૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨
ભાઈ! સુખ શામાં છે એની તને ખબર નથી. શું સુખ પૈસામાં છે? સ્ત્રીના શરીરમાં છે? આબરૂમાં છે? પુણ્ય-પાપના ભાવ થાય એમાં છે? એમાં તો સુખ ધૂળેય (કાંઈ) નથી. અહાહા! સુખ તો ભગવાન આત્મા જે અનાકુળ આનંદના રસથી ભરેલો છે એમાં છે. આવી નિજસત્તાનો જેમને સ્વીકાર જ નથી તે ભલે કોઈ પુણ્ય કરે, એથી એને પુણ્યના ફળમાં સ્વર્ગાદિ (ભવ) મળે; પણ એ બધા દુઃખી છે, ચારગતિમાં રખડનારા છે. અહીં કહે છે કે એવા અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્માનાં દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતા કરતાં અતીન્દ્રિય નિરાકુળ આનંદ-સુખનો જે સ્વાદ આવે છે તે સ્વાદમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે સમાય છે. એમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિશ્ચય મોક્ષમાર્ગનું જે ત્રણપણે પરિણમન છે એ પર્યાયાર્થિકનયનો વિષય છે.
અત્યારે સંપ્રદાયમાં તો અજૈનને જૈનપણું મનાવી રહ્યા છે. શું થાય? ભક્તિવાળા એમ કહે છે કે ભગવાનની ભક્તિ કરતાં કરતાં ધર્મ થાય, દયા પાળનારા એમ કહે છે કે પરની દયા પાળતાં પાળતાં ધર્મ થાય, પૈસાવાળા એમ કહે છે કે પાંચ પચાસ લાખનું દાનમાં ખર્ચ કરીએ તો ધર્મ થાય. એ ત્રણે જૂઠા છે. ધર્મ તો વસ્તુનો સ્વભાવ છે. કહ્યું છે ને કે “वत्थु सहावो धम्मो” ભગવાન આત્મા વસ્તુ જે ત્રિકાળ આનંદઘનસ્વભાવી છે એની દ્રષ્ટિ કરીને, એનું જ્ઞાન કરીને એમાં રમણતા કરવી એ વસ્તુનો સ્વભાવરૂપ ધર્મ છે.
જેને આવા ધર્મની દ્રષ્ટિ થઈ છે તેની પરિણતિમાં વર્તમાન પર્યાયદ્રષ્ટિથી જોઈએ તો ત્રણપણું પ્રાપ્ત છે ‘તોપણ શુદ્ધ દ્રવ્યદ્રષ્ટિથી જે એકપણાથી રહિત નથી થઈ....’ અહાહા! શુદ્ધ દ્રવ્યદ્રષ્ટિથી આ ત્રિકાળી આનંદકંદ પ્રભુ આત્માને એકપણું છે એ અજ્ઞાનીને કેમ બેસે? જ્યાં થોડીક અનુકૂળતા થાય, બહારમાં પાંચ પચાસ લાખનો સંયોગ થાય ત્યાં ખુશી ખુશી થઈ જાય એ રાંકાને આત્મા આનંદકંદ છે એ કેમ બેસે? પણ ભાઈ! આ તો જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ સર્વજ્ઞ તીર્થંકરદેવે એમ કહ્યું છે કે તું અંદરમાં ત્રિકાળી એકરૂપ આનંદસ્વરૂપ જ્ઞાયક પરમાત્મતત્ત્વ છે. શુદ્ધ દ્રવ્યદ્રષ્ટિથી જોતાં એ એકપણું, જ્ઞાયકપણું કદી છૂટયું નથી. આવો માર્ગ કઠણ પડે, કેમ કે આખો દિવસ ધંધામાં પાપમાં જાય. ૭-૮ કલાક ઊંઘમાં જાય, ૧૦-૧૨ કલાક ધંધામાં જાય, ૨-૩ કલાક ખાવામાં જાય અને વખત મળે તો કોઈક દિવસ એકાદ કલાક સાંભળવામાં જાય. ત્યાં આવું સાંભળે કે વ્રત કરો, તપ કરો, ઉપવાસાદિ કરો, તેથી તમને ધર્મ થશે. અરેરે! બિચારાની જિંદગી લૂંટાઈ જાય છે. અહીં પરમાત્મા એમ કહે છે કે એ વ્રત, તપ, દયા, દાન, ભક્તિ આદિના ભાવ એ રાગના અને કષાયની મંદતાના ભાવ એ દુઃખના ભાવ છે.
જેમ સક્કરકંદમાં જે ઉપર લાલ પાતળી છાલ છે એ કાઢી નાખો તો બાકીનો આખો સક્કરકંદ મીઠાશનો પિંડ છે; એમ આ ભગવાન આત્મામાં પુણ્ય-પાપની વૃત્તિઓ, દયા, દાન, વ્રત આદિ વિકલ્પો એ છાલ છે. એની પાછળ જુઓ તો ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા આખો અતીન્દ્રિય આનંદનો કંદ છે. પણ શરીર અને પુણ્ય-પાપના વિકલ્પનું લક્ષ