૧૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ તેને, અહીં કહે છે, શરીરની અવસ્થાથી ન જુઓ, એને રાગની અવસ્થાથી ન જુઓ, અરે! એનામાં નિર્મળ અવસ્થા છે તે હું એમ પણ ન જુઓ; અહા! નિર્મળ અવસ્થામાં એક ત્રિકાળી દ્રવ્ય હું છું એમ જુઓ. અહા! આવું ભગવાન! તારું ત્રિકાળી ધ્રુવ જે એક જ્ઞાયકતત્ત્વ એનાથી વર્તમાન નિર્મળ અવસ્થા ભિન્ન છે.
લોકોએ માર્ગ કદી સાંભળ્યો ન હોય એટલે નવો લાગે પણ ભાઈ! આ માર્ગ કાંઈ નવો કાઢયો નથી; આ તો અનંતા જિનેશ્વર ભગવંતોએ આદરેલો ને કહેલો સનાતન માર્ગ છે. અહા! પંચમહાવ્રતાદિનું પાલન એણે અનંતવાર કર્યું, અનંતવાર એ નગ્ન દિગંબર સાધુ થયો, પણ એક સમયની પાછળ (ભિન્નપણે) આખું પરમાત્મતત્ત્વ શું છે એનું જ્ઞાન એણે કદી પ્રગટ કર્યું નથી. એક સમયની પર્યાયમાં બધી રમતુ રમ્યો, પણ અંદર આત્મારામ ચૈતન્યમહાપ્રભુ બિરાજી રહ્યા છે એમાં રમણતા ન કરી. માર્ગ અંદર તદ્ન નિરાળો છે ભાઈ!
દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ બધો શુભરાગ છે તે વિકલ્પ છે અને તે ઉદયભાવ છે, બંધનું કારણ છે. ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક જે ભાવત્રય છે તે એનાથી (ઉદયભાવથી) રહિત છે. એ ત્રણભાવને અહીં શુદ્ધોપયોગ કહેલ છે. તે શુદ્ધોપયોગ કે જેમાં આનંદની દશાનું વેદન છે તે દશાપર્યાય ત્રિકાળી ચીજથી કથંચિત્ ભિન્ન છે. એક સમયની પર્યાય ઉત્પાદ-વ્યયરૂપ ક્ષણિક છે. તે અપેક્ષાએ શુદ્ધોપયોગની દશા ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યથી ભિન્ન છે. આવી વાત! સમજાણું કાંઈ...?
સમયસારના સંવર અધિકારમાં આવ્યું છે કે પુણ્ય-પાપના ભાવ અને વ્યવહારરત્નત્રયનો જેટલો વિકલ્પ છે તે સર્વ રાગ ત્રિકાળી દ્રવ્યથી ભિન્ન છે. અહા! ભાવ તો ભિન્ન છે પણ રાગના પ્રદેશોય ભિન્ન છે એમ ત્યાં કહ્યું છે. અહાહા...! એકલું આનંદનું દળ પ્રભુ આત્મા-એમાંથી વિકાર ઉત્પન્ન થતો નથી. એટલે વિકારનું ક્ષેત્ર ત્રિકાળી દ્રવ્યના ક્ષેત્રથી ભિન્ન છે. અનંત-ગુણધામ પ્રભુ આત્મા ત્રિકાળ શુદ્ધ અસંખ્યપ્રદેશી વસ્તુ છે. તેની પર્યાયમાં જે દયા, દાન આદિ વિકલ્પ ઉઠે છે તે ત્રિકાળી સ્વભાવથી તો ભિન્ન છે, પણ ક્ષેત્રથી પણ તે ભિન્ન છે, બન્નેને ભિન્નભિન્ન વસ્તુ કહી છે. એક વસ્તુની ખરેખર બીજી વસ્તુ નથી એમ ત્યાં કહ્યું છે. પ્રવચનસાર ગાથા ૧૦૨ ની શૈલી પ્રમાણે ‘ચિદ્દવિલાસ’ માં પણ એમ કહ્યું છે કે પર્યાયને કારણે પર્યાય થાય છે, દ્રવ્યગુણને કારણે નહિ.
આ રીતે મોક્ષમાર્ગની જે પર્યાય છે તે પર્યાયનો કર્તા તે પર્યાય, પર્યાયનું કર્મ પર્યાય, પર્યાયનું સાધન પર્યાય, પર્યાયનું સંપ્રદાન, અપાદાન ને અધિકરણ પણ પર્યાય જ છે. પર્યાય એક સમયનું સહજ સત્ છે. આવો વીતરાગનો મારગ શૂરાનો મારગ છે, કાયરોનું, જેઓ મારગ સાંભળીને પણ કંપી ઉઠે એમનું એમાં કામ નથી.