Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3168 of 4199

 

સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૪૯

જુઓ, આ સંસ્કૃત ટીકા છે. નવસો વર્ષ પહેલાં શ્રી જયસેનાચાર્યદેવે આ ટીકા રચી છે. એમાં આવી ચોકખી વાત કરી છે કે શુદ્ધાત્મભાવના કે જે ત્રણભાવરૂપ છે તે સમસ્ત રાગાદિરહિત હોવાને લીધે શુદ્ધ ઉપાદાનકારણભૂત હોવાથી મોક્ષનું કારણ છે. ભાઈ! ચોથા ગુણસ્થાનમાં પણ જે નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ પ્રગટ થયા તે રાગાદિરહિત પરિણામ છે. આ તો ભગવાન જિનચંદ્ર-જિનેશ્વરનાથ સર્વજ્ઞ પરમાત્માના ઘરની વાત છે. બાપુ! શ્રી સીમંધર પરમાત્મા મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકરપદે બિરાજે છે; તેમની દિવ્યધ્વનિમાં આવેલી સાર-સાર આ વાત છે. અહો! દિગંબર સંતોએ આમાં તો કેવળજ્ઞાનનો કક્કો ઘુંટાવ્યો છે.

કહે છે- આ ભાવના જે ત્રણભાવરૂપ છે તે સમસ્ત રાગાદિરહિત હોવાના કારણે શુદ્ધ-ઉપાદાનકારણભૂત હોવાથી મોક્ષનું કારણ છે. અહીં પર્યાયરૂપ શુદ્ધઉપાદાનની વાત છે. ત્રિકાળી શુદ્ધઉપાદાન કે જે શુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે તે તો પહેલાં આવી ગઈ છે. અહીં પર્યાયના શુદ્ધઉપાદાનની વાત છે.

ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક-એ ત્રણે વીતરાગી નિર્મળ પર્યાયો છે. તે વીતરાગી પર્યાય સમસ્ત રાગાદિથી રહિત શુદ્ધઉપાદાનકારણભૂત છે અને તેથી મોક્ષનું કારણ છે. અહા! નિર્મળ પર્યાય પોતે જ શુદ્ધઉપાદાનકારણભૂત છે. શું કીધું? એ પર્યાય પોતે જ પોતાનું ઉપાદાનકારણ છે; અર્થાત્ પર્યાય પોતે જ પોતાનું કારણ અને પોતે જ પોતાનું કાર્ય છે. અહો! આ તો કોઈ અલૌકિક શૈલીથી વાત છે. આવી વાત ભગવાન કેવળીના માર્ગ સિવાય બીજે ક્યાંય નથી.

સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ પર્યાયનો વિષય ત્રિકાળી, દ્રવ્ય છે. વર્તમાન ભાવનારૂપ જે નિર્મળ પર્યાય તે શુદ્ધ ત્રિકાળીને અવલંબે છે. ધર્મની દશા ને મોક્ષની દશા શુદ્ધપારિણામિકભાવસ્વરૂપ ત્રિકાળીને અવલંબે છે, તે રાગને અવલંબતી નથી, તેમ વર્તમાન પર્યાયને પણ અવલંબતી નથી. (નિર્મળ) પર્યાયનો વિષય પર્યાય નથી. સમ્યગ્દર્શનની પર્યાય ત્રિકાળીને અવલંબતી થકી પોતાના ષટ્કારકથી સ્વતંત્રપણે પ્રગટ થાય છે. આ તો એકલું અમૃત છે ભાઈ! અહો! આચાર્યદેવે આ પંચમકાળમાં અમૃત રેડયાં છે; ‘અમૃત વરસ્યાં રે પંચમકાળમાં.’

જુઓ, નિયમસારમાં આચાર્યદેવે એમ કહ્યું છે કે-ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ જે નિર્મળ વીતરાગી ધર્મની પર્યાય છે તેને અમે પરદ્રવ્ય કહીએ છીએ. અહા! તે પરભાવ છે, પરદ્રવ્ય છે અને તેથી હેય છે એમ ત્યાં કહ્યું છે. શું કીધું? વ્યવહારરત્નત્રયનો રાગ તો હેય છે જ, પણ શુદ્ધ આત્મદ્રવ્યની દ્રષ્ટિ થતાં જેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે તે મોક્ષમાર્ગની નિર્મળ પર્યાય પણ ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિએ પરભાવ છે, પરદ્રવ્ય છે અને તેથી હેય છે એમ કહે છે.