૧પ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ સંબંધથી રહિત અબદ્ધસ્પૃષ્ટ છે. અહા! આવા શુદ્ધ ચિદાનંદ ભગવાનને જેણે અંતર્મુખ થઈ અનુભવ્યો તે, કહે છે, સર્વ જિનશાસનને દેખે છે -કે જે બાહ્ય દ્રવ્યશ્રુત તેમજ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું છે. અહા! જે પુરુષે નિજ શુદ્ધોપયોગમાં આત્માનુભવ કરીને મોક્ષમાર્ગ પ્રગટ કર્યો એણે સકળ જિનશાસન જોયું. આવું જિનશાસન એક વીતરાગભાવરૂપ છે.
અહા! શ્રી જયસેનાચાર્યદેવ વીતરાગી સંત મુનિવર કહે છે-મોક્ષના બે પ્રકારઃ એક શક્તિરૂપ મોક્ષ, બીજો વ્યક્તિરૂપ મોક્ષ. ત્યાં પર્યાયમાં પરિણમન થઈને આત્માનો પૂર્ણ લાભ વ્યક્તરૂપે પ્રાપ્ત થવો તે વ્યક્તિરૂપ મોક્ષ છે. અને વસ્તુ જે શુદ્ધપારિણામિકસ્વભાવે છે તે શક્તિરૂપ મોક્ષ ત્રિકાળ છે. ત્રિકાળ પરમસ્વભાવભાવરૂપ જે શુદ્ધ શક્તિરૂપ મોક્ષ છે તેમાં મોક્ષ કરવો છે એમ નથી. એ તો પ્રથમથી જ મોક્ષસ્વરૂપ છે. અને તેનો આશ્રય કરીને પર્યાય જે પરિપૂર્ણસ્વભાવે પ્રગટ થાય તે વ્યક્તિરૂપ મોક્ષ છે. આવું બહુ ઝીણું ભાઈ! અજાણ્યા માણસને તો ગ્રીક-લેટિન જેવું લાગે. ભાઈ! ફુરસદ લઈને આનો પરિચય કરવો જોઈએ; આ તો વીતરાગનો મારગ છે બાપા!
અહીં કહે છે-શક્તિરૂપ મોક્ષ શુદ્ધપારિણામિક ત્રિકાળ છે, તે પ્રથમથી જ વિદ્યમાન છે; આ તો વ્યક્તિરૂપ મોક્ષનો વિચાર ચાલે છે. અહા! અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય-એમ અનંતચતુષ્ટય પ્રગટ થયાં તે વ્યક્તરૂપ મોક્ષ છે અને તે મોક્ષમાર્ગની પર્યાયથી પ્રાપ્ત થાય છે. એ મોક્ષ દ્રવ્યથી પ્રાપ્ત ન થાય એમ અહીં કહેવું છે. દુનિયાને આ ગોઠે નહિ એવી વાત છે, પણ ભાઈ રે! પર્યાયમાં જે મોક્ષ થાય છે એ મોક્ષમાર્ગના કારણથી થાય છે, પર પદાર્થ એનું કારણ નથી, તેમ ત્રિકાળી દ્રવ્ય પણ એનું કારણ નથી. વાસ્તવમાં તો તે-તે પર્યાયનું શુદ્ધ ઉપાદાન જ તે પર્યાયનું (-મોક્ષનું) કારણ છે. સમજાય છે કાંઈ...?
મોક્ષમાર્ગની પર્યાયને અહીં મોક્ષનું કારણ કહ્યું છે એ પણ અપેક્ષાથી વાત છે; મોક્ષમાર્ગની જે પર્યાય છે તે વ્યય થઈને મોક્ષની પર્યાય પ્રગટ થાય છે, પણ એમ નથી કે જોર કરીને તે મોક્ષની પર્યાયને ઉત્પન્ન કરી દે છે વા કરાવી દે છે. આવી વાત છે.
આત્માનો ત્રિકાળી ધ્રુવસ્વભાવ અને એના આશ્રયે પ્રગટ થતો મોક્ષમાર્ગ સમજાવીને અહો! આચાર્ય ભગવાને અંતરનો ખજાનો ખોલી દીધો છે. હે ભાઈ! તારો ચૈતન્યખજાનો અંદર મોક્ષસ્વભાવથી ભરપૂર છે. એમાં અંદર ઉતરીને એમાંથી જોઈએ એટલું કાઢઃ સમ્યગ્દર્શન કાઢ, સમ્યગ્જ્ઞાન કાઢ, સમ્યક્ચારિત્ર કાઢ, કેવળજ્ઞાન કાઢ અને મોક્ષ કાઢ. અહા! સદાકાળ એમાંથી પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ લીધા જ કર;