સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧પપ કારણ છે, પરંતુ ત્રિકાળી શુદ્ધદ્રવ્ય છે તે મોક્ષનું કારણ નથી. અહાહા...! ભગવાન આત્મા જેને કારણજીવ, કારણપરમાત્મા કહીએ તે ચિદાનંદઘન પ્રભુ, અહીં કહે છે, મોક્ષનું કારણ નથી. ભાઈ! જ્યાં જે પદ્ધત્તિથી વાત હોય તે યથાર્થ સમજવી જોઈએ. જો ત્રિકાળીભાવરૂપ કારણપરમાત્મા મોક્ષનું કારણ હોય તો મોક્ષરૂપ કાર્ય સદાય હોવું જોઈએ, કેમકે દ્રવ્ય તો સદાય વિદ્યમાન છે. પરંતુ મોક્ષકાર્ય તો નવું પ્રગટે છે. માટે તેનું કારણ ત્રિકાળી શુદ્ધદ્રવ્ય નથી પણ પર્યાય છે. અહાહા...! કારણપરમાત્મદ્રવ્ય સદાય શુદ્ધ છે; એનું ભાન કરીને પર્યાય જ્યારે એની ભાવનારૂપ પરિણમી, એમાં એકાકાર થઈ પરિણમી ત્યારે તે શુદ્ધ થઈને મોક્ષનું કારણ થઈ. આ પ્રમાણે મોક્ષનું કારણ-કાર્ય પર્યાય છે, શુદ્ધ દ્રવ્ય નહિ.
જુઓ, એક ફેરા એક પ્રશ્ન થયેલો કે-તમો કારણપરમાત્મા અનાદિથી વિદ્યમાન છે એમ કહો છો તો તેનું કાર્ય કેમ નથી આવતું? એમ કે કારણ કહો છો તો એનું કારણ આવવું જોઈએ ને?
સમાધાનઃ– ત્યારે કહ્યું, -ભાઈ! કારણપરમાત્મા તો ત્રિકાળ સત્ છે. પણ તેં એનું અસ્તિત્વ ક્યાં માન્યું છે? એનો સ્વીકાર કર્યા વિના પર્યાયમાં એનું કાર્ય ક્યાંથી આવે? પર્યાય જ્યારે સ્વાભિમુખપણે વર્તે છે ત્યારે એનું કાર્ય આવે જ છે. કાર્ય તો પર્યાયમાં આવે ને? પણ સ્વાભિમુખ થાય ત્યારે. આવી વાત છે. આ પ્રમાણે સ્વાભિમુખ પર્યાય મોક્ષનું કારણ થાય છે, ત્રિકાળી શુદ્ધદ્રવ્ય નહિ; કેમકે દ્રવ્ય તો અક્રિય અપરિણામી છે. સમજાય છે કાંઈ...?
આ પ્રમાણે મોક્ષનું કારણ દર્શાવીને શક્તિરૂપ ને વ્યક્તિરૂપ મોક્ષની ચર્ચા કરે છે; કહે છે-
‘જે શક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધપારિણામિક છે, પ્રથમથી જ વિદ્યમાન છે. આ તો વ્યક્તિરૂપ મોક્ષનો વિચાર ચાલે છે.’
અહાહા...! ભગવાન આત્મા શુદ્ધ શક્તિરૂપ ત્રિકાળ મોક્ષસ્વરૂપ અબંધસ્વરૂપ છે. સમયસાર ગાથા ૧૪-૧પ માં આત્માને ‘અબદ્ધસ્પૃષ્ટ’ કહ્યો છે. અબદ્ધ કહો કે મુક્ત કહો- એક જ વાત છે. ભાઈ! ત્રિકાળી દ્રવ્યસ્વભાવ સદા મુક્તસ્વરૂપ જ છે. ગજબ વાત છે ભાઈ! કહે છે-શક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધપારિણામિક છે. અહા! ભગવાન આત્મા તો શક્તિએ-સ્વભાવથી ત્રિકાળ મોક્ષસ્વરૂપ પ્રથમથી જ વિદ્યમાન છે. જોયું? એનો મોક્ષ કરવો છે એમ નહિ, ત્રિકાળ મોક્ષસ્વરૂપ જ છે, પ્રથમથી જ મોક્ષસ્વરૂપ છે.
૧પ મી ગાથામાં કહ્યું છે કે-જે કોઈ આત્માને અબદ્ધ-સ્પૃષ્ટ દેખે છે તે સકલ જિનશાસનને દેખે છે. જુઓ આ જૈનધર્મ! ભગવાન આત્મા રાગ અને કર્મના