૧૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ ધર્મીને રાગ હો ભલે, પણ એ તો ભિન્ન ઉદયભાવરૂપ છે, એ કાંઈ ઉપશમાદિ ભાવમાં સમાતો નથી. અંશે શુદ્ધતા અને અંશે રાગ બન્ને એક સાથે હોવા છતાં બન્ને ભિન્ન ભિન્ન છે. ત્યાં ઉપશમાદિ નિર્મળભાવો છે તે મોક્ષનું કારણ છે અને જે કોઈ રાગાંશ છે તે બંધનું જ કારણ છે, તે મોક્ષનું કારણ જરાય નથી. આ પ્રમાણે મોક્ષનું કારણ જે ઉપશમાદિ નિર્મળ ભાવો છે તે તો સમસ્ત રાગરહિત જ છે. સમજાણું કાંઈ...?
શુદ્ધદ્રવ્ય ત્રિકાળ ભાવરૂપ, અને તેને અવલંબીને પ્રગટ થયેલી પરિણતિ તે ભાવના-એ બન્ને શુદ્ધ છે, પવિત્ર છે. જેમ ત્રિકાળી ધ્રુવ આત્મદ્રવ્યમાં રાગ નથી તેમ તેમાં ઝુકેલી પરિણતિમાં પણ રાગ નથી. અહા! શુદ્ધાત્માની આવી ભાવના કે જેમાં શુદ્ધ ચૈતન્યભાવનું ભવન થયું હોય તે પરમ અમૃતસ્વરૂપ છે. ચોથા ગુણસ્થાનથી આવી ભાવનાપરિણતિ શરૂ થાય છે. ઉપશમાદિ ત્રણ ભાવો ચોથા ગુણસ્થાને પણ હોય છે. સમ્યક્ત્વ પ્રગટવાના કાળે, તેમજ ત્યારપછી પણ કોઈવાર ચોથા ગુણસ્થાને શુદ્ધોપયોગ હોય છે. તે સિવાયના કાળમાં પણ જેટલી શુદ્ધ પરિણતિ થઈ છે તેનું નામ ‘ભાવના’ છે, ને તે મોક્ષનું સાધન છે.
જો કોઈ એમ કહે કે ચોથે ગુણસ્થાને શુદ્ધોપયોગ હોય નહિ તો તેને સમકિત શું ચીજ છે, ભગવાનનો મારગ શું છે-એની ખબર જ નથી. ભાઈ! શુદ્ધોપયોગ વિના તને ભગવાનનો માર્ગ હાથ નહિ આવે. અંર્તશુદ્ધતા વિના એકલા રાગથી તું મોક્ષમાર્ગ માની લે પણ તે વીતરાગનો માર્ગ નથી. ચોથે ગુણસ્થાને ઉપશમ સમ્યગ્દર્શન શુદ્ધોપયોગપૂર્વક જ થાય છે એ સિદ્ધાંત છે. શુભરાગ વડે સમ્યગ્દર્શન થાય એમ કદીય બનતું નથી. શુદ્ધાત્મભાવના શુદ્ધદ્રવ્યને અવલંબનારી છે, રાગને કદીય નહિ. રાગમાં એ તાકાત નથી કે તે શુદ્ધદ્રવ્યને-સ્વદ્રવ્યને ભાવી શકે. રાગની મંદતા વડે અંતઃપ્રવેશ શક્ય જ નથી તો તે વડે સમ્યગ્દર્શનાદિ કેમ થાય? ન થાય. ભાઈ! વીતરાગનો મારગ તો આવો રાગરહિત જ છે.
ભગવાન આત્મા જિનસ્વરૂપ પ્રભુ છે. આવે છે ને કે-
યહી વચનસે સમજ લે, જિનપ્રવચનકા મર્મ.
આ આત્મા સદા જિનસ્વરૂપ-વીતરાગસ્વરૂપ-પરમાત્મસ્વરૂપ જ છે. જો પોતે વીતરાગસ્વરૂપ ન હોય તો વીતરાગતા આવશે ક્યાંથી? ભગવાન અર્હંતદેવને વીતરાગતા ને કેવળજ્ઞાન પ્રગટ થયાં તે આવ્યાં ક્યાંથી? શું તે બહારથી આવ્યાં છે? ના; અંદર શક્તિમાં વીતરાગતા કે કેવળજ્ઞાન ભર્યાં છે તે પ્રગટ થયાં છે. કેવી રીતે? શુદ્ધાત્મભાવનાની પૂર્ણતા વડે. અહા! તે શુદ્ધાત્મભાવના જે મોક્ષમાર્ગરૂપ છે તે, કહે છે, સમસ્ત રાગાદિથી રહિત છે, રાગનો-વિકલ્પનો અંશ પણ એમાં સમાતો નથી.