સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૩૧ અર્થાત્ વેરી કહ્યો છે ત્યાં તે ભાવ ધર્મ પ્રગટ થવામાં મદદ કરે એ કેમ બને? ભાઈ! હરકોઈ પ્રકારે આ સ્પષ્ટ છે કે એ પુણ્યભાવ ઔદયિકપણે છે અને તે મોક્ષનું કારણ નથી, મોક્ષના કારણરૂપ તો ઉપશમાદિ ભાવત્રય કહેવામાં આવ્યા છે.
વળી કહે છે-નિજપરમાત્મદ્રવ્યના સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન-આચરણરૂપ જે પરિણામ છે તે અધ્યાત્મભાષાથી ‘શુદ્ધાત્માભિમુખ પરિણામ’ , ‘શુદ્ધોપયોગ’ ઇત્યાદિ નામથી કહેવાય છે. જોયું? શું કહે છે? કે આત્માનું દર્શન, આત્માનું જ્ઞાન અને આત્માનું અનુચરણ એ ત્રણેય ભાવ શુદ્ધાત્માની સન્મુખના પરિણામ છે. લ્યો, આમ લોકોની વાતમાં અને આ વીતરાગતાના તત્ત્વની વાતમાં આવડો મોટો ફેર છે. આવે છે ને કે-
એક લાખે તો ના મળે, એક તાંબિયાના તેર.
અહા! અજ્ઞાનીની માનેલી શ્રદ્ધામાં અને ભગવાન વીતરાગ પરમેશ્વરે કહેલા તત્ત્વની શ્રદ્ધામાં વાતે વાતે ફેર છે.
અહાહાહા....! સર્વજ્ઞદેવ ત્રિલોકીનાથ અરિહંત પરમાત્મા એમ ફરમાવે છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ છે તે શુદ્ધાત્માભિમુખ છે, અર્થાત્ તે પરિણામ રાગથી તે પરથી વિમુખ અને સ્વભાવથી સન્મુખના પરિણામ છે. અહા! જેને આગમભાષાએ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવ કહીએ તે શુદ્ધાત્માભિમુખ અર્થાત્ સ્વભાવસન્મુખના પરિણામ છે અને તેને મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ....?
અનંતકાળથી પ્રભુ! તું દુઃખી થવાના પંથે દોરાઈ ગયો છો. અહીં તને સુખી થવાનો પંથ બતાવે છે. શું કહે છે? કે પરથી વિમુખ અને સ્વથી સન્મુખ એવા નિજ પરિણામનું નામ મોક્ષનો મારગ છે. સાક્ષાત્ સર્વજ્ઞ પરમેશ્વર હોય તોપણ તેઓ તારા માટે પરદ્રવ્ય છે ભાઈ! તેમના પ્રતિ તને જે ભક્તિ હોય એનાથી વિમુખ અને એ રાગને જાણવાની એક સમયની પર્યાયથી પણ વિમુખ શુદ્ધ આત્મદ્રવ્યની સન્મુખના જે પરિણામ તેને ભગવાન મોક્ષનો મારગ ફરમાવે છે. સાવ અજાણ્યા માણસને તો આ પાગલના જેવી વાત લાગે. પણ શું કરીએ? નાથ! તને તારી ખબર નથી!
શુદ્ધ આત્મવસ્તુ સહજશુદ્ધપારિણામિકભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્ય છે. તેની સન્મુખના પરિણામને આગમભાષાથી ઉપશમાદિ ભાવત્રય કહીએ છીએ, અધ્યાત્મભાષાથી તેને શુદ્ધાત્માભિમુખ કહીએ છીએ અને તેને જ મોક્ષનો માર્ગ કહીએ છીએ. ભાઈ! દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ છે તે તો ઔદયિકભાવ છે અને