ગાથા ૧૭-૧૮] [ ૩૯
આચાર્ય કહે છે કે- ‘अनंत चैतन्यचिह्नं’ અનંત (અવિનશ્વર) ચૈતન્ય જેનું ચિહ્ન છે અર્થાત્ જાણવું, જાણવું, જાણવું એ જેનું લક્ષણ-એંધાણ છે એવી ‘इदम् आत्मज्योतिः’ આ આત્મજ્યોતિને ‘सततम् अनुभवामः’ અમે સતત-નિરંતર અનુભવીએ છીએ. અહાહા! સમયનો આંતરો પડયા વિના નિરંતર અમે આનંદનો નાથ જે ભગવાન જ્ઞાયક આત્મા તેને અનુભવીએ છીએ. અંદર જે સચ્ચિદાનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદના સ્વભાવે શક્તિપણે પડયો છે તે અતીન્દ્રિય આનંદસ્વરૂપને અમે સતત અનુભવીએ છીએ. જુઓ આ આત્માનું ચારિત્ર. ચૈતન્યસત્તાથી ભરેલો જે જ્ઞાયકભાવ આનંદથી ભરેલો ભગવાન આત્મા એનું જ્ઞાન અને શ્રદ્ધાન છે, ઉપરાંત આચરણમાં અંદર સ્થિરતા કરી એને અનુભવીએ છીએ. ‘यस्मात्’ કારણ કે ‘न खलु न खलु अन्यथा साध्यसिद्धिः’ તેના અનુભવ વિના સાધ્ય આત્માની સિદ્ધિ નથી. ભગવાન આત્માનું જ્ઞાન, એની સમ્યક્ શ્રદ્ધા અને એમાં ઠરવારૂપ ચારિત્ર એ વિના આત્માની સિદ્ધિ એટલે મુક્તિ નથી. વ્યવહારથી થાય અને નિમિત્તથી થાય એમ નથી.
કેવી છે આત્મજ્યોતિ? ‘कथम् अपि समुपात्तत्रित्वम् अपि एकतायाः’ જેણે કોઈ પ્રકારે ત્રણપણું અંગીકાર કર્યું છે તોપણ જે એકપણાથી ચ્યુત થઈ નથી. પરિણમનની અપેક્ષાએ પર્યાયમાં ત્રણ પણું છે તોપણ એ ચૈતન્યજ્યોતિ સદા એક જ્ઞાયકપણે જ રહી છે. વળી તે ચૈતન્યજ્યોતિ ‘अच्छम् उद्गच्छत्’ નિર્મળપણે ઉદ્રય પામી રહી છે, ચૈતન્યના પ્રકાશથી પર્યાયમાં નિર્મળપણે પ્રકાશ પ્રસરી રહ્યો છે.
‘આચાર્ય કહે છે કે જેને કોઈ પ્રકારે પર્યાયદ્રષ્ટિથી ત્રણપણું પ્રાપ્ત છે’ઃ-શું કહે છે? કે આ આત્મા શુદ્ધ ચૈતન્યઘન ત્રિકાળ ધ્રુવ એકરૂપ છે એ તો સ્વભાવની વાત છે, પણ એને એ શુદ્ધ એકરૂપ ચૈતન્ય આનંદસ્વરૂપનાં પ્રતીતિ-શ્રદ્ધા, જ્ઞાન અને એમાં રમણતા એમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની જે પરિણતિ થાય તે પર્યાય અપેક્ષાએ ત્રણપણે પરિણમન છે. અહીં પર્યાયનું ત્રણપણે પરિણમન લીધું તે સમ્યગ્દર્શનાદિનું લીધું, વચ્ચે જે રાગ (મહાવ્રતાદિનો) આવે તે લીધું નહિ; કેમ કે દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત, તપ વગેરેનો ભાવ આવે તે રાગ છે, ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી.
પ્રશ્નઃ–એને વ્યવહારે ધર્મ કહ્યો છે ને?
ઉત્તરઃ–વ્યવહારે ધર્મ કહ્યો છે, પણ કોને? સમ્યગ્દ્રષ્ટિને. જેને (દ્રષ્ટિમાં) રાગનો અભાવ છે, શુદ્ધ ચૈતન્યના આનંદના અમૃતનો સ્વાદ આવ્યો છે અને શાંતિ થોડી અંદર વધી છે એવા સમક્તિીને જે વ્રતાદિના વિકલ્પ હોય તેને વ્યવહારધર્મ, પુણ્યધર્મ કહ્યો છે. ભાઈ! આ તો જન્મ-મરણરહિત થવું હોય એની વાત છે. જેને હજુ સ્વર્ગના અને શેઠાઈના અને રાજા વગેરેના ભવ કરવાની હોંશ હોય એને માટે આ વાત નથી. એ ભવ સારા નથી પણ દુઃખમય છે.