સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૪પ ઝીણી વાત છે પ્રભુ! (એમ કે ઉપયોગને ઝીણો કર તો સમજાય એવો પ્રભુ તું છે).
ભાઈ! આત્મા ત્રિકાળી શુદ્ધ વસ્તુ જે છે તે પરિણમતી નથી. સમયસાર ગાથા ૨૮૦ ના ભાવાર્થમાં આવ્યું છે કે-“આત્મા જ્ઞાની થયો ત્યારે વસ્તુનો એવો સ્વભાવ જાણ્યો કે-આત્મા પોતે તો શુદ્ધ જ છે- ‘દ્રવ્યદ્રષ્ટિએ અપરિણમનસ્વરૂપ છે. પર્યાયદ્રષ્ટિએ પરદ્રવ્યના નિમિત્તથી રાગાદિરૂપે પરિણમે છે;’ માટે હવે જ્ઞાની પોતે તે ભાવોનો કર્તા થતો નથી. ઉદયો આવે તેમનો જ્ઞાતા જ છે.” અહા! સમ્યગ્દ્રષ્ટિ એને કહીએ કે જે વ્યવહારરત્નત્રયના રાગનો કર્તા કે ભોક્તા થતો નથી કેમકે પર્યાયે તે જ્ઞાનભાવે પરિણમી રહ્યો છે ને દ્રવ્ય જે છે તે તો અપરિણમનસ્વરૂપ છે. આવી આ પરમાત્માના ઘરની વાતુ છે ભાઈ!
અહાહા....! અંદર વસ્તુ જે ચિદ્ઘન ધ્રુવ છે તે પરિણમન વિનાની સદા એકરૂપ છે; તેમાં પરિણમન જ નથી. અને બદલતી ચીજ જે (વિકારી કે નિર્વિકારી) પર્યાય છે તે એક સમયનું સત્ છે. આ રાગાદિ વિકારના જે પરિણામ થાય છે તે પણ જડ કર્મની અપેક્ષા વિના સ્વતંત્રપણે પ્રગટતા પોતાના ષટ્કારકરૂપ પરિણામ છે.
ત્યારે કેટલાક કહે છે-કર્મથી શું વિકાર ન થાય? કર્મથી વિકાર ન થાય તો તે સ્વભાવ થઈ જશે.
અરે ભાઈ! કર્મ તો બિચારાં જડ અજીવ છે, પરદ્રવ્ય છે; એ તો સ્વદ્રવ્યને અડતાંય નથી. જ્યાં આમ છે ત્યાં પરદ્રવ્યથી-કર્મથી સ્વદ્રવ્યની વિકારી પર્યાય કેમ થાય? ન થાય. (કર્મથી વિકાર થયો એમ કહેવું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવતું નિમિત્તપ્રધાન કથન છે).
મિથ્યાત્વાદિ ભાવ જે થાય છે તેને જીવ સ્વતંત્રપણે પોતાની પર્યાયમાં ઉત્પન્ન કરે છે. ત્રિકાળી જીવદ્રવ્ય એનું કારણ નહિ, તેમ પરદ્રવ્ય-કર્મ પણ એનું કારણ નહિ. એ મિથ્યાત્વભાવનો કર્તા મિથ્યાત્વ પર્યાય છે. મિથ્યાત્વની પર્યાય તે કર્તા, મિથ્યાત્વની પર્યાય તે કર્મ, મિથ્યાત્વની પર્યાય પોતે સાધન, મિથ્યાત્વના પરિણામ પોતે સંપ્રદાન, મિથ્યાત્વમાંથી મિથ્યાત્વ થયું તે અપાદાન અને મિથ્યાત્વના આધારે મિથ્યાત્વ થયું તે અધિકરણ; આ પ્રમાણે મિથ્યાત્વની વિકારી પર્યાય કર્તા-કર્મ આદિ પોતાના ષટ્કારકથી સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે; એને નિમિત્તની કે કર્મના કારકોની કોઈ અપેક્ષા નથી.
જુઓ, વિકારની પર્યાયને જીવ કરે એવો એનો સ્વભાવ નથી, કેમકે જીવમાં એવી કોઈ શક્તિ નથી જે વિકારને કરે. શું કીધું? આત્મામાં જ્ઞાન, દર્શન, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રભુત્વ આદિ અનંત અનંત શક્તિઓ ભરી છે; પણ એમાં એવી કોઈ શક્તિ નથી જે વિકારને ઉત્પન્ન કરે. શક્તિઓ તો બધી નિર્મળ જ નિર્મળ છે.
તો પર્યાયમાં વિકાર તો થાય છે?