ગાથા ૧૭-૧૮] [ ૩૩
ટીકાના પહેલા બે પેરેગ્રાફ થઈ ગયા. હવે અનુપપત્તિનો ત્રીજો છેલ્લો પેરેગ્રાફ રહ્યો. તેમાં હવે કહે છેઃ-
“જ્યારે આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળ-ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં” જુઓ, શું કહે છે? આબાળ-ગોપાળ સૌને એટલે નાનાથી મોટા દરેક જીવોને જાણવામાં તો સદાકાળ (નિરંતર) અનુભૂતિસ્વરૂપ- જ્ઞાયક-સ્વરૂપ નિજ આત્મા જ આવે છે. (અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા ત્રિકાળીનું વિશેષણ છે, જ્ઞાયકભાવને અહીં અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા કહ્યો છે.) આબાલ- ગોપાલ સૌને જાણનક્રિયાદ્વારા અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા જ જણાઈ રહ્યો છે. જાણનક્રિયા દ્વારા સૌને જાણનાર જ જણાય છે. (અજ્ઞાનીને પણ સમયે સમયે જ્ઞાનની પર્યાયમાં પોતાનો જ્ઞાનમય આત્મા જ ઉર્દ્ધપણે જણાઈ રહ્યો છે. જાણપણું નિજ આત્માનું છે છતાં એ છે તે હું છું એમ અજ્ઞાનીને થતું નથી. અજ્ઞાની પરની રુચિની આડે જ્ઞાનમાં પોતાનો જ્ઞાયકભાવ જણાતો હોવા છતાં એનો તિરોભાવ કરે છે અને જ્ઞાનમાં ખરેખર જે જણાતા નથી એવા રાગ આદિ પરજ્ઞેયોનો આવિર્ભાવ કરે છે.)
અહાહા! આમ સદાકાળ સૌને પોતે જ એટલે કે આત્મા જ જાણવામાં આવે છે. (અજ્ઞાનીઓ કહે છે કે આત્મા કયાં જણાય છે? અને અહીં જ્ઞાનીઓ એમ કહે છે કે દરેક આત્માઓને પોતાનો આત્મા જ જણાય છે પણ અજ્ઞાની એનો સ્વીકાર કરતો નથી.) પુણ્ય પાપ આદિ જે વિકલ્પ છે તે અચેતન અને પર છે તેથી ઉર્દ્ધપણે જ્ઞાનની પર્યાયમાં તે જણાતા નથી પરંતુ જાણનાર જ જણાય છે.
આમ સૌને પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં અનાદિ બંધના વશે-એટલે અનાદિ બંધના કારણે એમ નહીં પરંતુ અનાદિ બંધને (પોતે) વશ થાય છે તેથી; આ જાણનાર-જાણનાર-જાણનાર તે હું છું એમ ન માનતાં રાગ હું છું એમ માને છે. અનાદિ બંધના વશે-એટલે કર્મને લઈને એમ નહીં; આ એક સિદ્ધાંત છે કે કર્મ છે માટે વિકાર થાય છે એમ નથી. આત્મા અનાદિ બંધ છે એને વશ થાય છે માટે વિકાર થાય છે. એટલે કે સૌને જાણન-જાણન-જાણન ભાવ જ જાણવામાં આવે છે. શરીરને, રાગને જાણતાં પણ જાણનાર જ જણાય છે. પણ અનુભૂતિસ્વરૂપ આત્મા હું છું, આ જાણનાર તે હું છું, એમ અજ્ઞાનીને ન થતાં બંધને વશ પડયો છે. આત્માને વશ થવું જોઈએ એને બદલે કર્મને વશ થયો છે. પૂજામાં આવે છે ને કેઃ-