Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3177 of 4199

 

૧પ૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ ધ્રુવ અંર્ત-વસ્તુ અક્રિય છે. એને અક્રિય કહો કે નિષ્ક્રિય કહો-એક જ વાત છે.

દ્રવ્ય ત્રિકાળી ધ્રુવ સદા નિષ્ક્રિય તત્ત્વ છે. તથાપિ એમાં દ્રષ્ટિ કરતાં, એનો આશ્રય કરી પરિણમતાં શુદ્ધ અરાગી-વીતરાગી પરિણમન થાય છે, તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહીએ. તે મોક્ષનો માર્ગ છે. અહા! આવો મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર. આ ધર્મીનો વ્યવહાર ને ધર્મીની ક્રિયા છે. ધર્માત્મા નિર્મળ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગને સાધે છે, એ કાંઈ વ્યવહારરત્નત્રયને (-રાગને) સાધતા નથી. માર્ગ તો આ છે ભાઈ!

અરે! આ જીવ ૮૪ લાખ યોનિમાં દુઃખી દુઃખી થઈને રઝળ્‌યો છે. અહા! એવો કોઈ શુભભાવ થઈ જાય તો પુણ્યોદય વશ તે બહાર ત્રસમાં આવે છે. આમ તો ત્યાં (એકેન્દ્રિયમાં) જીવને ક્ષણમાં શુભ ને ક્ષણમાં અશુભ-એવા ભાવ નિરંતર થયા કરે છે, પણ મનુષ્યગતિમાં આવે એવા એ શુભભાવ હોતા નથી. મનુષ્યપણામાં આવે એવા શુભભાવ કોઈકવાર જીવને થાય છે. ભાઈ! પુણ્યોદયવશ તને મનુષ્યપણું મળ્‌યું એ અવસર છે. જો આ અવસરમાં નિજ અંતઃતત્ત્વ મોક્ષસ્વરૂપ આત્મવસ્તુમાં જાય તો સમકિત થાય, સમ્યગ્જ્ઞાન થાય, સમ્યક્ચારિત્ર થાય-મોક્ષમાર્ગ થાય. પણ અંદર ન જાય તો? તો અવસર ચાલ્યો જાય અને બહાર આવેલા બીજા જીવ જેમ એકેન્દ્રિયમાં ચાલ્યા જાય છે તેમ તું પણ સરવાળે એકેન્દ્રિયમાં ચાલ્યો જાય. છહઢાલામાં આવે છે ને કે-

જો વિમાનવાસી હૂ થાય, સમ્યગ્દર્શન બિન દુઃખ પાય;
તહતૈં ચય થાવર તન ધરૈ, યોં પરિવર્તન પૂરે કરૈ.

બહારમાં તો લોકો બાહ્ય વ્યવહારની-રાગની (જડ) ક્રિયાઓમાં ધર્મ માને-મનાવે છે. એક ટંક ખાવું કે ઉપવાસ કરવો તે તપસ્યા, અને તે તપસ્યા તે મુક્તિનું કારણ-આવું બધું સંપ્રદાયમાં હાલે છે. અરે ભગવાન! આ તું શું કરે છે? આખો માર્ગ વીંખી નાખ્યો પ્રભુ! અહીં તો આ દિગંબર સંતો પોકાર કરીને કહે છે કે-ત્રિકાળી સહજાનંદસ્વરૂપ અક્રિય આત્મવસ્તુ તે નિશ્ચય અને તેના અવલંબને નિર્મળ પરિણમન મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર. અહાહા... અક્રિય શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય અને તેના આશ્રયે મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર છે. આવો માર્ગ! ભાઈ! આ જેમ વસ્તુ છે તેમ સમજવી પડશે હોં. બાકી બહારના ઝવેરાત આદિના ધંધા કાંઈ કામ આવે એમ નથી. ઉલટું એની એકત્વબુદ્ધિએ પરિણમતાં એ કાગડે-કૂતરે-કંથવે... ક્યાંય સંસાર-સમુદ્રમાં ગોથાં ખાતો ડૂબી મરશે.

ત્યારે કેટલાક લોકો દલીલ કરે છે કે-તમે કોઈ સાથે વાતચીત (વાદ) કરતા નથી; તો તકરાર (-વિવાદ) ઊભી રાખવી છે શું?