સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૮૧ નહિ, તેમ ભગવાન આત્મા પરપદાર્થને દેખે-જાણે ખરો, પણ પરને કરતો કે ભોગવતો નથી, ભોગવી શકતો નથી.
કોઈને થાય કે દેખવા-જાણવાની પોતાની ક્રિયા કરે તો પછી ભેગું પરનું પણ કરે કે નહિ?
સમાધાનઃ– પોતાના પરિણામને ભલે કરે ને ભોગવે, એય અહીં નિર્મળ પરિણામને કરવા-ભોગવવાની વાત છે, મલિનની વાત નથી. આત્મા પરને દેખે-જાણે એટલા સંબંધમાત્રથી પરનું કરે ને પરને વેદે એ ક્યાંથી આવ્યું? અહા! પરને દેખવું એવો તો એનો સંબંધ છે, પણ એટલા સંબંધમાત્રથી તે પરનું શું કરે? કાંઈ ન કરે. શું તે હાથ- પગને હલાવે? આંખને હલાવે કે બોલે? કાંઈ ન કરે. જે ચીજ છે એને દેખે છે, પણ દેખવા છતાં તે પરનું કાંઈ કરી દે એમ નથી. અહાહા....! આત્મા દેખનાર હોવા છતાં, અત્યંત ભિન્નપણાને લીધે તે કર્મને કરતો નથી. રાગાદિને કરતો નથી.
અહાહા...! ‘જ્ઞાન’ કહ્યું ખરું ને! જ્ઞાન એટલે જ્ઞાનસ્વભાવી આત્મા. અહા! એને પરને દેખવા-જાણવાનો સંબંધ તો કહ્યો (વ્યવહારથી હોં), પણ નિશ્ચયથી, તેને દેખવા ઉપરાંત પરવસ્તુને કરવા-વેદવાની અસમર્થતા છે. કર્મને કરે ને કર્મને વેદે એવી એને અસમર્થતા છે. અહાહા....! જ્ઞાનસ્વરૂપી પ્રભુ, કર્મનો ઉદય થાય એને જાણે, પણ કર્મના ઉદયને તે કરે કે વેદે એની એને અસમર્થતા છે, તેથી જ્ઞાન અર્થાત્ આત્મા કર્મને કરતો કે વેદતો નથી. હવે આવી વાત! બિચારો ધંધા આડે નવરો થાય તો એને સમજાય ને?
અહાહા...! આ બધી આખો દિ’ વેપાર-ધંધાની ધમાલ ચાલે છે ને? પોતે દુકાનના થડે બેઠો હોય ને માલ આવે ને જાય, પૈસા આવે ને જાય; અહીં કહે છે, આત્માને એ બધા સાથે દેખવામાત્ર સંબંધ છે, અર્થાત્ આત્મા-જીવ એને જાણે ખરો, પણ જાણવા ઉપરાંત એ બધાને કરે ને વેદે એવો એનો સ્વભાવ નથી. આંખ જેમ અગ્નિ વગેરે દ્રશ્ય પદાર્થને કાંઈ કરતી નથી, તેમ ભગવાન આત્મા કર્મ કે કર્મથી પ્રાપ્ત ચીજો-એ કોઈને કરતો કે ભોગવતો નથી.
‘પરંતુ કેવળ જ્ઞાનમાત્ર સ્વભાવવાળું (જાણવાના સ્વભાવવાળું) હોવાથી કર્મના બંધને તથા મોક્ષને, કર્મના ઉદયને તથા નિર્જરાને કેવળ જાણે જ છે.’
અહાહા....! જોયું? આત્માનો કેવળ જ્ઞાનમાત્ર સ્વભાવ છે, જાણવામાત્ર સ્વભાવ છે. એટલે શું? કે રાગાદિ કરવાનો આત્માનો સ્વભાવ નથી, પર વસ્તુ તો ક્યાંય દૂર રહી. આત્માનો રાગ કરવો એ સ્વભાવ નથી. કેવળ જ્ઞાનસ્વભાવપણું કહ્યું ને?