સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧પ૯
અરે ભાઈ! તું શું કહે છે આ? બાપુ! આ અધ્યાત્મની વાત વાદ કર્યે સમજાય એવી નથી. આ તો અંતર-પરિણમનમાં સમજાય એવી ચીજ છે. જુઓને, સમયસાર ગાથા-૧૧ ના ભાવાર્થમાં પં. શ્રી જયચંદજીએ કેવી ખુલાસાભરી સરસ વાત કરી છે! કે-
૧. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે,
૨. અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે,
૩. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ (સહાયક) જાણી
૪. પણ એનું ફળ સંસાર જ છે.
લ્યો, હવે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય-એમ વ્યવહારનો પક્ષ તો જીવોને અનાદિથી જ છે. એકબીજાને ઉપદેશ પણ એવો જ કરે છે કે વ્રત, તપ, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિ કરો... એનાથી પરંપરા મોક્ષ થશે; વળી શાસ્ત્રોમાં પણ શુદ્ધનયને હસ્તાવલંબ’ જાણી વ્યવહારનો ઉપદેશ ઘણો કર્યો છે. પણ ભાઈ! એનું ફળ સંસાર જ છે. આવી વાત!
વળી ત્યાં કહ્યું છે કે-
૧. શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી,
૨. અને એનો ઉપદેશ પણ વિરલ છે-ક્યાંક ક્યાંક છે,
૩. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ
“શુદ્ધનય ભૂતાર્થ છે. સત્યાર્થ છે; એનો આશ્રય કરવાથી સમ્યગ્દ્રષ્ટિ થઈ શકાય છે; એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માનાં જ્ઞાન- શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ થઈ શકતું નથી.” જુઓ, ગૃહસ્થાશ્રમમાં રહીને આવો ભાવાર્થ પંડિત શ્રી જયચંદજીએ લખ્યો છે!
અહીં જયસેનાચાર્યદેવ કહે છે- ‘સિદ્ધાંતમાં એમ કહ્યું છે કે શુદ્ધપારિણામિક (ભાવ) નિષ્ક્રિયછે. નિષ્ક્રિયનો શો અર્થ છે?’ તો કહે છે-
‘(શુદ્ધપારિણામિકભાવ) બંધના કારણભૂત જે ક્રિયા-રાગાદિ-પરિણતિ, તે-રૂપ નથી અને મોક્ષના કારણભૂત જે ક્રિયા-શુદ્ધભાવના-પરિણતિ, તે-રૂપ પણ નથી. માટે એમ જાણવામાં આવે છે કે શુદ્ધ-પારિણામિકભાવ ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી.’