Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3198 of 4199

 

સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૭૯ તે અત્યંત ભિન્ન છે, અને તેથી તે (-આંખ) તેને કરવા અને વેદવા અસમર્થ છે. જુઓ, આ સિદ્ધાંત કહ્યોઃ- કે દ્રશ્ય પદાર્થથી આંખ ભિન્ન ને આંખથી દ્રશ્ય પદાર્થ ભિન્ન-એમ પરસ્પર ભિન્નતા છે, ત્યાં આંખ ભિન્ન વસ્તુને કરે ને વેદે કેમ? અહા! પોતામાં અભિન્ન હોય તેને કરે અને વેદે, પણ ભિન્નને-પરને કરે ને વેદે એ કેમ બને? જેને આંખ અડેય નહિ તેને તે કરે ને ભોગવે એ કેવી રીતે બને? ભાઈ! આંખ જગતની ચીજને દેખે, પણ તે જગતની દ્રશ્ય ચીજને કરેય નહિ ને વેદેય નહિ. અહાહા...! (આ તે) ગાથા છે કાંઈ!

હવે કહે છે- ‘જો એમ ન હોય તો અગ્નિને દેખવાથી, સંધુક્ષણની માફક, પોતાને (નેત્રને) અગ્નિનું કરવાપણું (સળગાવવાપણું), અને લોખંડના ગોળાની માફક પોતાને (નેત્રને) અગ્નિનો અનુભવ દુર્નિવાર થાય....’

‘જો એમ ન હોય તો.....’ જોયું? ભિન્નપણાને લીધે આંખ દ્રશ્ય પદાર્થને કરે અને વેદે તો નહિ, પણ જો કરે ને વેદે તો.... , તો અગ્નિને દેખવાથી, સંધુક્ષણ નામ અગ્નિ ચેતાવનાર-સળગાવનારની માફક નેત્રને અગ્નિને કરવાપણું-સળગાવવાપણું આવી પડે. સંધુકણ જેમ અગ્નિને સળગાવે છે તેમ આંખને, પરથી ભિન્ન છે છતાં જો તેને કરે ને વેદે તો, પરને સળગાવવાપણું આવે; આંખ જ્યાં પડે ત્યાં તે પદાર્થ સળગવા લાગે એમ એને સળગાવવાપણું આવે. ન્યાય સમજાય છે કે નહિ?

વળી ‘લોખંડના ગોળાની માફક પોતાને (આંખને) અગ્નિનો અનુભવ દુર્નિવાર થાય.’ આંખ જો પરને કરે ને વેદે તો લોઢાનો ગોળો જેમ અગ્નિમાં ઉષ્ણ થઈ જાય છે તેમ, અગ્નિને દેખવામાત્રથી આંખ અગ્નિમય થઈ જાય, બળી જાય. અહાહા...! આંખને જો ભિન્ન ચીજને અનુભવવાનો-વેદવાનો ભાવ આવી જાય તો ભિન્ન અગ્નિને દેખવામાત્રથી આંખ અગ્નિમય થઈ જાય, તેને અગ્નિનો અનુભવ દુર્નિવાર થઈ જાય, લોખંડના ગોળાની જેમ.

જુઓ, બે વાત કરી. એક તો-જો આંખ પરને-ભિન્ન વસ્તુને કરે તો સંધુકણ જેમ અગ્નિને કરે છે તેમ આંખની જ્યાં નજર પડે ત્યાં પદાર્થમાં અગ્નિ પ્રગટી જાય. આંખ જો પરને કરે તો જેમ સંધુકણ વડે અગ્નિ પ્રગટે છે તેમ આંખ વડે અગ્નિ સળગવી જોઈએ.

બીજું-જો આંખ પરને વેદે તો અગ્નિને જોવામાત્રથી જ, આંખને અગ્નિની ઉષ્ણતાનો અનુભવ થવો જોઈએ પણ એમ છે નહિ, અર્થાત્ આંખ છે તે અગ્નિને દેખે તો છે, પણ કાંઈ અગ્નિનો અનુભવ કરતી નથી. જો એમાં એકાકાર થાય તો અનુભવ થાય ને! પણ એ તો ભિન્ન ચીજ છે. અહા! આંખ અને જે અગ્નિ છે એ તો ભિન્ન ભિન્ન ચીજ છે. તેથી ભિન્નને આંખ કરે પણ નહિ ને ભિન્નને આંખ વેદે પણ નહિ.