Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3180 of 4199

 

સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૬૧ કર્તૃત્વ-ભોક્તૃત્વથી તથા બંધ-મોક્ષના કારણ ને પરિણામથી શૂન્ય છે” બંધ અને બંધનું કારણ, મોક્ષ અને મોક્ષનું કારણ-એ ચારેય ચીજ ત્રિકાળી શુદ્ધદ્રવ્યમાં નથી.

દયા, દાન, વ્રત, તપના પરિણામ તે બંધના કારણરૂપ ક્રિયા છે, તે આત્મદ્રવ્યમાં નથી; અને શુદ્ધભાવના પરિણતિ જે નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ છે તે મોક્ષના કારણરૂપ ક્રિયા છે, તે પણ આત્મદ્રવ્યમાં નથી. માટે કહે છે, એમ જાણવામાં આવે છે કે શુદ્ધપારિણામિકભાવ ધ્યેયરૂપ છે. ધ્યાનરૂપ નથી.

આ શું કીધું? કે શુદ્ધપારિણામિકભાવરૂપ ત્રિકાળી શુદ્ધદ્રવ્ય નિત્યાનંદ-ચિદાનંદ પ્રભુ તે ધ્યાનનું ધ્યેય છે, ધ્યાન નથી. અહાહા...! જેમાં નિરાકુળ આનંદનો સ્વાદ આવે એવા નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થવામાં ત્રિકાળી શુદ્ધ ચિન્માત્ર વસ્તુ એના ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી, કેમકે ત્રિકાળી વસ્તુ છે તે અક્રિય છે. હવે ધ્યેય શું ને ધ્યાન શું? - એની ખબરેય ન મળે ને મંડી પડે ધ્યાન ધરવા આસન લગાવીને; ધૂળમાંય ધ્યાન નથી સાંભળને, એ તો બધી મિથ્યા રાગની ક્રિયા છે.

અહીં કહે છે- શુદ્ધપારિણામિકભાવરૂપ ચિન્મૂર્તિ પ્રભુ આત્મા ધ્યાનનું ધ્યેય છે, તે ધ્યાનરૂપ નથી. પર્યાયને કથંચિત્ દ્રવ્યથી ભિન્ન કહેલ ને? તે વાત અહીં સિદ્ધ કરી છે.

અહાહા...! વસ્તુ ત્રિકાળી છે તે શુદ્ધચૈતન્યનો મહા દરિયો છે. ‘શુદ્ધચેતના સિંધુ હમારો રૂપ હૈ-એમ આવે છે ને? અહાહા...! અનંત... અનંત...અનંત ગુણનું એકરૂપ દળ પ્રભુ આત્મા છે. તે, કહે છે, ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. સમ્યગ્દર્શનની પર્યાય ધ્યાનરૂપ છે, અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એનું ધ્યેય છે, આત્માનું સ્વસંવેદનજ્ઞાન તે ધ્યાનરૂપ છે અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એનું ધ્યેય છે, આત્મરમણતા ધ્યાનરૂપ છે, અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તેનું ધ્યેય છે. ધ્યાન તો ધ્યેયમાં એકાગ્ર થયેલી પર્યાય છે, ને ધ્યેય ત્રિકાળ ધ્રુવસ્વભાવ છે. ધ્યાનની પર્યાય ધ્યેયને ધ્યાવે છે તોપણ ધ્યેય છે તે ધ્યાનરૂપ નથી. અહો! આ અલૌકિક વાત છે.

ભગવાન! નિજ ધ્યેયને ભૂલીને પોતાની નજરને તેં રાગમાં રોકી રાખી છે, તેથી ધ્યેયરૂપ નિજ જ્ઞાનાનંદનો દરિયો તને દેખાતો નથી. અરે! નજરને વર્તમાન પર્યાયની રુચિમાં રોકી દીધી છે તેથી અનંતગુણનિધિ શુદ્ધચેતનાસિંધુ એવો ભગવાન આત્મા તને ભાસતો નથી. અરે ભાઈ! ધ્યાનરૂપ પર્યાય રાગ વગરના નિર્મળભાવ રૂપ છે અને એનું ધ્યેય પરમસ્વભાવભાવરૂપ ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય છે. માટે રુચિ પલટી નાખ ને ધ્રુવસ્વભાવમાં ઉપયોગને સ્થિર કરીને તેને ધ્યાવ. અહા! ઉપયોગને ધ્યેયમાં એકાગ્ર કરીને ધ્યાવતાં જે ધ્યાન પ્રગટ થશે તેમાં અતીન્દ્રિય આનંદની ધારા ઉલસશે.