સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૩પ
રાગાદિ પુણ્ય-પાપના ભાવ તો ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યથી ભિન્ન જ છે કેમકે રાગાદિ છે તે દોષ છે, ઉદયભાવ છે, ને બંધનું કારણ છે, જ્યારે ભગવાન આત્મા સદા નિર્દોષ, નિરપેક્ષ અને અબંધ તત્ત્વ છે. ભાઈ! આ વ્યવહારરત્નત્રયના ભાવ, દેવ-શાસ્ત્ર- ગુરુની ભેદરૂપ શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન ને પંચમહાવ્રતના પરિણામ ઇત્યાદિ જે મંદરાગના પરિણામ છે તે કર્મના ઉદયે ઉત્પન્ન થયેલા ઔદયિક ભાવ છે. તે ઉદયભાવ બંધનું કારણ છે અને તેથી તે પરિણામ શુદ્ધ આત્મદ્રવ્યથી ભિન્ન છે અર્થાત્ તે પરિણામમાં શુદ્ધ આત્મદ્રવ્ય નથી.
અહીં તો વિશેષ એમ કહે છે કે-પૂર્ણાનંદમય પરમાનંદમય એવો જે મોક્ષ છે તેનો ઉપાય જે શુદ્ધોપયોગરૂપ મોક્ષમાર્ગ તે ભાવ એક સમયની પર્યાયરૂપ છે અને તે ભાવ શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર એ ત્રણે પર્યાય છે, શુદ્ધોપયોગ છે તે પર્યાય છે; એ પર્યાય, અહીં કહે છે, શુદ્ધપારિણામિકભાવલક્ષણ નિજ પરમાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. અહા! જેમાં કાંઈ પલટના નથી, બદલવું નથી એવી પોતાની ત્રિકાળી ધ્રુવ ચીજ શુદ્ધ આત્મવસ્તુ જેને અહીં શુદ્ધ પારિણામિકભાવલક્ષણ કહી એનાથી સ્વાભિમુખ પ્રગટ થયેલા મોક્ષમાર્ગના પરિણામ કથંચિત્ ભિન્ન છે એમ કહે છે. અહો! જૈન તત્ત્વ બહુ સૂક્ષ્મ છે પ્રભુ!
કર્મોદયના નિમિત્તે જે ભાવ થાય તે વિકાર છે અને તે બંધનું કારણ છે, ઉપશમભાવ છે તે કર્મના અનુદયના કારણરૂપ દશા છે; તે દશા પવિત્ર છે, પણ અંદર સત્તા હજી પડી છે તો તેને ઉપશમભાવ કહેવાય છે. કાંઈક નિર્મળ અને કાંઈક મલિન અંશ છે એવી મિશ્રદશાને ક્ષયોપશમભાવ કહેવાય છે, કર્મના ક્ષયના નિમિત્તે પ્રગટ થાય તેને ક્ષાયિકભાવ કહેવાય છે. લ્યો, આમાં તો કર્મના ઉપશમ, ક્ષય આદિની અપેક્ષા આવે છે, જ્યારે ત્રિકાળી જે સ્વભાવભાવ છે તેને કોઈ અપેક્ષા લાગુ પડતી નથી. ઓહો! ત્રિકાળી ચૈતન્યમાત્ર જે દ્રવ્યસ્વભાવ ચિદાનંદ, સહજાનંદ, નિત્યાનંદ પ્રભુ તે પરમ નિરપેક્ષ તત્ત્વ છે.
અહા! આ તો મારગડા જ તદ્ન જુદા છે. પ્રભુ! ભાઈ! તારી અંદર જે ત્રિકાળી ધ્રુવ સદા એકરૂપે પડી છે તે સહજાનંદમૂર્તિ પ્રભુ એકલું જ્ઞાન અને આનંદનું દળ છે. અહા! તે સમ્યગ્દર્શનનો વિષય છે. પ્રવચનસારમાં કહ્યું છે કે-જ્ઞેયતત્ત્વની અને જ્ઞાતૃતત્ત્વની તથા પ્રકારે (જેમ છે તેમ, યથાર્થ) પ્રતીતિ જેનું લક્ષણ છે તે સમ્યગ્દર્શન પર્યાય છે. અહા! આવું સમ્યગ્દર્શન જે એણે અનંતકાળમાં પ્રગટ કર્યું નથી અને જે મોક્ષનું સૌ પહેલું પગથિયું છે તે, અહીં કહે છે, ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકદ્રવ્યથી ભિન્ન છે. બાપુ! મારગડા આવા છે તારા!
ભગવાન! પરમાત્મદ્રવ્ય છે તારો આત્મા; પ્રત્યેક આત્મા સ્વરૂપથી આવો છે.