Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3193 of 4199

 

૧૭૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ પરમાત્મદ્રવ્ય હું છું-એમ ધર્માત્મા ધ્યાવે છે. આ સર્વજ્ઞ પરમાત્મા (અરિહંતાદિ) તે હું એમ નહિ, આ તો ધ્યાતા પોતાના જ ત્રિકાળી આત્માને ‘હું પરમાત્મદ્રવ્ય છું’ -એમ ભાવે છે, અનુભવે છે, ધ્યાવે છે. જે સર્વજ્ઞ પરમાત્મા પ્રગટપણે છે તે તો પરદ્રવ્ય છે. એને ધ્યાતાં તો રાગ થશે બાપુ!

તો ભગવાનને તરણ-તારણ કહેવામાં આવે છે ને? હા, ભગવાનને વ્યવહારથી તરણ-તારણ કહેવામાં આવે છે. ભગવાનનું નિમિત્ત બનતાં તરનારો પોતે પોતાના સ્વરૂપના અનુભવમાં રહીને તરે છે તો ભગવાનને વ્યવહારથી તરણ-તારણ કહેવામાં આવે છે. બાકી ધ્યાતા પોતાના આત્માને અંતર્મુખપણે ધ્યાવે એ જ મોક્ષના કારણરૂપ ધ્યાન છે. સમજાય છે કાંઈ.....? કોઈ એકાંતે પર ભગવાનનું ધ્યાન ધરીને મોક્ષમાર્ગ થવાનું માને એ તો બહુ ફેર થઈ ગયો ભાઈ! ધ્યાતાના ધ્યાનનું એવું સ્વરૂપ નથી.

ભાઈ! આ તો અનંતા તીર્થંકરોએ ઇન્દ્રો, મુનિવરો ને ગણધરોની સમક્ષ ધર્મસભામાં જે ફરમાવ્યું છે તે અહીં દિગંબર સંતો જગત સમક્ષ જાહેર કરે છે. કહે છે- ભગવાનનો આ સંદેશ છે; શું? કે પોતે આત્મા ચિદાનંદઘન પ્રભુ સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધપારિણામિકપરમભાવલક્ષણ પરમાત્મદ્રવ્ય છે. અહા! આવું જે નિજપરમાત્મદ્રવ્ય તે હું છું-એમ ધ્યાતા પુરુષ ધ્યાવે છે, ભાવે છે; અને આ જ મોક્ષના કારણરૂપ ધ્યાન છે. જેમાં પોતાનો ત્રિકાળી શુદ્ધ આત્મા જ ધ્યેયરૂપ છે તે પરમાર્થધ્યાન છે અને તે જ મોક્ષના કારણરૂપ છે.

જોયું? નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું, પણ સંવેદનની પર્યાય જે છે તે હું છું એમ નહિ. સમ્યગ્દર્શન-જ્ઞાનની પ્રગટ પર્યાય જે છે તેમાં નિરાકુલ આનંદનું વેદન સાથે જ છે. પણ તે પર્યાય એમ ભાવે છે કે-આ ત્રિકાળી શુદ્ધ નિજપરમાત્મદ્રવ્ય છે તે હું છું. આ ઉઘડેલી પર્યાય તે હું નહિ. સૂક્ષ્મ વાત ભાઈ! પણ આનો સ્વીકાર કર્યા વિના જન્મ- મરણના અંત નહિ આવે.

અહાહા....! ધર્મી એમ ભાવે છે કે અખંડ એક નિજપરમાત્મદ્રવ્ય તે હું છું, પણ એમ ભાવતો નથી કે ભાવશ્રુતજ્ઞાન તે હું છું. આનંદના અનુભવ સહિત જે શ્રુતજ્ઞાન પ્રગટ થયું તે એક સમયની પર્યાય છે, માટે ધર્મી પુરુષ એનું ધ્યાન કરતો નથી. પર્યાય ખંડરૂપ વિનશ્વર છે ને? માટે ધર્માત્મા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયનું પણ ધ્યાન કરતો નથી. અહા! ધ્યાનની કરનારી પર્યાય છે, પણ તે પર્યાયનું -ભેદનું ધ્યાન કરતી નથી; એ તો અખંડ અભેદ એક નિજ પરમાત્મદ્રવ્યને જ ધ્યાવે છે. ધર્માત્માની ધ્યાનની દશા એક ધ્રુવને જ ધ્યાવે છે, ભેદની સામે એ જોતી જ નથી.