૧૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
લ્યો, કહે છે- એમ તો થતું નથી. અર્થાત્ આંખથી કાંઈ સળગે પણ નહિ, ને આંખ અગ્નિને વેદે પણ નહિ. દેખવાયોગ્ય પદાર્થને આંખ દેખે; દેખે એટલો તો સંબંધ છે પણ તેને કરે ને ભોગવે એવો સંબંધ સર્વથા નથી. માટે દ્રશ્ય પદાર્થને નેત્ર કરતુંય નથી. વેદતુંય નથી. એ જ કહે છે-
‘પરંતુ કેવળ દર્શનમાત્રસ્વભાવવાળું હોવાથી તે સર્વને કેવળ દેખે જ છે.’ જોયું? આંખનો તો કેવળ દેખવામાત્રસ્વભાવ છે અને તેથી તે સર્વને કેવળ દેખે જ છે, કોઈને કરે કે વેદે છે એમ નહિ. જો કરે ને વેદે તો દેખવામાત્રથી તે દ્રશ્ય પદાર્થમાં અગ્નિને કરે અને પોતે જ અગ્નિને વેદે, પણ અગ્નિને આંખ કરતી નથી, તેમ અગ્નિ દેખતાં આંખ બળતીય નથી; માટે આંખ સર્વને દેખે જ છે; કોઈને કરતી નથી, વેદતી પણ નથી. આ દ્રષ્ટાંત કહ્યું. હવે તે સિદ્ધાંતમાં ઉતારે છે. -
‘તેવી રીતે જ્ઞાન પણ, પોતે (નેત્રની માફક) દેખનાર હોવાથી,.......’ જોયું? જ્ઞાન નામ જ્ઞાનસ્વભાવી આત્મા, નેત્રની જેમ, દેખનાર છે; તે પરને દેખે છે એવો વ્યવહાર સંબંધ છે. આંખ જેમ પરને-દ્રશ્યને દેખે તેમ ભગવાન આત્મા પરને દેખે ખરો, પણ દેખવા ઉપરાંત પરનું કરવું ને વેદવું એનામાં છે નહિ.
અહાહા.....! નેત્રની જેમ, જ્ઞાન અર્થાત્ ભગવાન આત્મા પરને દેખે છે એમ તો છે; જો કે પરને દેખે છે એમ કહેવું એ વ્યવહાર છે, પણ એટલો વ્યવહારસંબંધ અહીં લીધો છે. તો કોઈ વળી પૂછે છે-
જેમ પરને દેખે છે એવો વ્યવહાર છે તો પરને કરે એવો વ્યવહાર પણ હોવો જોઈએ ને? તો કહે છે-ના, એમ નથી. આંખ પરને દેખે છે તેથી કાંઈ આંખ પરને- અગ્નિ વગેરેને કરે છે કે વેદે છે એમ નથી. તેમ ભગવાન આત્માને બીજા સાથે દેખવાનો સંબંધ તો છે, આટલો તો વ્યવહારસંબંધ છે, પણ બીજાને કરે કે વેદે એમ છે નહિ, સમજાણું કાંઈ...?
જુઓ, આ અંદર એ જ કહ્યું છેઃ ‘તેવી રીતે જ્ઞાન પણ, પોતે (નેત્રની માફક) દેખનાર હોવાથી, કર્મથી અત્યંત ભિન્નપણાને લીધે નિશ્ચયથી તેને કરવા-વેદવાને અસમર્થ હોવાથી, કર્મને કરતું નથી અને વેદતું નથી.’
અહાહા...! ભગવાન આત્મા કર્મથી અત્યંત ભિન્ન છે; એકલો ભિન્ન એમેય નહિ, અત્યંત ભિન્ન છે. જેમ આંખ દ્રશ્ય પદાર્થથી ભિન્ન છે તેમ શુદ્ધ ચિદાનંદમય વસ્તુ ચૈતન્યરત્નાકર પ્રભુ કર્મથી અત્યંત ભિન્ન છે, પરપદાર્થથી અત્યંત ભિન્ન છે. અત્યંત ભિન્નપણાને લીધે, જેમ આંખ દ્રશ્ય પદાર્થને દેખે ખરી, પણ કરે કે વેદે