૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨
હવે આત્મા અને રાગ વચ્ચે સાંધ છે એ વાત સમજાવે છે. (મોક્ષ અધિકાર, ગાથા ૨૯૪ માં સંધિની વાત છે) એ બંધના વશે પર સાથે એકપણાના નિશ્ચયથી- “જાણનાર-જાણનાર જણાય છે” એમ ન જાણતાં જાણનારની પર્યાય વર્તમાન કર્મ સંબંધને વશ થઈ (સ્વતંત્રપણે વશ થઈ) પર સાથે-રાગ અને પુણ્યના વિકલ્પો સાથે એકપણાનો અધ્યાસ-નિર્ણય કરે છે. હું રાગ જ છું એમ માને છે છતાં એકપણે થતો નથી. રાગ અને આત્મા વચ્ચે સંધિ છે. (સાંધ છે.) રાગનો વિકલ્પ અને જ્ઞાનપર્યાય એ બે વચ્ચે સંધિ છે. જેમ મોટા પથ્થરની ખાણ હોય તેમાં પથ્થરમાં પીળી, લાલ, ધોળી રગ હોય છે. એ બે વચ્ચે સંધિ છે. એ પથ્થરોને જુદા પાડવા હોય તો એ સંધિમાં સુરંગ નાંખે એટલે પથરા ઉડીને જુદા પડી જાય છે. તેમ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા અને રાગ બે વચ્ચે સંધિ છે. અહાહા! ત્યાં તો એમ કહ્યું કે નિઃસંધિ થયા નથી-એટલે બે એક થયા નથી. (બે વચ્ચે સંધિ હોવા છતાં બે એક થયા નથી). પણ (બન્નેના) એકપણાના નિશ્ચયથી મૂઢ અજ્ઞાની તેને જે રાગનો વિકલ્પ ઉઠે છે અને વશ થઈને તે હું છું એમ પરપદાર્થ જે રાગાદિ તેને પોતાના માને છે, પરંતુ રાગથી ભિન્ન અનુભવરૂપ પોતાની ચીજ જુદી છે એનું ભાન નહીં હોવાથી આ જાણનાર જણાય છે તે હું છું એમ માનતો નથી.
પ્રવચનસાર ગાથા ર૦૦ માં આવે છે કે જ્ઞાયકભાવ કાયમ જ્ઞાયક પણે જ રહ્યો છે. છતાં અજ્ઞાની બીજી રીતે હું આ રાગ છું, પુણ્ય છું એવો અન્યથા અધ્યવસાય કરે છે. ભાઈ! સૂક્ષ્મ વાત છે. જિનેન્દ્ર માર્ગ જુદો છે. લોકો બહારમાં એકલા ક્રિયાકાંડ-આ કરવું અને તે કરવું-એમાં ખૂંચી ગયા છે. એટલે કાંઈ હાથ આવતું નથી. ભગવાન અમૃતચંદ્રાચાર્ય ટીકાકાર કહે છે કે પ્રભુ! તું તો જાણનાર સ્વરૂપ સદાય રહ્યો છે ને? જાણનાર જ જણાય છે ને? અહાહા! જાણનાર જ્ઞાયક છે તે જણાય છે એમ ન માનતાં બંધના વશે જે જ્ઞાનમાં પર રાગાદિ જણાય તેના એકપણાનો નિર્ણય કરતો મૂઢ જે અજ્ઞાની તેને ‘આ અનુભૂતિ છે તે જ હું છું’ એવું આત્મજ્ઞાન ઉદ્રય થતું નથી. ઝીણી વાત, ભાઈ! આ ટીકા સાધારણ નથી. ઘણો મર્મ ભર્યો છે.
ભગવાન આત્મા જ્ઞાયકજ્યોતિ ધ્રુવ વસ્તુ છે એ તો જાણનસ્વભાવે પરમપારિણામિકભાવે સ્વભાવભાવરૂપે જ ત્રિકાળ છે. રાગ સાથે દ્રવ્ય એકપણે થયું નથી; પણ જાણનાર જેમાં જણાય છે તે જ્ઞાન પર્યાય લંબાઈને અંદર જતી નથી. જાણનાર સદાય પોતે જણાઈ રહ્યો છે એવી જ્ઞાનની પર્યાય થઈ રહી હોવા છતાં આ અંદર જાણનાર તે હું છું અર્થાત્ આ જ્ઞાનની પર્યાયમાં જણાય છે તે હું છું એમ અંદરમાં ન જતાં કર્મને રાગને વશ પડયો થકો બહારમાં જે રાગ જણાય છે તે હું છું એમ માને છે. અહા! આચાર્યે સાદી ભાષામાં મૂળ વાત મૂકી દીધી છે. ત્રિલોકીનાથ તીર્થંકર અને ગણધરોની વાણીની ગંભીરતાની શી વાત! પંચમઆરાના સંતે આટલામાં તો સમ્યક્દર્શન પામવાની કળા અને મિથ્યાદર્શન કેમ પ્રગટ થાય છે તેની વાત કરી છે.