૧૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ તો એક ત્રિકાળી ધ્રુવ પરમસ્વભાવભાવમય શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપી પરમાત્મદ્રવ્ય જ છું, દયા-દાન આદિના વિકલ્પેય હું નહિ, ગુણભેદના વિકલ્પેય હું નહિ, અને એક સમયની પર્યાય પણ હું નહિ-એક ધ્રુવમાં એકપણે રહીને આ ભાવના ધ્રુવનો નિર્ણય કરે છે. લ્યો, આનું નામ જૈનદર્શન છે અને એ મહા અદ્ભુત અલૌકિક ચીજ છે.
અહા! દ્રવ્યસ્વભાવના આશ્રયે અતીન્દ્રિય આનંદનો જેને રસાસ્વાદ આવ્યો છે એવો ધર્મી જીવ એમ ભાવે છે કે-હું તો સહજ શુદ્ધ સચ્ચિદાનંદમય પરમાનંદમય પરમાત્મા જ છું; અને જગતના સર્વ જીવોનું અંતરંગમાં આવું જ સ્વરૂપ છે.
‘પરમાત્મપ્રકાશ’ માં અંતિમ કથનમાં આચાર્યદેવે કહ્યું છેઃ આ પરમાત્મ પ્રકાશ- વૃત્તિનું વ્યાખ્યાન જાણીને ભવ્યજનોએ શું કરવું? ભવ્યજનોએ આવો વિચાર કરવો જોઈએ કે “શુદ્ધનિશ્ચયનયથી હું એક (કેવલ) ત્રણલોકમાં ત્રણકાલમાં મન-વચન-કાયાથી અને કૃત-કારિત-અનુમોદનાથી ઉદાસીન છું, નિજ નિરંજન શુદ્ધ આત્માનાં સમ્યક્-શ્રદ્ધાન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ અનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપસુખાનુભૂતિમાત્રલક્ષણવાળા સ્વસંવેદનજ્ઞાનથી સ્વસંવેદ્ય -ગમ્ય-પ્રાપ્ય એવો પરિપૂર્ણ હું છું; રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, પાંચ ઈન્દ્રિયોનો વિષયવ્યાપાર, મન-વચન-કાયાના-વ્યાપાર, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, ખ્યાતિ, પૂજા, લાભ, દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભોગોની આકાંક્ષારૂપ નિદાન, માયા, મિથ્યાત્વ એ ત્રણે શલ્ય આદિ સર્વ વિભાવ-પરિણામોથી રહિત-શૂન્ય હું છું. સર્વ જીવો પણ આવા જ છે-એવી નિરંતર ભાવના કરવી. જુઓ આ ધર્મીની ભાવના, એકરસ-સમરસભાવના!
સંવત ૧૯૬૪ માં એકવાર પાલેજથી વડોદરા માલ લેવા ગયેલા. ત્યારે ૧૮ વર્ષની ઉંમર. ત્યાં રાતે નાટક જોવા ગયેલા. એ વખતનાં નાટક પણ વૈરાગ્યસૂચક હતાં; અત્યારે તો નાટક-સીનેમામાં નૈતિક જીવનનો ખાત્મો બોલાવી દીધો છે. ‘અનસૂયા’ નું નાટક, ને સાથે નાટકની ચોપડી પણ લીધેલી. એ નાટકમાં એવું દ્રશ્ય આવે કે-તે બાઈ (અનસૂયા) સ્વર્ગમાં જતી હતી ત્યાં દેવે તેને રોકી પાડી ને કહ્યું- ‘અપુત્રસ્ય ગતિર્નાસ્તિ’ પુત્ર ન હોય તેને સ્વર્ગગતિ ન મળે. આ તો અન્યમતની વાત છે હોં. તે બાઈને કહેવામાં આવ્યું -હેઠે જા અને જે મળે એને વર. તે બાઈ નીચે આવીને એક અંધ બ્રાહ્મણને વરી. તેને એક બાળક થયું. બાળકને પારણામાં ઝુલાવતાં તે બાઈ બોલી. બેટા! शुद्धोऽसि, बुद्धोऽसि, निर्विकल्पोऽसि, उदासिनोऽसि. એમ કે જગતથી તારી ચીજ શુદ્ધ, બુદ્ધ, નિર્વિકલ્પ ભિન્ન છે. લ્યો, આ તો નાટકમાં આવું આવતું. આ શુદ્ધભાવનાનો અધિકાર વાંચતાં વર્ષો પહેલાં નાટક જોયેલું એનો ભાવ યાદ આવી ગયો.