૧૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ પારિપામી જાય છે? ના; કેમ? કેમકે તે પર્યાય દ્રવ્ય સાથે સર્વથા અભિન્ન નથી, કથંચિત્ ભિન્ન છે. અહીં કહે છે-મોક્ષમાર્ગની ભાવનારૂપ પર્યાય જો ત્રિકાળી પારિણામિકભાવ સાથે એકાંતે એકમેક હોય તો મોક્ષના પ્રસંગમાં મોક્ષમાર્ગની પર્યાયનો વ્યય થતાં ત્રિકાળી દ્રવ્ય પણ નાશ પામી જાય; પણ એમ કદીય બનતું નથી કેમકે ત્રિકાળી દ્રવ્યસ્વભાવ તો શાશ્વત-અવિનાશી તત્ત્વ છે. સમજાય છે કાંઈ..? ભાઈ! આ ન્યાયથી તો વાત છે; ન્યાયથી તો સમજવું જોઈએ ને? વાદવિવાદથી શું પાર પડે?
ભાઈ! કેવળજ્ઞાનની પર્યાય પણ નાશવંત છે. નિયમસાર, શુદ્ધભાવઅધિકારમાં નવે તત્ત્વને નાશવંત કહ્યા છે. જીવની એક સમયની પર્યાય નાશવંત છે, અજીવનું જ્ઞાન કરનારી પર્યાય નાશવંત છે. આસ્રવ, બંધ, પુણ્ય ને પાપ, સંવર, નિર્જરા ને મોક્ષ-એ બધાં તત્ત્વોને ત્યાં નાશવંત કહ્યાં છે. ગજબ વાત કરી છે ભાઈ! શરીર નાશવંત, પૈસા નાશવંત, રાગાદિ નાશવંત, સંવર-નિર્જરા અર્થાત્ મોક્ષમાર્ગની પર્યાય નાશવંત અને કેવળજ્ઞાનની પર્યાય પણ નાશવંત છે; કેમકે પ્રત્યેક પર્યાયની મુદ્ત જ એક સમયની છે. કેવળજ્ઞાનની પર્યાય પણ બીજા સમયે બીજી થાય છે; જાત એ, પણ બીજા સમયે બીજી થાય છે. કેવળજ્ઞાનની પર્યાય બીજા સમયે રહી ન શકે, કેમકે તે એક સમયની મુદ્તવાળી ક્ષણવિનાશી ચીજ છે; જ્યારે અહો! ભગવાન અંદર નિત્યાનંદ પ્રભુ નિજપરમાત્મદ્રવ્ય શુદ્ધ પારિણામિકભાવરૂપ વસ્તુ અવિનાશી શાશ્વત ચીજ છે. આમ બે વચ્ચે કથંચિત્ ભિન્નતા છે. અનાદિ-અનંત આવી જ વસ્તુની સ્થિતિ છે.
તો પંચાસ્તિકાયમાં, પર્યાયરહિત દ્રવ્ય નહિ ને દ્રવ્યરહિત પર્યાય નહિ-એમ કહ્યું છે ને? હા, ત્યાં તો પરથી ભિન્ન દ્રવ્યનું અસ્તિકાયસ્વરૂપ સિદ્ધ કરવું છે તેથી એમ વાત કરી છે કે પર્યાયરહિત દ્રવ્ય નહિ ને દ્રવ્યરહિત પર્યાય નહિ. આખું દ્રવ્યનું (દ્રવ્ય-પર્યાયરૂપ) અસ્તિત્વ સિદ્ધ કરવું છે ને? પણ અહીં તો અનાદિકાલીન પર્યાયમૂઢ જીવને ભેદજ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. તેથી પર્યાયદ્રષ્ટિ છોડાવવા અર્થે કહ્યું કે પર્યાયને ત્રિકાળી દ્રવ્યથી કથંચિત્ ભિન્નતા છે; જો બન્ને સર્વથા એકમેક હોય તો પર્યાયનો નાશ થતાં દ્રવ્યનો પણ નાશ થઈ જાય. પણ એમ છે નહિ. માટે ત્રિકાળી ભાવથી તે ભાવનારૂપ પર્યાય કથંચિત્ ભિન્ન છે.
ભાઈ! આ તો અંદરની વાતુ છે બાપા! જો તારે સત્ શોધવું હોય તો તે સત્ શાશ્વત અંદરમાં છે; એને શોધનારી પર્યાય પણ એ સત્થી કથંચિત્ ભિન્ન છે, અર્થાત્ પર્યાયમાં જેને અહંભાવ છે તેને તે હાથ ન લાગે એવી ચીજ છે. ભાઈ! તારે શેમાં અહંપણું કરવું છે? કોને અધિકપણે માનવું છે? હું પર્યાયથી અધિક-ભિન્ન છું એમ માનતાં અંદર દ્રવ્ય અંદર જે અધિક છે તેનો અનુભવ થાય છે.