૧૬૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
પર તરફ વળેલી જ્ઞાનની પર્યાયમાં પણ ખરેખર તો જ્ઞાયક જ જણાઈ રહ્યો છે. આ વાત આચાર્યદેવે ગાથા ૧૭-૧૮ માં કરી છે. જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશક પણાનો સ્વભાવ છે. તેથી વર્તમાન જ્ઞાન-પર્યાયમાં જે આ વસ્તુ ત્રિકાળ પરમ પારિણામિકભાવે સ્થિત છે તે જાણવામાં આવે છે. અજ્ઞાનીને પણ તે ત્રિકાળી દ્રવ્ય જ્ઞાનમાં જણાય છે, પણ એની નજર એના ઉપર નથી. દ્રષ્ટિનો ફેર છે બાપા! ધ્રુવની દ્રષ્ટિ કરવાને બદલે તે પોતાની નજર પર્યાય ઉપર, રાગ ઉપર, નિમિત્ત ઉપર ને બહારના પદાર્થ ઉપર રાખે છે અને તેથી તેને અંદરનું ચૈતન્યનિધાન જોવા મળતું નથી.
અરે! આ પૈસા-બૈસામાં ક્યાંય ધૂળેય સુખ નથી. એ તો બાપા! બધા ધૂળના ઢગલા છે; અને એનું ધ્યાન કરી પરિણમતાં એકલા દુઃખના ઢગલા છે. ભાઈ! પંચ મહાવ્રતના પરિણામનો વિકલ્પ ઉઠે એય રાગ છે, દુઃખ છે, બંધનું કારણ છે. ભાઈ! તું એને ભ્રમથી સંવર માની સેવે છે, પણ આચાર્યદેવે એને ‘તત્ત્વાર્થસૂત્ર’ માં આસ્રવમાં ગણ્યા છે. ભાઈ! આસ્રવથી મને લાભ થાય એવી તારી દ્રષ્ટિ તને સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન થવામાં બાધક છે.
અહીં કહે છે- ‘શુદ્ધપારિણામિકભાવ ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. શા માટે? કારણ કે ધ્યાન વિનશ્વર છે. (અને શુદ્ધપારિણામિકભાવ તો અવિનાશી છે)’
જોયું? આ ધ્યાન છે તે પર્યાય છે, તે ઔપશમિકાદિભાવરૂપ છે અને તે પલટી જાય છે તેથી તે પર્યાય ધ્યેયરૂપ નથી. ધ્યેયરૂપ તો એક શુદ્ધપારિણામિકભાવ છે કેમકે તે અવિનશ્વર છે, નિત્ય છે, શાશ્વત છે, ધ્રુવ એકરૂપ છે; તે ધ્યાનરૂપ કેમ હોય? ભાઈ! આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ જે મોક્ષમાર્ગની પર્યાય છે તે નાશવંત છે, કારણ કે મોક્ષદશા પ્રગટ થતાં મોક્ષમાર્ગની પર્યાયનો નાશ થઈ જાય છે, વ્યય થઈ જાય છે; માટે તે ધ્યેયરૂપ નથી. અને ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય નિત્ય અવિનાશી હોવાથી ધ્યેયરૂપ છે, પણ ધ્યાનરૂપ નથી. લ્યો, આવી વાત! ભાષા તો સાદી છે, પણ ભાવ તો છે તે જે છે. કોઈ કહે છે કે-સહેલું કરો. પણ શું સહેલું કરો? સહેલું જ આ છે. તું વ્રત, તપ, ઉપવાસ આદિના વિકલ્પને સહેલું માને છે પણ બાપુ! એ તો માર્ગ જ નથી; એ તો બધી રાગની મંદતાની ક્રિયાઓ છે અને એ તો રખડવાનો માર્ગ છે. સમજાણું કાંઈ....?
ધ્યાનપર્યાય વિનશ્વર છે. શુક્લધ્યાનની પર્યાય પણ વિનશ્વર છે. માટે તે ધ્યેય રૂપ નથી. , ધ્યેયથી ભિન્ન છે. શ્રી યોગીન્દ્રદેવે કહ્યું છે કે-