સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૬૭
જે એક સમયની પર્યાય વિનાનો ત્રિકાળી દ્રવ્યસ્વભાવ-ધ્રુવભાવ તેને અહીં નિશ્ચયથી જીવી કહ્યો છે. તે જીવ (શુદ્ધજીવ) સિદ્ધની પર્યાયપણે ઉપજતો નથી, તેમ પૂર્વની જે મનુષ્યગતિનો વ્યય થયો તેમાં પણ તે આવ્યો નથી. અહા! આવો જે ઉપજતો નથી, મરતો પણ નથી તે શુદ્ધપારિણામિકભાવરૂપ શુદ્ધ જીવ સમ્યગ્દર્શનનો વિષય છે. આ વાત અહીં સિદ્ધ કરવી છે. તો ભાષા એમ લીધી છે કે-શુદ્ધ પારિણામિકભાવ ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. શા માટે? કારણ કે ધ્યાન વિનશ્વર છે અને શુદ્ધપારિણામિકભાવ અવિનશ્વર છે. અહા! તે કેમ જણાય? તો કહે છે-સમ્યગ્દર્શન પ્રગટ થતાં સહજ વીતરાગી આનંદની અનુભૂતિલક્ષણવાળું જે સ્વસંવેદનજ્ઞાન છે તેનાથી એ પ્રાપ્ત થાય છે. સમજાય છે કાંઈ...? ધ્રુવથી ધ્રુવ ન જણાય, કેમકે ધ્રુવમાં જાણવું (-ક્રિયા) નથી; નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ જ્ઞાનમાં તે જણાય છે.
ત્રિકાળસ્વરૂપ છે તે તો ધ્રુવભાવરૂપ છે. તે ધ્રુવભાવરૂપ વસ્તુ પર્યાયમાં પ્રાપ્ત થાય છે. કેવી છે તે પર્યાય? તો કહે છે- એકદેશ પ્રગટ શુદ્ધનયની ભાવનારૂપ છે. અહા! આવી ભાષા અને આવા ભાવ! એણે કોઈ દિ સાંભળ્યા પણ ન હોય! એકદેશશુદ્ધનયાશ્રિત આ ભાવના છે તે અતીન્દ્રિય આનંદની અનુભૂતિ જેનું લક્ષણ છે એવા નિર્વિકાર સ્વસંવેદનજ્ઞાનરૂપ છે. આ નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ જે જ્ઞાન છે તે ક્ષાયોપશમિક ભાવ છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે મોક્ષનો માર્ગ છે તે ત્રણ ભાવરૂપ છેઃ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક. એ ત્રણ ભાવમાંથી સ્વસંવેદનલક્ષણ જે જ્ઞાન છે તે ક્ષયોપશમભાવરૂપ છે. શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ ક્ષયોપશમજ્ઞાનમાં થાય છે. મોક્ષમાર્ગની પર્યાયને ત્રણભાવે કહેલ છે. પણ આ જ્ઞાન છે એ તો ક્ષયોપશમભાવે છે, તે ઉપશમ કે ક્ષાયિકભાવે નથી. આ તો વીતરાગના પેટની વાતો બાપ!
કહે છે- આ ભાવના નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ ક્ષાયોપશમિકજ્ઞાનરૂપ હોવાથી એકદેશ વ્યક્તિરૂપ છે. જુઓ, ત્રણ ભાવમાં આ નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ જ્ઞાન છે તે ક્ષયોપશમ ભાવ છે. સમ્યગ્દર્શન થતાં જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાન ક્ષયોપશમભાવરૂપ છે. ભલે સમ્યગ્દર્શન ઉપશમ હો, ક્ષયોપશમ હો કે ક્ષાયિક હો, તેના કાળમાં જે જ્ઞાન છે એ તો ક્ષાયોપશમિક જ્ઞાન છે. વળી કેવું છે તે જ્ઞાન? નિર્વિકાર આનંદનો સ્વાદ જેમાં અનુભવાય છે તેવું સ્વસંવેદનલક્ષણ તે જ્ઞાન છે. અહા! તે જ્ઞાન સ્વ-સ્વરૂપને જાણવા-અનુભવવામાં પ્રવૃત્ત છે. ઝીણી વાત ભાઈ!
આ ભાવના સંબંધીનું વર્ણન બંધ અધિકાર તથા સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં છેલ્લે શ્રી જયસેનાચાર્યદેવની ટીકામાં આવે છે. તથા પરમાત્મપ્રકાશમાં પણ આવે છે. ત્રણ જગાએ આ વાત કરી છે. એ વાત અહીં કરી છે. મિથ્યાત્વ, અજ્ઞાન અને રાગદ્વેષનો જે બંધ છે તે બંધના વિનાશ માટે આ વિશેષ ભાવના છે. અહા! હું