Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3145 of 4199

 

૧૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯

તેને કહીએ છીએ કે તારી માન્યતા યથાર્થ નથી. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના પરિણામ વડે પુણ્યબંધ થાય છે, ધર્મ નહિ. શુભરાગ-મંદરાગના પરિણામ ધર્મનું કારણ નથી. શુભરાગ ધર્મ નહિ. ધર્મનું કારણેય નહિ.

ત્યારે તે કહે છે-શાસ્ત્રમાં શુભરાગને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે. હા, કહ્યું છે; પણ તેનો અર્થ શું? ચિદાનંદઘન સહજશુદ્ધ પારિણામિકભાવલક્ષણ નિજ પરમાત્મદ્રવ્યનું જેને અંતરમાં ભાન વર્તી રહ્યું છે એવા ધર્મી જીવને શુભના કાળે અશુભ (મિથ્યાત્વાદિ) ટળી ગયેલ છે અને ક્રમે કરીને (વધતા જતા અંતઃપુરુષાર્થ અને વીતરાગતાને કારણે) શુભને પણ તે ટાળી દે છે એ અપેક્ષાએ એના શુભરાગને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે. ત્યાં ખરેખર તો ક્રમે વધતી જતી વીતરાગતા જ મોક્ષનું પરંપરા કારણ છે, પણ તે તે કાળમાં અભાવરૂપ થતો જતો શુભરાગ આવો હોય છે તેનું જ્ઞાન કરાવવા ઉપચારથી તેને મોક્ષનું પરંપરા કારણ કહેવામાં આવ્યું છે. ખરેખર તે કાંઈ મોક્ષનું કારણ વા પરંપરા કારણ છે એમ નથી, ખરેખર તો રાગ અનર્થનું જ કારણ છે; તે અર્થનું-હિતનું કારણ કેમ થાય? કદીય ન થાય. આવી વાત છે. જગત માને કે ન માને, આ સત્ય છે.

અરે! એ અનાદિકાળથી રખડી મર્યો છે. પોતાનું સત્ કેવડું મોટું અને કેટલા સામર્થ્યવાળું છે એની એને ખબર નથી. અહીં કહે છે-ભગવાન! તું પોતે સહજ શુદ્ધપારિણામિકભાવલક્ષણ પરમાત્મદ્રવ્ય છો. બહિરાત્મા. અંતરાત્મા અને પરમાત્મા-એ તો પર્યાયની વાત છે; એ વાત આ નથી. આ તો પોતે શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન ત્રિકાળી ધ્રુવ પરમાત્મ-દ્રવ્ય છે એની વાત છે. અરે! અનંતકાળમાં એને આત્માનું પ્રમાણ નામ માપ કરતાં આવડયું નથી; એનાં માપલાં જ ખોટાં છે.

જુઓ, એક રવિવારની રજાના દિવસે એક નાના છોકરાનો બાપ પ૦ હાથ આલપાકનો તાકો ઘેર લઈ આવ્યો પેલા છોકરાને થયું કે હું એને માપું. એણે પોતાના હાથથી ભરીને માપ્યો અને એના બાપને કહ્યું- ‘બાપુજી, આ કાપડનો તાકો તો ૧૦૦ હાથનો છે.’ ત્યારે તેના બાપે સમજણ પાડી કે-ભાઈ! આ તારા નાનકડા હાથનાં માપ અમારા વેપારના કામમાં જરાય ન ચાલે. તેમ પરમ પિતા સર્વજ્ઞ પરમેશ્વર કહે છે-ભાઈ! ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનું માપ તારી મતિ-કલ્પનાથી તું કરવા જાય પણ મોક્ષના મારગમાં તારું એ માપ ન ચાલે. તારા કુતર્ક વડે ભગવાન ચૈતન્યમૂર્તિસ્વરૂપ આત્માનું માપ નહિ નીકળે, ભાઈ! અરે ધર્મના બહાને વ્રત, ભક્તિ, પૂજા, દયા, દાન આદિ શુભરાગમાં રોકાઈને લોકો ઉંધા રસ્તે ચઢી ગયા છે. એ ભાવ (-શુભભાવ) અશુભથી બચવા પૂરતો હોય છે ખરો, પણ તે ભાવ ધર્મ કે ધર્મનું કારણ છે એમ કદીય નથી.