૧૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
અરે ભાઈ! તને તારા કાયમી ત્રિકાળી જીવનની ખબર ન મળે તો તું સાચું જીવન કેવી રીતે જીવીશ? આહાર-પાણી કે શરીરાદિ જડથી તું જીવવાનું માન તે કાંઈ સાચું જીવન નથી. અહા! શરીર પોતે જ જડ મૃતક-કલેવર છે તો તે વડે તું કેમ જીવે? ભાઈ! પોતાના શુદ્ધ ચૈતન્યપ્રાણો વડે ત્રિકાળ જીવે, અને શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે મોક્ષ-સિદ્ધપદને સાધીને સાદિ-અનંત પૂરણ આનંદમય જીવન જીવે તે જ જીવનું સાચું જીવન છે. સ્તુતિમાં આવે છે ને કે-
જીવી જાણ્યું નેમનાથે જીવન... ....
અહાહા...! ભગવાન કેવળી જે પૂરણ વીતરાગવિજ્ઞાનમય જીવન જીવે છે તે ખરું જીવન છે, સાચું જીવન છે. બાકી અજ્ઞાનપૂર્વક રાગાદિમય જીવન જીવે તેને જીવનું જીવન કોણ કહે? એ તો ભયંકર ભાવમરણ છે. આવે છે ને કે -
ક્ષણક્ષણ ભયંકર ભાવમરણે કાં અરે! રાચી રહો? બાપુ! રાગથી ધર્મ માને અર્થાત્ રાગને જીવન માને તેને તો સાચું જીવન જીવતાં જ નથી આવડતું; તેને તો નિરંતર ભાવમરણ જ થયા કરે છે. સમજાણું કાંઈ..
અહીં કહે છે-જે દશપ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ-અભવ્યત્વદ્વય તે પર્યાયાર્થિકનયને આશ્રિત છે અને તેથી તે ‘અશુદ્ધ પારિણામિકભાવ’ સંજ્ઞાવાળાં છે. અહો! આ તો એકલું માખણ મૂકયું છે. શું કહે છે! કે દશપ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ- અભવ્યત્વદ્વય-એ ત્રણ અવસ્થાદ્રષ્ટિએ, પર્યાયદ્રષ્ટિએ, વ્યવહારનયથી કહેવામાં આવ્યાં છે.
દશપ્રાણરૂપ જીવત્વ છે તે અશુદ્ધ પ્રાણ છે. જડપ્રાણોથી જીવ જીવે છે એ તો વાત નહિ, પણ અહીં કહે છે-પાંચ ઈન્દ્રિયો (ભાવેન્દ્રિયો) મન, વચન, કાયા આયુષ્ય અને શ્વાસ (અંદર જીવની યોગ્યતારૂપ) -એવા દશપ્રાણરૂપ જે અશુદ્ધ જીવત્વ તેનાથી જીવ જીવે છે એમ જે કહ્યું તે વ્યવહારનયથી કહ્યું છે અને તે ‘અશુદ્ધ પારિણામિકભાવ’ છે. વળી ભવ્યત્વ-અભવ્યત્વદ્વય પણ પર્યાયાર્થિકનયાશ્રિત હોવાથી ‘અશુદ્ધ પારિણામિકભાવ’ છે, અહાહા..! ત્રિકાળી ધ્રુવ એક ચૈતન્યસ્વભાવભાવથી ભરેલી શુદ્ધ પરમપારિણામિકભાવસ્વરૂપ જે વસ્તુ તેમાં આ ‘અશુદ્ધ પારિણામિકભાવ’ ક્યાં છે? નથી. લ્યો, હવે આમાં ઓલા વ્યવહારવાળાઓને બધા વાંધા ઉઠે છે. પણ શું થાય. (વસ્તુસ્વરૂપ જ એવું છે ત્યાં શું થાય?) જુઓને! આ ચોકખું તો કહ્યું છે કે-જે દશપ્રાણરૂપ જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ-એ ત્રણે પર્યાયાર્થિકનયાશ્રિત હોવાથી ‘અશુદ્ધ પારિણામિકભાવ’ સંજ્ઞાવાળાં છે.
પ્રશ્નઃ– ‘અશુદ્ધ’ કેમ?