સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૧પ નવરાશ ન મળે તે બિચારા શું કરે? અરેરે! તે ચોરાસીના અવતારના સમુદ્રમાં ક્યાંય ડૂબી મરે. શું થાય? ભાઈ! તને આ સમજવાનો અવસર છે. એમાં તું રળવા-કમાવા પાછળ, કુટુંબ-પરિવારને સાચવવા પાછળ ને ઈન્દ્રિયના વિષયભોગની પાછળ જ રોકાઈને રહીશ તો અવસર વેડફાઈ જશે.
જુઓ, શુદ્ધ પારિણામિક ભાવ જે ત્રિકાળ છે તેને ભાવ કહેવાય. પર્યાયને પણ ભાવ કહેવાય. રાગને પણ ભાવ કહેવાય ને દ્રવ્ય-વસ્તુ છે તેને પણ ભાવ કહેવાય. અહીં દ્રવ્યને શુદ્ધ પારિણામિકભાવ એવી સંજ્ઞા આપી છે. તે તો બંધ-મોક્ષપર્યાયની પરિણતિથી રહિત છે એમ કહે છે.
અહાહા...! ભગવાન આત્મા ત્રિકાળ ધ્રુવ અસ્તિરૂપ છે. અહાહા...! છે... છે.... ... છે ને છે. ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ એવા અનાદિ-અનંત શુદ્ધ ચૈતન્યના પ્રવાહરૂપ છે. તે, અહીં કહે છે, બંધ-મોક્ષની પરિણતિથી રહિત છે; રાગાદિના ભાવથી રહિત છે અને મોક્ષમાર્ગ ને મોક્ષની પર્યાયથી પણ રહિત છે. અહાહા...! ત્રિકાળી સ્વભાવમાં પરવસ્તુ નથી, રાગ નથી, મલિન પર્યાય નથી, અને અપૂર્ણ કે પૂર્ણ નિર્મળ પર્યાય પણ નથી. અહાહા...! આવી પોતાની ચીજનો જેને અંદર દ્રષ્ટિમાં સ્વીકાર થયો છે તેને જ શુદ્ધ આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. બાકી તો બધું થોથે થોથાં છે.
ભાઈ! જન્મ-મરણના અંતનો ઉપાય આ એક જ છે. દુનિયા માને કે ન માને. દુનિયા ગમે તે કહે, સત્ય આ છે. આત્મા શુદ્ધચૈતન્ય મહાપ્રભુ બંધ-મોક્ષની પર્યાયથી રહિત વસ્તુ છે. તે એકના આશ્રયે ધર્મરૂપ નિર્મળ પરિણતિ પ્રગટ થાય છે.
હવે વિશેષ કહે છે- ‘પરંતુ જે દશપ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ-અભવ્યત્વદ્વય તે પર્યાયાર્થિકનયાશ્રિત હોવાથી “અશુદ્ધપારિણામિકભાવ” સંજ્ઞાવાળાં છે.
કોઈને થાય કે આવો ઉપદેશ! લોકોને આ સમજવું કઠણ પડે છે. હજુ તો હું શરીરથી રહિત છું એ કબૂલવું કઠણ પડે છે. પણ ભાઈ! આ શરીર આદિની ક્રિયા તો એના કાળે જે થવાની હોય તે થાય છે. તેમાં તારો કાંઈ અધિકાર છે જ નહિ. હું ધ્યાન રાખું તો શરીર વ્યવસ્થિત રહે. નહિતર બગડી જાય એમ તું માને, પણ એવો કોઈ અધિકાર તને શરીર પર છે નહિ; કેમકે શરીર પરવસ્તુ છે. અહાહા...! શરીરથી જુદું, રાગથી જુદું ને એક સમયની પર્યાયથી પણ જુદું-એવું જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય અંદર છે એને ધ્યેય બનાવવું છે. આવો માર્ગ છે. ભાઈ! અહો! આ અપૂર્વ વાત છે. અનંતકાળમાં એણે અંતર્દ્રષ્ટિ-દ્રવ્યદ્રષ્ટિ કરી જ નથી, પણ એ વિના બહારની ક્રિયાથી ધર્મ થાય એવી ચીજ નથી.