૧૩૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ તે પરસન્મુખના ભાવ છે. તેથી તે ધર્મ નથી, તેમ ધર્મનું કારણેય નથી. સ્વાભિમુખ સ્વદશા જ એક મોક્ષનું કારણ છે, મારગ આવો સૂક્ષ્મ છે ભાઈ!
એક મોટા પંડિત એક કહેતા હતા કે પર્યાયમાં જો અશુદ્ધભાવ થાય તો આખું દ્રવ્ય અશુદ્ધ થઈ જાય.
અરે ભાઈ! તું શું કહે છે આ? શુદ્ધ આત્મદ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે. ત્રિકાળી દ્રવ્ય કદીય અશુદ્ધ થતું જ નથી. પર્યાયમાં વિકાર-અશુદ્ધતા થાય છે. શુભાશુભ વખતે દ્રવ્યની પર્યાય તેમાં તન્મય છે. દ્રવ્યની પર્યાય અશુદ્ધતાથી તન્મય છે, પણ તેથી કાંઈ ત્રિકાળી દ્રવ્ય અશુદ્ધ થઈ જાય છે એમ નથી. પરિણામ ભલે શુભ કે અશુભ હો, તે કાળે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તો શુદ્ધ જ છે. અનાદિ-અનંત વસ્તુતત્ત્વ તો શુદ્ધ જ છે, અને જ્યાં શુભાશુભથી ખસીને જીવ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરે છે ત્યાં તત્કાલ જ પર્યાય પણ શુદ્ધ થઈ જાય છે. સમજાણું કાંઈ...? પરથી ખસ, સ્વમાં વસ, ટૂંકું ને ટચ, આટલું બસ’ -બસ આ વાત છે.
ઈંદોરના શેઠ સર હુકમચંદજી અહીં આવેલા; ૮૩ વર્ષની ઉંમરે દેહ છૂટી ગયો, તેઓ કહેતા હતા- ‘તમે કહો છો એ માર્ગ તો બીજે ક્યાંય સાંભળવા મળતો નથી. તમે કહો છો એ હિસાબે તો ભાવલિંગી સાચા સંત વર્તમાનમાં કોઈ દેખાતા નથી.’
લોકોને આ વાત કઠણ પડે. કેટલાકને આમાં અપમાન જેવું લાગે. પણ બાપુ! આ તો વાસ્તવિકતા છે. તારી અવાસ્તવિક માન્યતા ટળે અને સત્યાર્થ વાત તને સમજાય એ હેતુથી આ તારા હિતની વાત કહેવાય છે. ભાઈ! કોઈના અનાદર માટેની આ વાત નથી; (આ તો સ્વસ્વરૂપના આદરની વાત છે).
આત્મા જે પરમભાવસ્વરૂપ ત્રિકાળી નિજ પરમાત્મદ્રવ્ય છે તેનું જે સમ્યક્શ્રદ્ધાન- જ્ઞાન-અનુચરણરૂપ પરિણામ તેને ‘શુદ્ધોપયોગ’ પર્યાયસંજ્ઞાથી કહેવામાં આવે છે, અને તે સ્વાભિમુખ પરિણામ છે. પુણ્ય ને પાપના જે ભાવ થાય તે તો અશુદ્ધોપયોગ છે અને તે પરસન્મુખના પરિણામ છે. આત્માની સન્મુખના જે સ્વાભિમુખ પરિણામ છે તેને ‘શુદ્ધોપયોગ’ કહે છે અને તે શુદ્ધોપયોગ મોક્ષનો માર્ગ છે એમ કહેતાં જ વ્યવહારરૂપ જે શુભોપયોગ છે તે મોક્ષમાર્ગ નથી એમ તેમાં સ્પષ્ટ થઈ જાય છે.
અરે ભાઈ! તું થોડા દિ’ શાંત ચિત્તે ધીરજથી આ વાત સાંભળ! બાપુ! આ કાંઈ વાદવિવાદ કરવાનો વિષય નથી, ને અમે કોઈથી વાદવિવાદમાં ઉતરતા પણ નથી. આ તો શુદ્ધ વીતરાગી તત્ત્વની જે અંતરની વાત છે તે કહીએ છીએ. બાકી વાદથી કાંઈ અંતરનું તત્ત્વ પમાય એમ નથી.