સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૧૯ નથી, કાળલબ્ધિ, પુરુષાર્થ, સ્વભાવ, ભવિતવ્યતા અને તે જ સમયે નિમિત્ત-કર્મનાં ઉપશમાદિ-એમ પાંચે સમવાય એક સાથે જ હોય છે.
તો કળશટીકામાં (કળશ ૪ માં) સમ્યક્ત્વ-વસ્તુ યત્નસાધ્ય નથી, સહજરૂપ છે એમ કહ્યું છે-તે કેવી રીતે છે?
સમાધાનઃ– હા, ત્યાં કાળલબ્ધિની મુખ્યતાથી વાત કરી છે. સમકિતની પર્યાય પણ પોતાનું સહજ જ છે એમ ત્યાં કહેવું છે; બાકી તે જ કાળે પાંચે સમવાય એકી સાથે જ હોય છે. ઘણે ઠેકાણે પુરુષાર્થની મુખ્યતાથી વાત કરી હોય ત્યાં સમ્યક્ત્વ પ્રયત્નથી- પુરુષાર્થથી સિદ્ધ થાય છે એમ કહ્યું છે. એ તો વિવક્ષાભેદ છે; બાકી કાર્યકાળે પાંચે સમવાય એકી સાથે હોય છે.
આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો રસકંદ છે. અહાહા...! અતીન્દ્રિય આનંદનો દરિયો પ્રભુ આત્મા છે. એના સિવાય ત્રણકાળ-ત્રણલોકમાં આનંદરૂપ વસ્તુ બીજી કોઈ નથી. અહા! પણ અજ્ઞાની જીવ પોતે આનંદસ્વરૂપ છે તેને ન માનતાં બહારમાં બીજે આનંદ છે એમ માને છે. મારાં કોઈ વખાણ કરે તો મને મઝા પડે, મને કોઈ મોટો કહે તો મઝા પડે, કોઈ પૈસાવાળો કહે તો મઝા પડે, કોઈ મને જ્ઞાની પંડિત કહે તો મઝા પડે-એમ અનેક પ્રકારે તે મિથ્યા કલ્પના કરે છે. પણ ભાઈ! તારો આનંદ બહારમાં ક્યાંય નથી; તારા આનંદની ધ્રુવ ખાણ તો અંદર ચિદાનંદ પ્રભુ તું પોતે જ છો. અહા! આવી વાત પોતાની ચીજને પામવા માટે કાળલબ્ધિવશે જ્યાં સ્વભાવની રુચિ કરે છે ત્યાં (તત્કાલ જ) અંતઃપુરુષાર્થ જાગે છે, કાળલબ્ધિ પાકે છે, ભવિતવ્ય જે સમકિત પ્રગટ થવાયોગ્ય છે તે થાય છે અને ત્યારે કર્મના ઉપશમાદિ પણ થાય છે; આ પ્રમાણે પાંચે સમવાય એકી સાથે જ હોય છે.
પહેલાં અનાદિથી મોહકર્મના વશે પરિણમતાં જીવને પોતાના સમ્યક્ત્વાદિ ગુણોનો ઘાત થતો હતો એટલે મોક્ષના કારણરૂપ ત્રણ ભાવો તેને ન હતા. અજ્ઞાનદશામાં મિથ્યાત્વાદિ-સર્વઘાતી ને દેશઘાતી-કર્મો તેના સમ્યક્ત્વાદિ ગુણોને ઘાતવામાં-ઢાંકવામાં નિમિત્ત થતા હતા. પણ હવે સદ્ગુરુના ઉપદેશનું નિમિત્ત પામીને જ્યાં શુદ્ધ પારિણામિકરૂપ પરમ સ્વભાવભાવની સન્મુખ થઈ તેની ભાવનારૂપ પરિણત થયો ત્યાં મોક્ષના કારણરૂપ એવા ઔપશમિકાદિ ભાવો પ્રગટ થાય છે; તેને પુરુષાર્થ, સ્વકાળ, કર્મનાં ઉપશમ આદિ પાંચે લબ્ધિઓ થઈ જાય છે અને આ ભવ્યત્વશક્તિની વ્યક્તિ છે. ભવ્યત્વ તો તે જીવમાં પહેલેથી હતું, પણ નિજસ્વભાવભાવનું ભાન થયું ત્યારે તે પાકરૂપ થઈને પરિણમ્યું; મોક્ષની જે યોગ્યતા હતી તે ત્યારે કર્મરૂપ થવા માંડી; ને હવે અલ્પકાળમાં મોક્ષદશા પ્રગટ થઈ જશે. લ્યો, આવી વાત!