સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૨૯ તે માનતા નથી. માટે હું આ તત્ત્વની વાત લખી જાઉં છું.
પ્રશ્નઃ– હા, પણ ગુરુદેવ! અત્યારે શું સ્થિતિ છે? ઉત્તરઃ– અત્યારે તો આ વાતની હા પાડનારા રુચિવાળા જીવો પાકયા છે. દિગંબરોમાંથી તેમ શ્વેતાંબરોમાંથીય હજારો લોકો આ વાત સમજતા થયા છે. જાણે આ વાતને સમજવાની જાગૃતિનો આ કાળ છે.
ઓહો! ભગવાન આત્મા ત્રિકાળી પરમસ્વભાવભાવરૂપ પરમપારિણામિકભાવ- લક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય છે; તેનાં શ્રદ્ધાન, જ્ઞાન અને ચારિત્રની જે નિર્મળ દશા પ્રગટ થાય તેને ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એમ ભાવત્રય કહેવામાં આવે છે.
એ તો પહેલાં આવી ગયું કે ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક અને ઔદયિક એ ચાર ભાવો પર્યાયરૂપ છે અને શુદ્ધ પારિણામિકભાવ દ્રવ્યરૂપ છે. એ ચાર પર્યાયરૂપ ભાવોમાંથી ત્રણ ભાવથી મુક્તિ થાય છે અર્થાત્ ત્રણભાવ છે તે મોક્ષમાર્ગરૂપ છે, જ્યારે ચોથો ઔદયિકભાવ મોક્ષમાર્ગની બહાર છે અર્થાત્ ઔદયિકભાવથી મુક્તિ થતી નથી. હવે આવી વાત વ્યવહાર કરતાં કરતાં મોક્ષ થઈ જશે એમ માનનારા ઓલા વ્યવહારરસિયાઓને રુચતી નથી. પણ શું થાય? વ્યવહારનો જે રાગ છે તે ઔદયિકભાવ છે અને ઔદયિકભાવ મુક્તિનું-મોક્ષનું કારણ નથી.
એક મુમુક્ષુભાઈ કરોડપતિ છે, તે એકવાર એમ બોલ્યા, “મહારાજ! તમારી વાત મને એમ તો ઠીક લાગે છે, પણ મને એ ઘણા ભવ પછી સમજાશે.” અરે ભાઈ! આ વાત ઠીક લાગે છે એને ઘણા ભવ કેમ હોય? માટે તું એમ કહે ને કે મને આમાં ઠીક લાગતું નથી. શું થાય? લોકોને આવું પરમ તત્ત્વ સમજવું કઠણ પડે છે. પણ બાપુ! આ તો દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્માથી આવેલી પરમ સત્ય વાત છે.
અહા! ચોરાશીના અવતારમાં ક્યાંય એકેન્દ્રિયાદિમાં રખડતાં રખડતાં માંડ આ મનુષ્યભવ મળ્યો છે. એમાં બહારમાં હો-હા કરીને રળવા-કમાવામાં એને તું વીતાવી દે તો જિંદગી એળે જાય.
પણ પૈસા-ધન તો મળે ને? શું ધૂળ પૈસા મળે? એ તો પુણ્યોદય હોય તો ઢગલા થઈ જાય; પણ એમાં શું છે? એ તો ધૂળની ધૂળ છે બાપુ! જેનાથી જન્મ-મરણના ફેરા ન મટે એ ચીજ શું કામની? અહો! આવી સર્વજ્ઞ પરમેશ્વરની વાણી ભાગ્ય હોય તો કાને પડે. લોકો તો સંપ્રદાયમાં સાંભળવા જાય. પણ ખુલ્લું કરીને કહીએ તો સંપ્રદાયનાં શાસ્ત્રો છે તે ભગવાનનાં કહેલાં નથી, કલ્પનાથી લખાયેલાં છે; માટે એ વાણીથી ભ્રાંતિ ટળે