૧૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ પોતે ભગવાન સિદ્ધના સાધર્મી થઈ બેઠા છે. વાહ! મોક્ષમાર્ગને સાધનારા સંતો સિદ્ધના મિત્ર છે, સાધર્મી છે. એમની આ વાણી છે. તેઓ કહે છે-
ભગવાન આત્મા શુદ્ધપારિણામિકભાવલક્ષણ વસ્તુ પૂર્ણ એક ચૈતન્યમય વસ્તુ છે તે ત્રિકાળ ભાવરૂપ છે, ભાવનારૂપ નથી, જ્યારે તેના આશ્રયે જે મોક્ષનો માર્ગ પ્રગટ થયો છે તે ભાવનારૂપ છે, ત્રિકાળભાવરૂપ નથી. ઝીણી વાત પ્રભુ!
અજ્ઞાની મૂઢ જીવો આ બૈરાં-છોકરાં મારાં ને આ બાગ-બંગલા મારા અને હું આ કરું ને તે કરું-એમ પરની વેતરણ કરવામાં ગુંચાઈ ગયા છે, સલવાઈ પડયા છે. તેઓ તો મોક્ષના માર્ગથી બહુ જ દૂર છે. અહીં તો આ કહે છે કે- મોક્ષમાર્ગની પર્યાય વર્તમાન ભાવનારૂપ હોવાથી ત્રિકાળી ધ્રુવ નિજપરમાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે એવો ભેદ અંતરમાં જેમને ભાસિત થયો નથી તેઓ પણ મોક્ષના મારગથી દૂર છે. હવે જ્યાં આ વાત છે ત્યાં વ્યવહારથી નિશ્ચય પ્રગટે એ વાત ક્યાં રહી પ્રભુ!
ત્રિકાળી પારિણામિકને ભાવરૂપ કહીએ; એને પારિણામિક કહીએ, ધ્રુવ કહીએ, નિત્ય કહીએ, સદ્રશ કહીએ, એકરૂપ કહીએ. અને જે આ પર્યાય છે તે અનિત્ય, અધ્રુવ, વિસદ્રશ કહીએ, કેમકે તેમાં પ્રતિસમય ઉત્પાદ-વ્યય થાય છે. મોક્ષનો મારગ છે તે પણ ઉત્પાદ-વ્યયરૂપ છે. એટલે કે વર્તમાન જેનો ઉત્પાદ થાય તેનો બીજે સમયે વ્યય થાય છે, બીજે સમયે ઉત્પાદ થાય તેનો ત્રીજે સમયે વ્યય થાય છે. આ પ્રમાણે ઉત્પાદ-વ્યયરૂપ હોવાથી મોક્ષમાર્ગની પર્યાય શુદ્ધપારિણામિકભાવલક્ષણ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. કેમ? કેમકે તે પર્યાય ભાવનારૂપ છે. સમજાણું કાંઈ...?
બાર ભાવના કહી છે ને? તેમાં પ્રથમ તો વિકલ્પરૂપ ભાવના હોય છે. તેનો વ્યય થઈને પછી નિર્વિકલ્પ થાય છે. આ નિર્મળ નિર્વિકલ્પ પર્યાય જે અંદર પ્રગટ થઈ તે ભાવનારૂપ છે. ભાવ જે ત્રિકાળી એકરૂપ પરમાત્મદ્રવ્ય તેની સન્મુખ થઈને પ્રગટેલી જે દશા છે તે ભાવનારૂપ છે, ત્રિકાળી ભાવરૂપ નથી. ભાઈ! આ તો ભાષા છે, જડ છે. તેનો વાચ્યભાવ શું છે તે યથાર્થ સમજવો જોઈએ.
શુદ્ધ પારિણામિકભાવ ત્રિકાળી સ્વભાવ પરમાનંદમય પ્રભુ છે. તે ભાવનારૂપ નથી, અર્થાત્ તે વર્તમાન પર્યાયરૂપ નથી; તેના આશ્રયે પ્રગટેલી મોક્ષના કારણરૂપ દશા ભાવનારૂપ છે. હવે આવી વાત ન સમજતાં કેટલાક દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટી જાય એમ કહે છે. અરે પ્રભુ! આ તું શું કહે છે ભાઈ! તારી માન્યતાથી મારગનો વિરોધ થાય છે ભાઈ! એ રીતે તને સત્ય નહિ મળે, અસત્ય જ તને મળશે; કેમકે રાગના સર્વ ભાવ અસત્યાર્થ જ છે. આકરી વાત પ્રભુ! પણ જો ને અહીં શું કહે છે? ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ