૧૬૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
આકાશના પ્રદેશ અનંત છે, એનાથી અનંતગુણા એક જીવના ગુણ છે. સમ્યગ્દર્શન થતાં તે દરેક ગુણનું અંશે પ્રગટ પરિણમન થાય છે. તેને અહીં એકદેશ શુદ્ધનયાશ્રિત ભાવના કહેલ છે. અહીં પ્રગટ પરિણતિને શુદ્ધનય કહેલ છે. ગાથા ૧૪માં પણ આવે છે કે-શુદ્ધનય કહો, અનુભૂતિ કહો કે આત્મા કહો-તે એક જ છે. ત્રિકાળી પરમાત્મસ્વરૂપ ભગવાન આત્માને ધ્યેય બનાવી પરિણમતાં પ્રગટેલી નિર્મળ દશા તે એકદેશ શુદ્ધનયાશ્રિત ભાવના છે. દ્રવ્યસંગ્રહમાં મોક્ષમાર્ગની પ્રગટ પર્યાયનાં ૬૩ નામ આવે છે. અહીં તેનાં બે નામ આપી કહ્યું છે કે-તે અધ્યાત્મભાષાથી ‘શુદ્ધાત્માભિમુખ પરિણામ’ , ‘શુદ્ધોપયોગ’ ઇત્યાદિ પર્યાયસંજ્ઞા પામે છે. દ્રવ્યસંગ્રહમાં આ ભાવનાના ૬૩ બોલ ઉતાર્યા છે. તે આ રીતે છે-
તે ભાવના પરબ્રહ્મસ્વરૂપ છે, તે પરમવિષ્ણુસ્વરૂપ છે, તે પરમશિવરૂપ છે, તે પરમબુદ્ધસ્વરૂપ છે, તે પરમજિનસ્વરૂપ છે, તે પરમનિજઆત્મોપલબ્ધિરૂપ સિદ્ધસ્વરૂપ છે, તે નિરંજનસ્વરૂપ છે, તે નિર્મલસ્વરૂપ છે, તે સ્વસંવેદનજ્ઞાન છે, તે પરમતત્ત્વજ્ઞાન છે, તે પરમાવસ્થારૂપ પરમાત્માનું સ્પર્શન છે, તે પરમાવસ્થારૂપ છે, તે પરમાત્મજ્ઞાન છે, તે જ ધ્યાન કરવાયોગ્ય શુદ્ધપારિણામિકભાવરૂપ છે, તે ધ્યાનભાવનારૂપ છે, તે જ શુદ્ધ ચારિત્ર છે, તે જ અંતરંગતત્ત્વ છે, તે જ પરમાત્મતત્ત્વ છે, તે જ શુદ્ધાત્મદ્રવ્ય છે, તે જ પરમજ્યોતિ છે, ઇત્યાદિ બીજા બોલ પણ છે. અહીં કહે છે-મોક્ષમાર્ગની તે પર્યાય એકદેશ વ્યક્ત પર્યાય છે. કહેવા ધારેલી આ આંશિક શુદ્ધિરૂપ પરિણતિ નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ ક્ષાયોપશમિકજ્ઞાનરૂપ હોવાથી એકદેશ વ્યક્તિરૂપ છે.