૧૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ પર્યાયમાં રમશે, અને એ તો મિથ્યાત્વભાવ છે. કોઈ મહાવ્રતના ભાવ પાળીને એને ધર્મ માને પણ બાપુ! એ ધર્મ નહિ, એ મિથ્યાત્વભાવ છે. બહુ આકરી વાત! પણ શું થાય? વસ્તુસ્વરૂપ જ એવું છે.
જેમ સોનું છે તે વસ્તુ છે; પીળાશ, ચીકાશ, વજન આદિ તેની શક્તિઓ છે; તેમાંથી કુંડળ, કડું, વીંટી વગેરે અવસ્થા થાય તેને પર્યાય કહેવાય છે. તેમ આ ભગવાન આત્મા સોના સમાન ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે; પરમપારિણામિકભાવ શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવ તેનો ભાવ છે; તેની જ્ઞાન, દર્શન આદિ નિર્મળ દશા પ્રગટ થાય તે પર્યાય છે. વસ્તુ ને વસ્તુનો સ્વભાવ ત્રિકાળ ધ્રુવ છે, પર્યાય પરિણમનશીલ છે.
પ્રવચનસારમાં (ગાથા ૧૬૦) આવે છે કે- બાળ, યુવાન અને વૃદ્ધ એ તો શરીરની અવસ્થા છે; તેનો હું કર્તા નથી, કરાવનાર નથી, અનુમોદક નથી; તેમ તેનું હું કારણ પણ નથી. આ શરીરની યુવાન અવસ્થા હો કે વૃદ્ધ, સરોગ હો કે નિરોગ-એવી કોઈ પણ અવસ્થા હો-તેને મેં કરી નથી, કરાવી નથી, હું તેનો અનુમોદક નથી; તેમ તે તે અવસ્થાનું હું કારણ પણ નથી. અહા! આવો જે હું આત્મા શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ પરમાત્મદ્રવ્ય છું. તેનું સમ્યક્ શ્રદ્ધાન થાય તે પર્યાય છે, તેનું સમ્યક્જ્ઞાન ને અનુચરણ થાય તે પર્યાય છે. આગમભાષાથી કથન કરીએ તો તેને ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એવા ભાવત્રયપણે કહેવામાં આવે છે.
જેમ પાણીમાં મેલ નીચે બેસી જાય એટલે પાણી નીતરીને નિર્મળ થઈ ગયું હોય છે તેમ જેમાં કષાય દબાઈ ગયો હોય છે એવી પર્યાય નિર્મળ પ્રગટ થાય છે અને તે દશાને ઉપશમભાવ કહે છે. કંઈક નિર્મળતા અને હજુ મલિનતાનો અંશ પણ છે એવી દશાને ક્ષયોપશમભાવ કહે છે અને રાગનો જેમાં સર્વથા ક્ષય થઈ જાય એ પર્યાયને ક્ષાયિકભાવ કહે છે. આ ત્રણને ભાવત્રય કહેવામાં આવે છે. આ ત્રણ ભાવ મોક્ષમાર્ગરૂપ છે; તેમાં (મોક્ષમાર્ગમાં) ઉદયભાવ સમાતો નથી. આ વ્યવહારરત્નત્રયના પરિણામ જે ઉદયભાવ છે તે મોક્ષમાર્ગમાં સમાતા નથી. લ્યો, આવી વાત; પછી એનાથી (વ્યવહારથી) નિશ્ચય થાય એ વાત ક્યાં રહી? વાસ્તવમાં નિશ્ચય રત્નત્રય પરમ નિરપેક્ષ છે; તેમાં વ્યવહારરત્નત્રયની કોઈ અપેક્ષા નથી. (નિયમસારની બીજી ગાથામાં આ વાત આવી ગઈ છે.)
ભાઈ! આ વાત અત્યારે બીજે ક્યાંય ચાલતી નથી એટલે તને કઠણ લાગે છે પણ આ પરમ સત્ય છે. પં. શ્રી દીપચંદજી બસો વર્ષ પહેલાં થઈ ગયા. અધ્યાત્મપંચસંગ્રહમાં તેઓ લખી ગયા છે કે-બહાર જોઉં છું તો વીતરાગના આગમ પ્રમાણે કોઈની શ્રદ્ધા દેખાતી નથી, તેમ આગમના સિદ્ધાંતનું સ્પષ્ટ રહસ્ય કહેનારા કોઈ વક્તા પણ જોવામાં આવતા નથી; વળી કોઈને મોઢેથી આ વાત કહીએ તો કોઈ