સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૨૭
અહીં કહે છે-સહજ શુદ્ધ નિજપરમાત્મદ્રવ્યનું અંતઃશ્રદ્ધાન કરવું એનું નામ સમ્યગ્દર્શન છે. શું કીધું? આ દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન એમ નહિ, કેમકે એ તો રાગ છે. આ તો ‘અપ્પા સો પરમ અપ્પા’ અર્થાત્ ભગવાન આત્મા અંદર સદા પરમાત્મસ્વરૂપે વિરાજે છે, તેની સન્મુખ થઈને જેવી અને જેવડી પોતાની ચીજ છે તેવી અને તેવડી એની પ્રતીતિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે, વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યને જ્ઞેય બનાવી હું આ (-શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન પરમજ્યોતિ સુખધામ) છું એવી પ્રતીતિ કરવી એનું નામ અંતઃશ્રદ્ધાન છે. એને આત્માનું અંતઃશ્રદ્ધાન કહો, રુચિ કહો કે સમ્યગ્દર્શન કહો-એક જ વાત છે. સમજાણું કાંઈ....?
વળી વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યને જ્ઞેય બનાવતાં નિજપરમાત્મદ્રવ્યનું જે પરિજ્ઞાન થયું તેનું નામ સમ્યગ્જ્ઞાન છે. ઘણા શાસ્ત્રોનું જ્ઞાન-ભણતર તે સમ્યગ્જ્ઞાન એમ નહિ, કેમકે એ તો પરલક્ષી જ્ઞાન છે. આ તો પોતે અંતરમાં ભગવાન આત્મા પૂરણ એક જ્ઞાનસ્વભાવી પરમાત્મદ્રવ્ય છે. તેની સન્મુખતા થતાં ‘હું આ છું’ -એમ જ્ઞાન થવું એનું નામ આત્મજ્ઞાન-સમ્યગ્જ્ઞાન છે. દશામાં ભલે રાગ હો, અલ્પજ્ઞતા હો, વસ્તુ પોતે અંદર પૂરણ પરમાત્મસ્વરૂપ છે. આવા પોતાના પરમાત્મસ્વરૂપનું જ્ઞાન થવું તેને સમ્યગ્જ્ઞાન કહે છે. લ્યો, આવો વીતરાગનો મારગ લૌકિકથી ક્યાંય મેળ ન ખાય એવો છે.
ઓહો! ‘નિજપરમાત્મદ્રવ્યનું સમ્યક્ શ્રદ્ધાન’ -એમ કહીને એક સમયની પર્યાય; કે રાગ કે દેવ-શાસ્ત્ર-ગુરુ-કોઈ એના શ્રદ્ધાનનો વિષય જ નથી એમ સિદ્ધ કર્યું છે. ગજબ વાત છે ભાઈ! જેવું પોતાનું ત્રિકાળી સત્ છે તેવું તેનું શ્રદ્ધાન-જ્ઞાન થવું તેને અહીં સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન કહ્યું છે. લ્યો, આવી ચુસ્ત-આકરી શરતો છે.
વળી નિજપરમાત્મદ્રવ્યનું અનુચરણ એનું નામ ચારિત્ર છે. મહાવ્રતાદિ પાળવાં એ ચારિત્ર એમ નહિ, કેમકે એ તો રાગ છે. આ તો ચિદાનંદઘન એવું જે સ્વસ્વરૂપ તેમાં ચરવું-રમવું એનું નામ સમ્યક્ચારિત્ર છે. ઓહો! અંદર આનંદનો નાથ પૂરણ જ્ઞાનાનંદસ્વરૂપે વિરાજે છે તેને અનુસરીને ચરવું, તેમાં રમવું અને તેમાં જ ઠરવું એને આત્મચરણ નામ સમ્યક્ચારિત્ર કહે છે.
પૂર્વે અનંતકાળમાં અનુભવી નથી એવી આ અપૂર્વ-અપૂર્વ વાતો છે. ભાઈ! તું એકવાર રુચિથી સાંભળ. અહીં કહે છે-જેણે અંતરમાં આત્માને ભાળ્યો છે, હું આ છું-એમ પ્રતીતિમાં લીધો છે એવો સમકિતી ધર્મી પુરુષ એને જ (આત્મદ્રવ્યને જ) અનુસરીને એમાં રમે એનું નામ સમ્યક્ચારિત્ર છે. જેણે પોતાનું અંતઃતત્ત્વ શું છે એ ભાળ્યું નથી, શ્રદ્ધયું નથી તે રમે તો શેમાં રમે? તે રાગમાં ને વર્તમાન