર્ગમાં પણ તું એકલો જ સુખી છે-હોઈશ; તેમાં પણ કોઈનો સાથ-સહાય કે અપેક્ષા છે નહિ.
અહીં કહે છે-ચાર ભાવો પર્યાયરૂપ છે; તેમાં ઔપશમિકાદિ ત્રણ ભાવો નિર્મળ છે, મોક્ષના કારણરૂપ છે અને ઔદયિક ભાવ મલિન વિકારી છે ને બંધનું-સંસારનું કારણ છે. તથા જેના આશ્રયે નિર્મળ ભાવ પ્રગટ થાય છે તે શુદ્ધ પારિણામિક ભાવ ત્રિકાળ દ્રવ્યરૂપ છે. એમ પરસ્પર સાપેક્ષ દ્રવ્ય-પર્યાયનું જોડકું તે આખો આત્મા-પદાર્થ છે. અહો! આ તો એકલું અમૃત પીરસ્યું છે; “અમૃત વરસ્યાં રે પ્રભુ! પંચમ કાળમાં.”
હવે કહે છે -“ત્યાં, પ્રથમ તો જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના પારિણામિક ભાવોમાં, શુદ્ધ જીવત્વ એવું જે શક્તિલક્ષણ પારિણામિકપણું તે શુદ્ધ દ્રવ્યાર્થિકનયાશ્રિત હોવાથી નિરાવરણ અને “શુદ્ધ પારિણામિકભાવ” એવી સંજ્ઞાવાળું જાણવું; તે તો બંધમોક્ષપર્યાયપરિણતિ રહિત છે.’
જુઓ, અહીં જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ-એમ ત્રણ પ્રકારના જે પારિણામિકભાવ કહ્યા ત્યાં ‘શુદ્ધ’ શબ્દ નથી વાપર્યો; મતલબ કે એ ત્રણ ભેદો પાડવા તે અશુદ્ધ પારિણામિક છે અને તે વ્યવહારનયનો વિષય છે. પરંતુ ત્યાં એ ત્રણ પ્રકારના ભાવોમાં, શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિકપણું છે ધ્રુવ ત્રિકાળ છે અને તે શુદ્ધ-દ્રવ્યાર્થિકનયાશ્રિત હોવાથી નિરાવરણ અને “શુદ્ધ પારિણામિકભાવ” એવી સંજ્ઞાવાળું જાણવું. અહાહા...! કેટલું સ્પષ્ટ કર્યું છે?
શું કહે છે? કે સમ્યગ્દર્શનનો વિષય-લક્ષ્ય એવું જે ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય, ચાર પર્યાય વિનાની ચીજ, તે શક્તિલક્ષણ શુદ્ધ પારિણામિકભાવ જાણવો. તે શુદ્ધ દ્રવ્યાર્થિકનય નો વિષય છે અને તે નિરાવરણ છે. અહાહા... ! ભવ્ય હો કે અભવ્ય હો, તેમાં જે ત્રિકાળ શક્તિરૂપ શુદ્ધ જીવત્વછે તે શુદ્ધ પારિણામિક ભાવ છે અને તે શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય હોવાથી નિરાવરણ છે. અહા! જેમાં ચાર પર્યાય નથી