૧૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ પર્યાયાર્થિકનયે ઢાંકે છે. અહીં દ્રવ્ય ઘાતીકર્મ ન લેતાં ભાવઘાતીકર્મ ઢાંકે છે એમ સમજવું; દ્રવ્યઘાતીકર્મ તો જડ છે, બાહ્ય નિમિત્ત છે. સમ્યક્ત્વાદિ જીવગુણોનું ઘાતક તો અંદરમાં મોહાદિ ભાવઘાતી કર્મ છે અને તે ભવ્યત્વલક્ષણ પારિણામિક ભાવને પર્યાયાર્થિકનયે ઢાંકે છે એમ જાણવું. અહા! આ તો સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરની વાણીમાંથી સાર-સાર માખણ તારવીને જૈનદર્શનનું રહસ્ય આચાર્યદેવે જગતને આપ્યું છે.
કહે છે-જે ભવ્યત્વલક્ષણ પારિણામિકભાવ છે તેને સમ્યક્ત્વાદિ ગુણોનું ઘાતક ‘દેશઘાતી-સર્વઘાતી’ નામવાળું મોહાદિકર્મસામાન્ય પર્યાયાર્થિકનયે ઢાંકે છે. એટલે શું? કે પર્યાયમાં ઢાંકણ છે પણ શુદ્ધ વસ્તુમાં નથી. વસ્તુ શુદ્ધપારિણામિકભાવરૂપ સદા નિરાવરણ એકરૂપ છે. શુદ્ધ, દ્રવ્યાર્થિકનયે એમાં ઢાંકવું ને ઉઘડવું એવું કાંઈ છે જ નહિ. અહાહા...! આત્મા આનંદકંદ પ્રભુ ત્રિકાળ નિરાવરણ છે. તેમાં ઢંકાવું ને ઉઘડવું ક્યાં છે? છે જ નહિ. આવે છે ને કે- (પરમાત્મપ્રકાશમાં)
અહાહા...! નિજદેહમાં ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ આત્મા (ભિન્ન) વિરાજે છે. તેને ધ્યાન વિનાના પુરુષો જોઈ શકતા નથી; જેમ સૂર્ય સદા વિદ્યમાન છે તેને જાતિઅંધ છે તેઓ જોઈ શકતા નથી તેમ ભગવાન આત્માનું લક્ષ જેમને નથી તેઓ તેને જોઈ શકતા નથી.
ઘુવડને કોઈએ પૂછયું-“એલા! સૂર્ય છે કે નહિ?” ત્યારે તે કહે -“જેને કોઈ દિ’ નજરે ભાળ્યો નથી તે છે એમ કેમ કહું?” લ્યો, આવો મહા પ્રતાપવંત ઉજ્જ્વળ પ્રકાશનો ગોળો સૂર્ય છે તે ઘુવડને દેખાતો નથી. જાતિઅંધ છે ને! તેમ આત્મા ચૈતન્યસૂર્ય પ્રભુ સદાય અંદર બિરાજે છે, પરંતુ એની દ્રષ્ટિ (સમ્યક્દર્શન) વિના, એના ધ્યાન વિના તે દેખાતો નથી. જેમ જાતિઅંધને સૂર્ય દેખાય નહિ તેમ રાગ ને પર્યાયની રુચિવાળા જન્માંધને ચૈતન્યચમત્કાર પ્રભુ આત્મા દેખાતો નથી અર્થાત્ ભાવઘાતી આવરણ વડે પર્યાયનયે ઢંકાઈ ગયો છે. લ્યો, આવી વાત!
હવે કહે છે- ‘ત્યાં. જ્યારે કાળાદિ લબ્ધિના વશે ભવ્યત્વશક્તિની વ્યક્તિ થાય છે ત્યારે આ જીવ સહજ-શુદ્ધ-પારિણામિકભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્યનાં સમ્યક્શ્રદ્ધાન- જ્ઞાન-અનુચરણરૂપ પર્યાયે પરિણમે છે; તે પરિણમન આગમભાષાથી “ઔપશમિક”, “ ક્ષાયોપશમિક” તથા “ક્ષાયિક” એવા ભાવત્રય કહેવાય છે, અને અધ્યાત્મભાષાથી “ શુદ્ધાત્માભિમુખ પરિણામ”, “શુદ્ધોપયોગ” ઇત્યાદિ પર્યાયસંજ્ઞા પામે છે.’
જુઓ, અહીં કાળાદિ-એમ પાંચે લબ્ધિની વાત કરી છે; એકલા કાળની વાત