૧પ૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ એટલે શું? કે તે પર્યાય પણ અવલંબનયોગ્ય નથી. અહાહા....! નિર્મળ પર્યાયને તે પર્યાયનું અવલંબન નથી. જેમ રાગ આશ્રયયોગ્ય નથી તેમ નિર્મળ પર્યાય પણ આશ્રયયોગ્ય નથી.
અરે ભાઈ! તું દુઃખી-દુઃખી થઈને ચાર ગતિમાં રઝળી મર્યો છે. ચારે ગતિમાં તને જે મિથ્યાત્વના ભાવ રહ્યા તે સંસાર છે, બીજી ચીજ-બૈરાં-છોકરાં, કુટુંબ-કબીલા વગેરે કાંઈ સંસાર નથી. રાગ સાથે એકત્વબુદ્ધિરૂપ મિથ્યાત્વનો ભાવ તે જ સંસાર છે. બાપુ! તું બૈરાં-છોકરાં છોડે ને દુકાન વગેરે છોડે એટલે સંસાર છોડયો એમ માને છે પણ એ મિથ્યા-જૂઠું છે. મિથ્યાત્વને છોડયા વિના સંસાર કદીય છૂટે નહિ. એમ તો અનંતકાળમાં તું અનંતવાર નગ્ન દિગંબર મુનિ થયો, પણ એથી શું? છહઢાલામાં આવે છે ને?
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેસ ન પાયો.
હવે આવી વાત આકરી લાગે છે એટલે વિરોધ કરે છે. પણ ભાઈ! ત્રણકાળમાં કદીય ફરે નહિ એવી આ પરમ સત્ય વાત છે. વિરોધ કરો તો કરો; પણ તારા એવા પરિણામથી તને બહુ નુકશાન થશે.
વ્યવહાર છે તે મોક્ષનો માર્ગ છે જ નહિ, વાસ્તવમાં તે બંધનું જ કારણ છે, મોક્ષમાર્ગ બે નથી. એનું નિરૂપણ બે પ્રકારે છે. નિશ્ચય મોક્ષનો મારગ તો સમસ્ત રાગાદિથી રહિત છે તે શુદ્ધ ઉપાદાનકારણભૂત છે. રાગ છે તે મોક્ષમાર્ગ પણ નહિ અને તેનું કારણ પણ નહિ. આવી વાત છે.
સમાધિતંત્ર શ્લોક ૯૧ ના વિશેષ અર્થમાં લખ્યું છે કે-નિમિત્ત હોવા છતાં, નિમિત્તથી નિરપેક્ષ ઉપાદાનનું પરિણમન હોય છે. જયધવલ-પૃ. ૧૧૭, પુસ્તક સાતમું એમાં કહ્યું છે કે-
વસ્તુનું પરિણામ બાહ્ય કારણથી નિરપેક્ષ હોય છે. આ વાત સમજવા દ્રષ્ટાંત આપીએ છીએઃ
જુઓ, દશમા ગુણસ્થાને લોભપરિણામ એક છે, છતાં કર્મોની સ્થિતિમાં ફેર પડે છે. નિમિત્તપણે લોભનું એક જ કારણ હોવા છતાં કોઈ કર્મની સ્થિતિ આઠ ર્મુહૂર્તની અને કોઈ કર્મની સ્થિતિ અંતર્મુહૂર્તની પડે છે. આનું કારણ શું? એ તો નીચેના ગુણસ્થાનોમાં પણ આમ છે; આ તો લોભના છેલ્લા પરિણામની વાત કરીએ છીએ. લોભના એક જ પરિણામ નિમિત્તકારણ હોવા છતાં કર્મના સ્થિતિબંધમાં ફેર પડે છે.