૧પ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ છે, બંધનું કારણ છે. હવે આવી વાત સાંભળીને ઘણાને ખળભળાટ થઈ જાય છે, પણ ભાઈ! આ ત્રિલોકીનાથ જૈન પરમેશ્વરની વાણીમાં આવેલી પરમ સત્ય વાત છે.
શુભભાવ જ્ઞાનીને આવે છે ખરો; અંદર આત્મજ્ઞાન અને સ્વાનુભવ જેને પ્રગટ થયાં છે તેને ક્રમે આગળ વધતાં વચ્ચે યથાયોગ્ય શુભભાવ આવે છે, પણ એનાથી ધર્મ થાય છે એમ નથી. ધર્મ તો રાગરહિત શુદ્ધઉપાદાનકારણભૂત છે. શુભભાવ છોડીને અંદર આત્માનુભવમાં સ્થિરતા થાય ત્યારે આગળ આગળનું ગુણસ્થાન પ્રગટે છે. જુઓ, છઠ્ઠે ગુણસ્થાને પાંચ મહાવ્રતનો વિકલ્પ છે તે પ્રમાદ છે. તેને છોડીને, અંતરમાં સ્થિર થાય ત્યારે સાતમું ગુણસ્થાન પ્રગટ થાય છે. સાધકને ભૂમિકાયોગ્ય વચમાં વ્યવહાર આવે છે ખરો, પણ તેને તે હેય છે.
નિયમસારમાં તો મોક્ષમાર્ગની પર્યાયને પણ હેય કહી છે, કેમકે તે આશ્રય કરવાયોગ્ય નથી. વસ્તુસ્થિતિ જ આવી છે બાપુ! કોઈની કલ્પનાથી વસ્તુસ્થિતિ ન બદલી જાય. ઓહો! વસ્તુ ચિદાનંદઘન પ્રભુ અંદર ત્રિકાળી સત્ છે તેના લક્ષે, તેના આશ્રયે, તેના અવલંબને જે શુદ્ધાત્મભાવના પ્રગટ થાય તે સર્વથા રાગરહિત છે અને શુદ્ધ ઉપાદાનકારણભૂત છે. આવી વાત સંપ્રદાયબુદ્ધિવાળાને કઠણ પડે પણ શું થાય? હવે તો લાખો લોકો આ વાતને સમજવા લાગ્યા છે.
જેને આ વાત બેસતી નથી તે પ્રરૂપણા કરે છે કે-વ્રત લો, પડિમા ધારણ કરો- એનાથી ધર્મ થઈ જશે. પણ ભાઈ! સમ્યગ્દર્શન વિના પડિમા આવશે ક્યાંથી? હજુ સમકિતની દશા કેવી હોય અને તે કેમ પ્રગટે એનીય જેને ખબર નથી તેને પડિમા કેવી? તેને વ્રત કેવાં? અહીં તો આ એકદમ ચોકખી વાત છે કે મોક્ષમાર્ગની ભાવનારૂપ જે પર્યાય છે તે રાગરહિત શુદ્ધઉપાદાનકારણભૂત છે. અર્થાત્ તે પડિમા આદિની અપેક્ષાથી રહિત છે.
ત્યારે કેટલાક વાંધા ઉઠાવે છે કે- (કાર્ય) ઉપાદાનથી પણ થાય અને નિમિત્તથી પણ થાય.
ભાઈ! તારી આ વાત યથાર્થ નથી. બે કારણથી કાર્ય થાય છે એમ શાસ્ત્રમાં આવે છે, પણ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે ઉપચારથી બીજી ચીજને કારણ કહી છે, પણ તે સત્યાર્થ કારણ છે એમ છે નહિ; સત્યાર્થ કારણ તો એક ઉપાદાનકારણ જ છે. આ પ્રમાણે મોક્ષનો માર્ગ અને તેનું કારણ એક જ પ્રકારે છે.
ચિદ્દવિલાસમાં પં. શ્રી દીપચંદજીએ બહુ સરસ વાત કરી છે. તેઓ કહે છે- પર્યાયનું કારણ તે પર્યાય જ છે. ગુણ વિના જ (ગુણની અપેક્ષા વિના જ) પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે; પર્યાયનું સૂક્ષ્મત્વ પર્યાયનું કારણ છે, પર્યાયનું વીર્ય પર્યાયનું કારણ છે, પર્યાયનું પ્રદેશત્વ પર્યાયનું કારણ છે. જેટલામાં પર્યાય ઉઠે તે પ્રદેશ પર્યાયનું કારણ છે, ધ્રુવના પ્રદેશ નહિ. આવી વાત છે! સમજાય છે કાંઈ....?