૧૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ તો તે બંધનું કારણ છે. આમ બંધ-મોક્ષની રમતુ તારી પર્યાયમાં જ સમાય છે; બીજું કોઈ તારા બંધ-મોક્ષનું કારણ નથી. પોતાના પરમસ્વભાવમાં એકાગ્ર થઈને આનંદને અનુભવનારી ધ્રુવમાં ઢળેલી ને ધ્રુવમાં ભળેલી જે દશા થાય તે મોક્ષમાર્ગ છે અને તે ધર્મ છે. ધ્રુવસામાન્યને ધ્યેયમાં લઈને જે દશા પ્રગટી તે નવી છે; ધ્રુવ નવું નથી પ્રગટયું પણ નિર્મળ અવસ્થા નવી પ્રગટી છે, ને તે વખતે મિથ્યાત્વાદિ જૂની અવસ્થાનો નાશ થયો છે. નાશ થવું ને ઉપજવું તે પર્યાયધર્મ છે, ને ટકી રહેવું તે દ્રવ્યસ્વરૂપ છે. આવી વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ છે, અહો! દ્રવ્ય અને પર્યાયનું આવું અલૌકિક સત્યસ્વરૂપ સર્વજ્ઞભગવાને સાક્ષાત્ જોઈને ઉપદેશ્યું છે. અહા! આને સમજતાં તો તું ન્યાલ થઈ જાય અને તેના ફળમાં કેવળજ્ઞાન ફળે એવી આ અલૌકિક વાત છે!
નિજ પરમાત્મદ્રવ્યના આશ્રયે મોક્ષમાર્ગ છે, પરના આશ્રયે મોક્ષમાર્ગ નથી. શું કીધું? આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ એ ત્રણે સ્વાશ્રિત પરિણામ છે, તેમાં પરનું કે રાગનું અવલંબન જરાય નથી. તે ત્રણેય ભાવો શુદ્ધાત્માભિમુખ છે ને પરથી વિમુખ છે. આ રીતે મોક્ષમાર્ગ અત્યંત નિરપેક્ષ છે, પરમ ઉદાસીન છે. જેટલા પરસન્મુખના પરાશ્રિત રાગાદિ વ્યવહારભાવો છે તે કોઈપણ મોક્ષમાર્ગ નથી. સ્વાભિમુખ સ્વાશ્રિત પરિણામમાં વ્યવહારના રાગની ઉત્પત્તિ જ થતી નથી. માટે તે રાગાદિભાવો મોક્ષમાર્ગ નથી; જે સ્વાશ્રિત નિર્મળરત્નત્રયરૂપ ભાવ છે તે જ મોક્ષમાર્ગ છે, અને તે જ ધર્મ છે. તેને જ આગમ ભાષાથી ઉપશમાદિ ભાવત્રય કહેવામાં આવેલ છે.
આ પ્રમાણે પાંચ ભાવોમાંથી મોક્ષનું કારણ કોણ છે તે બતાવ્યું; તેનાં બીજાં અનેક નામોની ઓળખાણ કરાવી. હવે કહે છે-
‘તે પર્યાય શુદ્ધપારિણામિકભાવ લક્ષણ શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે.’
શું કીધું? કે જે શુદ્ધ પારિણામિકભાવલક્ષણ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એનાથી તે મોક્ષમાર્ગની પર્યાય કથંચિત્ ભિન્ન છે. જે પરિણામને આગમભાષાએ ઉપશમ આદિ ભાવત્રયપણે કહ્યા અને અધ્યાત્મભાષાએ જેને શુદ્ધાત્માભિમુખ પરિણામ વા શુદ્ધોપયોગ પરિણામ કહ્યા તે પરિણામ ત્રિકાળી પરમસ્વભાવભાવરૂપ નિજ પરમાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. જુઓ, મોક્ષમાર્ગનાં દ્રવ્યસંગ્રહમાં ૬પ નામ આપ્યાં છે. એ બધાં સ્વસ્વભાવમય ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મદ્રવ્યના આશ્રયે પ્રગટેલા શુદ્ધોપયોગરૂપ પરિણામનાં નામાંતર છે. અહીં કહે છે-તે પરિણામ શુદ્ધ પારિણામિકભાવલક્ષણ શુદ્ધ આત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે, ઝીણી વાત છે પ્રભુ!